
ગુરુવારે તા. 12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 પ્લેન ટેકઓફ થતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં મેઘાણીનગરમાં ક્રેશ થયું. આ ગોઝારી દુર્ઘટનામાં પ્લેનમાં મુસાફરી કરતા 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ માર્યા ગયા. જ્યારે આ પ્લેન જે બિલ્ડિંગ સાથે ટકરાયું તે મેડિકલ કોલેજની હોસ્ટેલના રેસિડેન્ટ ડોક્ટરો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. અત્યાર સુધી મૃત્યુનો આંક 265 હોવાનું જાણવા મળ્યું છે.
હીનાબેન લંડનથી આવેલા
એર ઈન્ડિયાનું જે પ્લેન ગુરુવારે ક્રેશ થયું તે પ્લેન સવારે લંડનથી આવ્યું હતું. આ પ્લેનમાં સુરતના એક મહિલા યાત્રી લંડનથી આવ્યા હતા. પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે જાણ્યા બાદ મહિલા યાત્રીની ઉંઘ ઉડી ગઈ છે. તેમણે કહ્યું કે, એર ઈન્ડિયાનું પ્લેન જ ખખડધજ હતું. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરિયા લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ 172માં બપોરે 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના ઉતર્યાના દોઢ કલાકમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. તે સમાચર સાંભળીને હિનાબેનને આઘાત લાગ્યો હતો. તેઓ સુરત પહોંચે તે પહેલાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
પ્લેનમાં પહેલેથી જ ખામી હતી
હિનાબેને કહ્યું કે, એર ઈન્ડિયાનું પ્લેનમાં પહેલાથી જ ખામી હતી. લંડનથી ફ્લાઈટ ઉપડી ત્યારે એસી બંધ હતું. પ્લેનની અંદર ડિસ્પ્લે પણ બંધ હતા. વળી, પ્લેન જ્યારે અમદાવાદમાં લેન્ડ થયું ત્યારે તેમાંથી ખડખડ અવાજ આવતો હતો. જૂની એસટી બસમાં અવાજ આવે તેવો અવાજ તે હતો. જેના લીધે મુસાફરોને ખૂબ ડર લાગ્યો હતો. દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટમાં ચોક્કસ કોઈ ટેક્નિકલ ખામીઓ હતી. યોગ્ય ધ્યાન આપવાની જરૂર હતી. હિનાબેને કહ્યું કે, દુર્ઘટના અંગે સમાચાર આવતા મને ખૂબ આઘાત લાગ્યો હતો. હજુ તો હું અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે જ પહોંચી ત્યાં આ દુર્ઘટના બની હતી. મારી ઊંઘ ઉડી ગઈ છે. દ્વારકાધીશનો આભાર કે મને કંઈ થયું નથી.