Home / GSTV શતરંગ : Humanity is still alive today

GSTV શતરંગ / આજે પણ માનવતા જીવિત છે 

GSTV શતરંગ / આજે પણ માનવતા જીવિત છે 

- કેમ છે, દોસ્ત

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- 'આ ઘોર કળિયુગમાં કોઈ ચપટી મીઠુંય મફતમાં ન આપે, ત્યારે કિડનીદાન - મહાદાન જેના થકી માનવતાને તે ઉજાળી. મંતવ્ય દેશને તારા જેવા લાખ્ખો યુવકોની જરૂર છે.' - શરદચંદ્ર

કર્તવ્ય અને મંતવ્ય બન્ને જોડિયા ભાઈ. બન્ને ગોરા અને બાંધામાં ગોળમટોળ. દરેક બાબતમાં એકબીજાના સંગી. મંતવ્ય રડવાનું શરૂ કરે એટલે એની રુદનયાત્રામાં કર્તવ્ય પણ જોડાઈ જાય. પપ્પા એકને ખોળામાં બેસાડે એટલે બીજો એને હડસેલીને ખોળામાં બેસવાની કોશિશ કરે.

કર્તવ્ય સ્વભાવે શાંત અને નિરુપદ્રવી. મંતવ્ય સ્વભાવે તોફાની અને ઉપદ્રવી. ખાવાનું આપવાનું મોડું થાય તો વાસણ પછાડવાં,બારણાં પર ઘા કરવો,કર્તવ્યને ગબેડી મૂકવો એ બધી એની આપકળાઓથી તેની મમ્મી વત્સલાદેવી ક્યારેક તો કંટાળીને કહેતાં : 'વૃદ્ધાશ્રમની જેમ તોફાની બાળકને સાચવવા સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમ હોય તો કેવું સારું!' હજી એમનો વિચાર પૂરો થાય એ પહેલાં મંતવ્ય પાછળથી આવી વત્સલાદેવીના ગળે વળગી પડતો અને તેમનો રોષ લાગણીના ધોધમાં પરિણમતો અને મંતવ્યને ગોદમાં લઈ વત્સલાદેવી મનોમન કહેતાં : 'ના, મારા લાલ,તને આંખથી અળગો કરું તો મારું માતૃત્વ લજવાય. તોફાન કરવાની તારી ઉંમર છે.'

થોડી જ વારમાં મંતવ્ય રમકડાં તરફ દોડી જતો અને માતૃપ્રેમ-તરસ્યો કર્તવ્ય મમ્મીના ખોળામાં ગોઠવાઈ જતો. વત્સલાદેવી સામે બેઠેલા તેમના પતિ સૌરભકુમારને કહેતાં 'તમે આમ બેઠાં બેઠાં જોયા શું કરો છો? બન્ને બાળકોને સાચવવાનું કામ મારે માટે અગ્નિપરીક્ષા છે, તમે એક બાળકને રાખતાં હો તો મને તકલીફ ઓછી પડે,પ્લીઝ !'

વત્સલાદેવીની વાત સાંભળી સૌરભકુમાર કહેતા, 'તારી પર ભગવાને મહેર કરીને રામ-લક્ષ્મણીની જોડી આપી છે, એનો આનંદ માણ. સમય જતાં વાર નહીં લાગે. કાલે સવારે બન્ને સ્કૂલે જતા થશે એટલે તારો કામનો ભાર ઘટશે.'

