
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પહેલગામ હુમલાને લઇને પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. શાહબાઝ શરીફે કહ્યું કે, તે પહેલગામ હુમલા બાદ દરેક તપાસ માટે તૈયાર છે. પહેલગામ હુમલા બાદ ભારતના એક્શનથી પાકિસ્તાન ડરી ગયું હોય તેમ લાગી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે, તે પહેલગામ હુમલા બાદ દરેક તપાસ માટે તૈયાર છે. પાકિસ્તાનને બદનામ કરવામાં આવી રહ્યું છે.
આ સાથે જ સેનાને લઇને કહ્યું કે તે પાકિસ્તાનના ફૌઝી દેશને બચાવવા માટે તૈયાર છે.
સિંધુ જળ સંધિ સ્થગિત કરવા પર શાહબાઝ શરીફની પ્રતિક્રિયા
આ મામલે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું, 'પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા વાળવાના ભારતના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે. અમે કોઈપણ દુરાચારનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ બાબતે કોઈએ કોઇપણ ભૂલ ન કરવી જોઈએ. આ 240 મિલિયન લોકોનો દેશ છે, અમે અમારા બહાદુર સશસ્ત્ર દળોની સાથે છીએ. આ સંદેશ જોરદાર અને સ્પષ્ટ હોવો જોઈએ.'
પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે વધુમાં કહ્યું, 'શાંતિ અમારી પ્રાથમિકતા છે. અમે અમારી અખંડિતતા અને સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.'
સિંધુ જળ સંધિ પર રોક યુદ્ધને નોતરું
ભારતે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પાંચ મહત્ત્વના નિર્ણયો લીધા છે. જેમાં 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ પર રોક મૂકી છે. ભારતની આ કાર્યવાહીને પાકિસ્તાનના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી ઈશાક ડારે યુદ્ધને નોતરું આપ્યું હોવાનું જણાવ્યું છે. ડારે કહ્યું કે, પાકિસ્તાનના 24 કરોડ લોકોને પાણીની જરૂર છે. તેને તમે બંધ કરી શકો નહીં. જો પાણી રોકવામાં આવશે તો તેને યુદ્ધનો સંકેત ગણવામાં આવશે અને અમે આકરો જવાબ આપીશું.
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વ હેઠળ નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદે પણ ભારતને ધમકી આપી હતી કે, જો પાકિસ્તાનને નુકસાન કર્યું તો તેના પરિણામો ભારતે પણ ભોગવવા પડશે.
ઉલ્લેખનીય છે, પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે અને 17થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. જો કે, આતંકવાદને સમર્થન આપતી પાકિસ્તાન સરકારે તેમાં કોઈ સંડોવણી ન હોવાનો ખુલાસો કર્યો છે.