
India vs Pakistan News : પહલગામમાં આતંકી હુમલા પાકિસ્તાન સાથે ચાર દિવસના ઘર્ષણમાં ભારતે પડોશી દેશને ભારે નુકસાન પહોંચાડયું હતું અને અચાનક જ 10 મેએ ભારતે સીઝફાયરની પાકિસ્તાનની વિનંતી માની લીધી હતી. એટલું જ નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે અચાનક જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે સક્રિય થયા તેનો ઘટસ્ફોટ હવે થયો છે. પાકિસ્તાનના જે નુરખાન એરબેઝને ભારે નુકસાન પહોંચાડયું હતું તેના પર હકીકતમાં અમેરિકાનું નિયંત્રણ છે અને ત્યાં રખાયેલા પરમાણુ હથિયારો પણ અમેરિકાના હોવાની સોશિયલ મીડિયા પર વ્યાપક સ્તરે અટકળો થઈ રહી છે.
નૂરખાન એરબેઝ હકકીતમાં અમેરિકાના નિયંત્રણમાં છે
પાકિસ્તાનના સુરક્ષા નિષ્ણાત ઈમ્તિયાઝ ગુલે દાવો કર્યો છે કે રાવલપિંડીમાં આવેલું નૂરખાન એરબેઝ હકકીતમાં અમેરિકાના નિયંત્રણમાં છે. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ નૂરખાન એરબેઝ પર હુમલો કર્યો ત્યારે પણ આ એરબેઝ પર અમેરિકાનું જ નિયંત્રણ હતું. પાકિસ્તાનના સુરક્ષા નિષ્ણાતે ત્યાં સુધી કહ્યું છે કે નૂરખાન એરબેઝ પર પાકિસ્તાની આર્મીને પણ પ્રવેશવાની મંજૂરી નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં ઈમ્તિયાઝ ગુલે દાવો કર્યો છે કે પાકિસ્તાની એરફોર્સના નૂરખાન એર બેઝ પર અમેરિકાના નિયંત્રણથી હકીકતમાં દેશની સ્વાયત્તતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. અમેરિકાના વિમાનો વારંવાર નૂરખાન એરબેઝ પર જોવા મળ્યા છે, પરંતુ તેના કાર્ગો અંગે કોઈ સ્પષ્ટતા નથી. એટલે કે એ સ્પષ્ટ નથી કે આ વિમાનો શું લઈ જઈ રહ્યા છે કે લાવી રહ્યા છે?
11 એરબેઝને પણ ભારે નુકસાન
ઈમિત્યાઝ ગુલે એવા સમયે દાવો કર્યો છે જ્યારે પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યા પછી ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના નવ આતંકી સ્થળોનો નાશ કરવાની સાથે 10 મેની વહેલી સવારે નૂરખાન એરબેઝ સહિત પાકિસ્તાનના 11 એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડયું હતું અને આ જ દિવસે અચાનક જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયું હતું.
પરમાણુ હથિયારોને નુકસાન
ઈમિત્યાઝ ગુલનો વીડિયો વાયરલ થવાની સાથે સોશિયલ મીડિયા પર એવી અટકળોએ જોર પકડયું છે કે નૂરખાન એરબેઝ પર જે પરમાણુ હથિયારો છે તે પાકિસ્તાનના નહીં પરંતુ હકીકતમાં અમેરિકાના છે અને ભારતના હુમલામાં આ પરમાણુ હથિયારોને નુકસાન પહોંચ્યું છે. સંભવતઃ આ જ કારણથી અચાનક જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણા માટે સક્રિય બન્યા અને ભારતના હુમલાના દિવસે જ તાત્કાલિક યુદ્ધવિરામ પણ થઈ ગયું હતું.
પરમાણુ લીકેજ રોકવા માટે લોન આપી
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ 6-7 મેની રાતે પાકિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી કર્યા પછી ટ્રમ્પે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો ધરાર ઈનકાર કરી દીધો હતો. જોકે, 10 મેએ વહેલી સવારે ભારતે નૂરખાન એરબેઝ સહિત પાકિસ્તાનના 11 એરબેઝને ભારે નુકસાન પહોંચાડયા પછી અચાનક અમેરિકા બંને દેશો વચ્ચે શાંતિ વાટાઘાટો માટે કૂદી પડયું હતું અને હવે ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે મેં બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેએ યુદ્ધવિરામ પછી પડોશી દેશને આઈએમએફે આપેલી લોન પણ હકીકતમાં નૂરખાન એરબેઝ પર પરમાણુ લીકેજ રોકવા માટે અપાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. કારણ કે આઈએમએફે આતંકવાદના મુદ્દે વર્ષો સુધી પાકિસ્તાનને લોન આપવાનું ટાળ્યું હતું. પરંતુ ભારત સાથે ઘર્ષણ વચ્ચે પણ આઈએમએફે પાકિસ્તાનને લોન આપવા તૈયારી દર્શાવી એ બાબતે પણ અનેક સવાલ ઊભા કર્યા હતા.
અમેરિકા નૂરખાન એરબેઝનો ઉપયોગ કરતું હોવાની અટકળો
પાકિસ્તાનના સુરક્ષા નિષ્ણાત ઈમ્તિયાઝ ગુલે દાવો કર્યો છે કે અમેરિકામાં 9/11ના આતંકી હુમલા પછી અમેરિકન સરકારે આતંકવાદ સામેના યુદ્ધમાં પાકિસ્તાનને સાથી બનાવ્યું હતું અને પાકિસ્તાનની ધરતી પરથી અનેક ગુપ્ત ઓપરેશન્સ હાથ ધર્યા હતા. પાકિસ્તાનનું નૂરખાન એરબેઝ રાવલપિંડીમાં ચકલાલા ખાતે આવેલું છે, જે સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન્સથી ખૂબ જ ટૂંકા અંતરે છે. આ એરબેઝ પર પાકિસ્તાનના પરમાણુ હથિયારો છે અને તે આર્મીના જનરલ મુખ્યાલયની પણ નજીક છે. નૂરખાન એરબેઝ સી-130 પરિવહન વિમાન અને સર્વેલન્સ પ્લેટફોર્મનું પણ મુખ્ય કેન્દ્ર છે. સોશિયલ મીડિયા પર એવી પણ અટકળો થઈ રહી છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનની સાથે રશિયા અને ચીન પર નજર રાખવા અને પરમાણુ હથિયારો રાખવા માટે અમેરિકા નૂરખાન એરબેઝનો ઉપયોગ કરતું હોવાની અટકળો છે.