
છેલ્લા ઘણા સમયથી નદી કે કેનાલમાં નહાવા ઉતરવાને કારણે યુવાનોના મોતના સમાચાર ગુજરાતભરમાંથી સામે આવી રહ્યા છે. એવામાં ફરી સુરેન્દ્રનગરમાંથી કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના વઢવાણ નજીક ચેક ડેમમાં બે બાળકો ડૂબ્યા અને બંનેના મોત નિપજ્યા છે. ગરમીથી કંટાળી ગયેલા 3 બાળકો ચેકડેમાં નહાવા માટે પડ્યા હતા. પરંતુ તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે, નદીમાં ડૂબી જવાને કારણે સુમિત રાઠોડ અને તન્મય ગોહિલનું મોત થયું છે. સગીર યુવકોના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. બંને સગીરના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે વઢવાણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.