કર્તવ્ય અને મંતવ્ય બન્ને ત્રણ વર્ષના થયા એટલે તેમને કેજીમાં દાખલ કરવામાં આવ્યા. વત્સલાદેવી આચાર્ય સાથે વાત કરતાં હતાં એટલામાં મંતવ્ય આચાર્ય પાસે પડેલી ખુરશી પર ચઢી ગયો અને જોરજોરથી તાલીઓ પાડવા માંડયો. વત્સલાદેવી મંતવ્ય પર હાથ ઉગામવા જતાં હતાં, પણ આચાર્ય એ તેમને રોક્યાં અને કહ્યું 'વત્સલાબેન, નવી હવામાં જન્મેલાં બાળકોને જૂની ઢબે નહીં ઉછેરી શકાય. એમનાં નખરાં પણ આપણે સહેવાં પડે. વર્ગશિક્ષક અને આચાર્ય તરીકે અમારી પણ કસોટી છે.' એમ કહીને આચાર્ય એ મંતવ્યને તેડી લીધો અને કહ્યું, 'તમે જઈ શકો છો, મેડમ. અમારી સ્કૂલ ધંધાદારી સ્કૂલ નથી. શિક્ષણને સમર્પિત પરિવાર દ્વારા ચાલતી સ્કૂલ છે. હું, મારાં પત્ની,મારી બે બહેનો અને પુત્રવધૂ બધાં મળીને શાળાની જવાબદારી સંભાળીએ છીએ. અહીં આવતું દરેક બાળક માતા સરસ્વતીનું સંતાન છે. માતા સરસ્વતીની એ થાપણ છે એમ માની બાળકનું મનોરંજન સાથે ઘડતર કરીએ છીએ.'

'સાહેબ, આ મારો મંતવ્ય ભારે તોફાની છે. એનું નાનું મોટું તોફાન ચલાવી લેજો. બસ, એટલી મારી નમ્ર વિનંતી છે. અને મારો કર્તવ્ય આપને જરાપણ નહીં પડવે. એ ડાહ્યો અને શાંત છે.' કહીને વત્સલાદેવી રડી પડયાં. આચાર્યએ તેમને આશ્વાસન આપ્યું અને વચન પણ.

કર્તવ્યને ભણવામાં રસ હતો અને મંતવ્યને રમત-ગમતમાં. બન્નેની સાયકોલોજી પારખી આચાર્ય શરદચંદ્ર તેમનામાં તે રીતે રસ લેતા. વાર્ષિક રમતોત્સવમાં મંતવ્ય દરેક રમતમાં પ્રથમ આવે અને કર્તવ્ય પરીક્ષામાં પ્રથમ આવે. આચાર્યની સીધી દેખરેખ અને લાગણીભર્યા વર્તનને કારણે મંતવ્ય ડરી ગયો હતો. તેનાં તોફાનો શમી ગયાં. ઘેરથી લાવેલા લંચબોક્સમાંથી આચાર્ય કોળિયો ના ભરે ત્યાં સુધી મંતવ્ય પોતે કશું જ ખાતો નહીં. આચાર્ય શરદચંદ્ર પત્નીને કહેતા, 'વરદાજી, જેમને  મા-બાપ બનતાં ના આવડું હો તેમણે શિક્ષણક્ષેત્રે આવવું ન જોઈએ. બાળઘડતર એક સાધના છે. શિક્ષક એ નોકરિયાત નથી પણ બાળકોની ચેતનાનો માળી છે. આત્મસંતોષ એ જ એનો પુરસ્કાર છે.'

'પણ તમારા જેવી ભાવનાવાળા શિક્ષકો કેટલા? આદર્શવાદીઓ આજના જમાનામાં વખાણપાત્ર નથી ગણાતા પણ વખોડવાપાત્ર ગણાય છે. મને તો તમારી પત્ની હોવાનો ગર્વ છે.' કહી વરદાજી બાળકોને નાસ્તો કરાવવા ચાલ્યાં ગયાં.

સમય વહેતો ગયો. બન્ને ભાઈઓએ એ જ સ્કૂલની પ્રાથમિક શાળામાં અભ્યાસ ચાલુ રાખ્યો. મંતવ્ય તો પોતાના અસલી પિતા સૌરભકુમારને ભૂલી ગયો હતો. આચાર્ય એને પોતાની સાથે બગીચામાં લઈ જતા. ફૂલ, ઝાડ અને છોડનો પરિચય કરાવતાં અને તેની સાથે રમતમાં જોડાતા. પ્રાથમિક, માધ્યમિક અને હાયર સેકન્ડરીનું શિક્ષણ પૂરું થતાં બન્ને ભાઈઓ કોલેજમાં દાખલ થયા. મંતવ્યએ આર્ટ્સ ફેકલ્ટી પસંદ કરી અને કર્તવ્યએ કોમર્સ ફેકલ્ટી.

