
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ સતત મુશ્કેલીમાં છે. એર ઇન્ડિયાની સેન ફ્રેન્સિસ્કોથી મુંબઇ આવી રહેલા વિમાનની તાજી ઘટના છે. આ વિમાનના એન્જિનમાં ખામી સર્જાઇ હતી. તે બાદ કોલકાતા એરપોર્ટ પર વિમાનને ઉતારવામાં આવ્યું હતું. વિમાન લેન્ડ થયા બાદ તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે વિમાનના એન્જિનમાં ખામીને કારણે આગળ મુસાફરી કરી શક્યુ નહતું. છેલ્લા કેટલાક દિવસથી ઉડાન દરમિયાન એર ઇન્ડિયામાં સતત ખામી સર્જાઇ રહી છે. સોમવારે એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભર્યા બાદ હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું.
ફ્લાઇટની સુરક્ષાને જોતા પગલા ભરવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI180 સાન ફ્રાન્સિસ્કોથી મુંબઇ આવતી હતી. અચાનક તકલીફ ઉભી થતા સોમવાર મોડી રાત્રે 12 વાગીને 45 મિનિટે આ ફ્લાઇટને કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. લેન્ડિંગ બાદ ખબર પડી કે વિમાનના ડાબા એન્જિનમાં ખામી છે. તે બાદ મંગળવાર સવારે 5 વાગીને 20 મિનિટે આ વિમાનનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. એરક્રાફ્ટના કેપ્ટને મુસાફરોને સૂચના આપતા કહ્યું કે ફ્લાઇટની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ પગલુ ભરવામાં આવ્યું છે.
એર ઇન્ડિયામાં ખામીની અનેક ઘટના સામે આવી
એર ઇન્ડિયાના એક બોઇંગ 787-78 ડ્રીમલાઇન વિમાનના દિલ્હી માટે ઉડાન ભરવાના એક કલાકની અંદર ટેકનિકલ સમસ્યાની શંકા ઉભી થયા બાદ સોમવારે તેને હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યુ કે ફ્લાઇટ AI315 હોંગકોંગમાં સુરક્ષિત રીતે ઉતરી હતી. બ્રિટિશ એરવેઝનું બોઇંગ ડ્રીમલાઇનર વિમાન રવિવારે ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ ઉડાનથી પરત લંડન ફર્યું હતું. આવું જ કઇક 16 જૂને લુફથાંસાની ફ્લાઇટ સાથ પણ થયું હતું. જર્મનીથી હૈદરાબાદ આવી રહેલા આ વિમાનને બોમ્બની ધમકીને કારણે પરત ફરવું પડ્યું હતું.
મહત્ત્વપૂર્ણ છે કે 12 જૂને લંડન જતા એર ઇન્ડિયાના વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં અમદાવાદમાં એક મેડિકલ કોલેજ પરિસરમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. વિમાન ઉડાન ભરવાની એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 સહિત 275 લોકોના મોત થયા હતા.