સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં રેતીનું ભારે તોફાન આવ્યું હતું, જેના કારણે આકાશ રેતીના જાડા વાદળોથી ઢંકાઈ ગયું હતું. આ કુદરતી આફતના કારણે શહેરમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. શેરીઓ સુમસાન થઈ ગઈ, વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ, અને રહેવાસીઓ ઘરોમાં જ કેદ થઈ ગયા હતા.
રિયાધમાં રેતીના તોફાને ભારે તબાહી મચાવી
રેતીના તોફાને રિયાધને ઘેરી લીધું, જેના કારણે શહેરની ઊંચી ઈમારતો પણ રેતીના ગાઢ ધુમ્મસમાં અદૃશ્ય થઈ ગઈ. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે, "રેતીનું તોફાન ઓછું થવાના કોઈ સંકેત દેખાતા નથી." સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને ઘરમાં રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે. પવનથી ઉડી રહેલી રેતીના કારણે વાહનો અને માળખાગત સુવિધાઓ પર પણ અસર પડી છે.
તોફાન જોઈને લોકોના શ્વાસ થંભી ગયા
આ ભયંકર તોફાન ફક્ત રિયાધ પૂરતું મર્યાદિત નહોતું. તે જાઝાન, આસીર, અલ બહા, મક્કા અને અલ કાસિમ જેવા વિસ્તારોમાં પણ ઝપેટમાં અવી ગયા હતા. આ વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવન પર ખરાબ અસર પડી હતી. રસ્તાઓ પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ તોફાનના વીડિયો જોઇને લોકોના શ્વાસ થંભી ગયા હતા.
લોકો પોતાના ઘરોમાં કેદ થયા
રેતીના તોફાનને કારણે રહેવાસીઓ તેમના ઘરોમાં કેદ થઈ ગયા, શાળાઓ, ઓફિસો અને બજારો બંધ થઈ ગયા. વહીવટીતંત્રે રસ્તાઓ સાફ કરવા અને આરોગ્ય સેવાઓને એલર્ટ પર રાખવા સહિતના કટોકટીના પગલાં શરૂ કર્યા છે. હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે "રહેવાસીઓને આગામી થોડા દિવસો સુધી સતર્ક રહેવાની જરૂર છે."