છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છોટીઉંમર ગામે આઝાદીના વર્ષો થી રસ્તો ન હોવાથી લોકો હેરાન પરેશાન છે. ચોમાસાના ચાર મહિના છોટીઉંમર, કુપ્પા અને ખેંડા ગામ સંપર્ક વિહોણા બની જાય છે. ત્રણ ગામોમાં 1500થી વધુની વસ્તી છે. હાલ 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી. ચોમાસામાં કોઈ બીમાર પડે તો ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે.
વિકાસ સામે આદિવાસીઓના આક્ષેપ
ગરીબ આદિવાસી સમાજના લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાથી વંચિત હોય અને તેઓએ વિકાસના નામે મત આપ્યો હતો. પરંતુ નેતાઓ મત લઈને ગયા બાદ પરત આવ્યા જ નથી. ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદ અને અધિકારીઓને વર્ષોથી પત્ર લખીને રસ્તાની માંગણી કરી રહ્યા છે. 6 કિલોમીટરનો કાચો માર્ગ હોવાથી આદિવાસી સમાજના લોકો વર્ષોથી હેરાન પરેશાન છે. ચૂંટણી સભાઓમાં વાયદાઓ આપવામાં આવે છે. સરકારી કાર્યક્રમોમાં વિકાસના ગુણગાન ગાતા નેતાઓ આ વિસ્તારની મુલાકાત લે તો છેવાડાના માનવીનો કેવો વિકાસ છે. તે ખબર પડે હાલ ત્રણ ગામોના લોકો રસ્તો બને તેવી માંગ કરી રહ્યા છે.