
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ઝરિયા ગામમાં આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધા વાળી હોસ્ટેલ અને શાળા જર્જરિત અવસ્થામાં બાળકોને જે હોલમાં રહેવાની સુવિધા છે. તેમાં જ 6 થી 8 ના બાળકોને ભણાવવામાં આવે છે. ધોરણ 1 થી 5 ના બાળકોને ઓટલા ઉપર બેસાડીને ભણાવવામાં આવે છે.
અધિકારીઓ ચકાસણી નથી કરતા
ઝરિયા ગામે ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘ રાજપીપલા સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી મહાત્મા ગાંધી આશ્રમશાળામાં કન્યા અને કુમાર છાત્રાલય ચાલે છે. જેમાં કુમારની સંખ્યા 91 અને કન્યાની સંખ્યા 31 આમ બે હોસ્ટેલમાં 122 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. જેની ગ્રાન્ટ આદિજાતિ વિભાગ દ્વારા આપવામાં આવે છે. આદિજાતિ વિભાગના અધિકારીઓને દર માસે આવી સંસ્થાઓની શાળાઓ અને હોસ્ટેલ બિલ્ડિંગ ચકાસણી કરવાની હોય છે. પરંતુ અધિકારીઓ ચકાસણી કરતા નથી. ઓફિસમાં બેઠા બેઠા વહીવટ ચલાવે છે.
બિલ્ડિંગ જર્જરિત
ઝરિયા ગામે ચાલતી શાળા અને છાત્રાલયનું બિલ્ડિંગ જર્જરિત છે. જે રૂમમાં બાળકો રહે છે. તે જ રૂમમાં શિક્ષણ પણ આપવામાં આવે છે. તે બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં છે. ગમે ત્યારે તૂટી પડે તેમ છે. કન્યાઓની હોસ્ટેલ બિલ્ડિંગનું મકાન પણ જર્જરિત છે. રસોડાનું મકાન પણ જર્જરિત છે. જ્યારે કેમ્પસમાં અન્ય બિલ્ડિંગો પણ જર્જરિત છે. ત્યારે ભયના ઓથારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમી દૂર શાળા
બાળકોને પલંગ અને પથારીની સુવિધા આપવાની હોય છે. હાલ તો બાળકો નીચે ઉંઘવા મજબૂર બન્યા છે. તેઓને પલંગ આપવામાં આવ્યા નથી. મહાત્મા ગાંધી આશ્રમશાળા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિલોમીટર દૂર આવેલી છે. વિશ્વ ફલક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસનું મોડલનું ગુણગાન ગાતા આદિજાતિ મંત્રી આ છાત્રાલયની મુલાકાત લેશે. આદિવાસી બાળકોને સારું બિલ્ડિંગ અને સારા શિક્ષણની સુવિધા અપાવશે તે તો જોવાનું રહ્યું.