
પહેલગામમાં આતંકી હુમલાનો ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે.ભારતની પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ આતંકના ત્રણ મોટા આકાઓ સહિત કેટલાક મોટા આતંકવાદીઓને પોતાના ચાર હેડક્વાર્ટરમાં શિફ્ટ કર્યા છે. અન્ય આતંકવાદીઓને વસ્તી ધરાવતા વિસ્તારમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારત તરફથી આતંકીઓના 9 ઠેકાણાઓ પર કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન માટે આતંકવાદીઓના નવા ઠેકાણા તૈયાર કરવા આસાન નથી.
Operation Sindoor બાદ પાકિસ્તાનને લાગ્યો ડર
ભારત દ્વારા ઐતિહાસિક એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં રહેલા આતંકના ચાર મોટા ચહેરા પોતાની સુરક્ષાને લઇને ડરેલા છે. પાકિસ્તાની સેના અને જાસુસી એજન્સીઓને પણ ડર છે કે જે રીતની સ્થિતિ ચાલી રહી છે એવામાં કોઇ અજાણ્યો બંદૂકધારી તેમને પોતાના નિશાન ના બનાવે. ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પહેલા જ અનેક ટ્રેનિંગ કેમ્પોમાં રહેલા આતંકવાદીઓને ત્યાથી બહાર મોકલી દેવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ બચેલા આતંકવાદીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે આગામી આદેશ સુધી તે વસ્તી ધરાવતા વિસ્તાર અથવા પોતાના ઘરમાં જ રહે.
સેનાના હેડક્વાર્ટરમાં આતંકના આકાઓને શિફ્ટ કરાયા
આતંકના ત્રણ મોટા ચહેરા મસૂદ અઝહર, હાફિઝ સઇદ, સૈયદ સલાહુદ્દીન સહિત અનેક મોટા આતંકવાદી કમાન્ડરોને પાકિસ્તાની સેનાના ચાર અલગ અલગ હેડક્વાટર્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આતંકના આ ચહેરાઓને પાકિસ્તાની સેના ચૌથી કોર લાહોર, પાંચમી કોરના કરાચી, દસમી કોરના રાવલપિંડી અને 11મી કોરના પેશાવર હેડક્વાર્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આતંકીઓની સુરક્ષા માટે પાકિસ્તાની કમાન્ડોને મુકવામાં આવ્યા છે. સાથે જ તેમને સામાન્ય નાગરિકોના મળવા પર રોક લગાવી દેવામાં આવી છે.
પાકિસ્તાની સેના અને જાસુસી એજન્સી માટે હવે આતંકવાદીઓ માટે નવા ઠેકાણા તૈયાર કરવા પણ આસાન નથી. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આતંકવાદીઓના કેમ્પ બનાવવામાં આવી શકતા હતા પરંતુ તહરીકે તાલિબાન પાકિસ્તાન અને તાલિબાન સાથે ટકરાવને કારણે આ વિસ્તારમાં નવા કેમ્પ બનાવી શકાય તેમ નથી. બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીની મજબૂત પકડ હોવાને કારણે આતંકવાદી કેમ્પોને ત્યા મોકલી ના શકાય. માનવામાં આવે છે કે હવે પંજાબ જ બાકી છે જ્યા આતંકવાદી કેમ્પ લાગી શકે છે.