
- તુષાર દવે
વેલ, મહામહેનતે દેશમાં સુંદર ઓરેટર અને અભ્યાસુ વક્તા હોવાની મોદીની રેવડી વિશ્વમાં દાણાદાળ થઈ રહી છે.
આ અગાઉ અને આજ વખતે ફરી એક વાર અમેરિકામાં 'જખ મારીને' આઈ રિપીટ 'જખ મારીને' (આપ આમ ચૂસ કર ખાતે હો યા કાટ કર? કે આપ થકતે ક્યોં નહિ? ટાઈપના લોલીપોપ સવાલો સિવાયના) અનપ્લગ્ડ મીડિયાનો સામનો કરવાનો મોદીને બિલકુલ અનુભવ કે આવડત ન હોવાનો પુરાવો ઉડીને આંખે વળગતો હતો અને આ માત્ર મોદી જ નહિ, પણ હું અગાઉ અનેકવાર લખી ચુક્યો છું એ રીતે ભારતના કહેવાતા નેશનલ મીડિયા માટે પણ શરમનો વિષય છે કે તે એક લોકશાહી રાષ્ટ્રના વડાને કોરોનાથી માંડીને નોટબંધી સુધીના કપરા દિવસો દરમિયાન એક સાદી પત્રકાર પરિષદ કરવાની ફરજ પણ નથી પાડી શક્યું. લોજીકલ પ્રત્યુત્તર કે ચર્ચા વિનાની એક તરફી 'મન કી બાત' મોદી આકાશવાણી પર કરે કે રેડિયો ઓફ નોર્થ કોરિયા પર કરે શું કંકોડો ફરક પડે?
અદાણી મુદ્દે પૂછાયેલા સવાલ વખતની મોદીની લેંન્ગવેજ અને બોડી લેંગ્વેજ બન્ને છત ફાડીને પોકારી રહી હતી કે ત્રણ ત્રણ ટર્મના શાસન છતાં આ માણસને આ પ્રકારના સવાલોનો સામનો કરવાની કોઈ પ્રેક્ટિસ જ નથી થઈ કારણ કે ભારતમાં અપવાદો બાદ કરતાં મોટા ભાગના મીડિયાએ લાજ કાઢી છે, પત્રકારોએ કરોડરજ્જુ ભંગાવીને બંગલા બાંધ્યા છે, એન્કર્સ કરતા સારા સવાલો કૉમેડિયનો ઉઠાવી લે છે, સત્તાધીશો સાથે સંવાદની વધુ તક ન્યુઝ ચેનલ કરતા રણબીર જેવા કથિત ઇનફ્લૂએન્સર્સ - નકલી હિન્દુત્વના બોંદા પોસ્ટર બોય્સ કે બૉલીવુડ સ્ટાર્સને વધુ મળી રહી છે. મીડિયાના પગ પાક્યા છે, વડાપ્રધાનને બગાઈઓ ચોંટી છે અને વહેંતિયાઓ હવામાં તલવારો વિંઝી રહ્યા છે. સ્થાનિક ચમકારાઓ બાદ કરીએ તો ભારતના પત્રકારત્વનો આ અંધકારયુગ ચાલી રહ્યો છે. અખો યાદ આવે કે - 'અંધે અંધ અંધારે મળ્યા, જયમ તલમાં કોદરા ભળ્યા.'
કટોકટીકાળમાં અડવાણીએ મીડિયાને ટોણો મારેલો કે, ‘આપકો તો ઝુકને કો કહા ગયા થા પર આપ લોગ તો રેંગને લગે.’ આજે પણ એવું જ છે. જે રીતે રવિશકથિત ‘ડરા હુઆ લોકતંત્ર મરા હુઆ નાગરિક બપેદા કરતા હૈ’ એ જ રીતે પત્રકાર પરિષદનો સામનો કર્યા વિના એક પીઆર પપેટ બોન્દો વડાપ્રધાન જ પેદા થાય છે જે વૈશ્વિકમંચ પર મજાકનું પાત્ર બને છે. એ એની નિયતિ છે, પણ રાષ્ટ્રનું ગૌરવ ઘટાડે છે. વડાપ્રધાન બન્યા બાદ મોદીજી માત્ર એક વાર પ્રેસ સમક્ષ આવ્યા હતા જ્યારે 2019ની ચૂંટણી જીત્યા. એ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા. કહ્યું કે અમિતજીને કહા કે ‘પત્રકાર સબ યાદ કર રહે હૈ આપ આ જાઓ. મેં આપ સબ સે હાય હેલ્લો કરને આ ગયા.’ એમણે એકપણ સવાલ ન લીધો. દરેક સવાલ અમિત શાહે લીધા અથવા મોદીજીએ શાહને પાસઓન કર્યા. મોદીજીએ પોતાના પગ પર કુહાડો માર્યો, શાહે એમને આગળ ન ધર્યા કે પછી પત્રકારોએ હારાકીરી સ્વીકારી લીધી હોય, પણ ત્રણ ત્રણ ટર્મ બાદ પણ આપણા વડાપ્રધાનને એક સાડી પત્રકાર પરિષદનો સુદ્ધા અનુભવ નથી ને મને ડોશી મરે એનો વાંધો જ નથી, મને વાંધો જમના ઘર ભાળવા સામે છે કે આના પછી સત્તા પર આવનારા દરેક વડાપ્રધાનને મનમાં એવું ન ઠસી જાય તો સારું કે ટ્રમ્પ જેવા માથાફરેલ લીડરને ભલે પ્રેસનો સામનો કરવો પડતો હોય કે નહેરુ દર મહિને નવરા બેઠા પત્રકાર પરિષદ કરતા હોય, પણ દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાની ફાંકા ફોજદારી કરતા રાષ્ટ્રનો વડો પ્રધાન પત્રકાર પરિષદ ન કરે અને કોઈ કાઉન્ટર વિનાની એક તરફી 'મન કી બાત' કરે રાખે તો ચાલે!
આમ છતાં દેશનો સૌથી મહત્વનો પ્રશ્ન એક કોમેડિયનનો શો છે બોલો! વાત સાચી છે મિલોર્ડ, પણ તમે જેને પકડ્યો એ કોમેડિયન ખોટો છે!
સવાલ મોદીના વર્તમાનનો નહિ, પણ દેશના ભવિષ્યનો છે!
ઇતિસિદ્ધમ.