Valsad News: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ચૂંટણી પ્રચાર શાંત થયો છે. ત્યારે છેલ્લા સમયમાં આજે ઉમરગામના ધારાસભ્યનો જાહેરમાં સરપંચને પૈસા આપ્યાનો વિડીઓ વાયરલ થતા ઘણા પ્રશ્નો ઊભા થયા છે. હાલ શુક્રવારના બપોરે અંતિમ સમયમા ઉમરગામ તાલુકાના પળગામ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકર એક સરપંચને સમર્થન આપવા પહોંચ્યા હતા.
જેમાં એમની જીભ લપસી જતા ચૂંટણી ટાણે એમના સમર્થિત સરપંચોને પૈસા આપ્યાનું જાહેરમાં જણાવ્યું હતું. તો આ તરફ જ્યાં તેઓ ગયા હતા એ ગામના ઉમેદવારને પણ પૈસા આપ્યાનું જણાવ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખુદ ધારાસભ્ય હોવા છતાં આ વિસ્તારમાં અઢી હજાર એકરનો જમીન ગોટાળો થયાનું પણ જાહેરમાં જણાવી ક્રિકેટ મેદાનમાં પણ બોગસ કાગળિયાં થયાની વાતો જણાવી હતી .
આટલું બધું જાણવા છતાં અને ધારાસભ્ય જાણતાં હોય તો પછી અઢી હજાર એકરનો ગોટાળો કેમ બહાર કાઢતા નથી? હાલ તો ચૂંટણી સમયે એમના માનીતા સમર્થિત સરપંચોને પૈસા આપ્યા હોવાનનો વીડિયો વાયરલ થતા ઘણા પ્રશ્નો ઊભા થવા પામ્યા છે.