
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરી રહી છે. જેના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર સાથે ફોન પર વાત કરી છે. પહેલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને ચીનનું સમર્થન મળ્યું છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચે વાતચીત
ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય અખબાર ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન ચીને કહ્યું કે તે હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર નજર રાખી રહ્યું છે.
વાતચીત દરમિયાન ઈશાક ડારે કહ્યું કે તેઓ આતંકવાદ વિરુદ્ધ કડક નિર્ણયો લેવા માટે પ્રતિબદ્ધ છે અને પાકિસ્તાન કોઈપણ એવા પગલાનો વિરોધ કરે છે જેનાથી તણાવ વધે. પાકિસ્તાન આ મુદ્દે ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાયના સંપર્કમાં રહેશે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે તેઓ પાકિસ્તાન દ્વારા આતંકવાદ વિરુદ્ધ લેવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરે છે. આતંકવાદ સામેની લડાઈ એ તમામ દેશોની સહિયારી જવાબદારી છે.
પાકિસ્તાને શું માંગી હતી?
પાકિસ્તાને માંગ કરી હતી કે પહેલગામ હુમલાની તપાસમાં રશિયા અને ચીનને સામેલ કરવામાં આવે. મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ટીમે તપાસ કરવી જોઈએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલી રહ્યા છે કે ખોટું.
પહેલગામ કેસમાં શું છે નવીનતમ અપડેટ?
ગૃહ મંત્રાલયના આદેશ બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પહેલગામ હુમલાની તપાસ શરૂ કરી છે. ભારતીય નૌકાદળએ એન્ટી-શિપ મિસાઇલ ફાયર કરીને તેની લાંબા અંતરની હુમલો કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ અપીલ કરી છે કે નિર્દોષ લોકોના ઘર તોડવામાં ન આવે. અત્યાર સુધીમાં 272 પાકિસ્તાની નાગરિકો ભારત છોડી ચૂક્યા છે અને બાકીના લોકોને રવિવાર સુધીમાં છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.