મંતવ્યનું વ્યક્તિત્વ અનોખું હતું. તેનો હસમુખો સ્વભાવ, સહુને માન આપવાની આદત અને સ્પર્ધાઓમાં ભાગ લેવાની હોંશ - એ બધાંને કારણે તે કોલેજનો માનીતો વિદ્યાર્થી બની ગયો હતો. સ્પર્ધામાં પ્રથમ આવે અને મેડલ કે ટ્રોફી મળે એ લઈને તે પોતાને ઘેર જવાને બદલે આચાર્ય શરદચંદ્ર પાસે દોડી જતો. એમના આશીર્વાદ મેળવતો અને કહેતો, 'સર, તમે મને ચાહ્યો ના હોત તો તોફાની વિદ્યાર્થીમાંથી આગળ વધીને હું ગુંડો બની ગયો હોત. મારા ખરા પિતા તમે છો. હું જેવો હતો એવો તમે મને સ્વીકાર્યો છે. હું આપનું ઋણ ક્યારે ચૂકવીશ એ તો ભગવાન જાણે.' અને મંતવ્યની આંખો ભીની થઈ જતી.

કર્તવ્ય માત્ર ભણવામાં જ રસ લેતો હતો. પરિણામે એ કોલેજ અને યુનિ. પરીક્ષાઓમાં ફર્સ્ટ આવતો. અખબારોમાં એના ફોટા છપાતા. પણ મંતવ્યને પ્રસિદ્ધિ સાથે કોઈ લેવા-દેવા નહોતી. એનું આખું વ્યક્તિત્વ સેવાલક્ષી બની ગયું હતું. કોલેજના પ્યૂન અને આયાબેનના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પૈસાની મદદ કરતો. પોતાનો જન્મદિવસ પણ એ ગરીબ-પરિવારો વચ્ચે રહીને ઉજવતો. અને તે પણ પોતાના આચાર્ય શરદચંદ્રની હાજરીમાં.

બી.એ. થયા પછી મંતવ્યએ એમ.એ. બી.એડની ડિગ્રી મેળવી લીધી. આચાર્ય પ્રમોદરાયના આનંદનો પાર નહોતો. 

તેમણે મંતવ્યને જીપીએસસી ની પરીક્ષા આપી કોઈ સરકારી નોકરી સ્વીકારી લેવાની સલાહ આપી.

ત્યારે મંતવ્યએ કહ્યું, 'સરજી, મારે સરકારી નોકરી નથી કરવી. પેટગુજારા માટે હું નાનકડી નોકરી કરીશ, પણ મારી બીજી નોકરી તૈયાર છે. મારે મારા પિતાનો વારસો જાળવી રાખવો છે.'

'હું કાંઈ સમજ્યો નહીં.' શરદચંદ્રએ કહ્યું.

'સર, આપ વૃદ્ધ થયા છો. આપણી શાળા આપના આદર્શો સાથે ચલાવવાની મારી જબાવદારી છે. અને હું તે અદા કરવા માંગું છું. મારે મન સંબંધ એ જ જીવન છે.' મંતવ્ય એ કહ્યું.

શરદચંદ્ર મંતવ્યની વાત સાંભળી ગદ્ગત્ થઈ ગયા અને મંતવ્યને ભેટીને તેમણે આશીર્વાદ આપ્યા. બીજા દિવસથી મંતવ્યએ શાળાના કામકાજની જવાબદારી સંભાળી લીધી.

એ વાતને મહિનો થઈ ગયો હશે. અને આચાર્ય શરદચંદ્ર બિમાર પડયા. એમની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ હતી. ડૉક્ટરોએ શરદચંદ્રને તાત્કાલિક નવી કિડની નાખવી પડશે તેવી સલાહ આપી. કિડનીદાતા માટે બહુ તપાસ કરવામાં આવી પણ આચાર્ય શરદચંદ્રની કિડનીને મેચ થાય એવી કિડની મળતી નહોતી. મંતવ્યએ ડૉક્ટરને કહ્યું, 'ડૉક્ટર સાહેબ, આપ મારી કિડનીનો ટેસ્ટ કરી લો. જો મારી કિડની મેચ થતી હોય તો હું કિડની આપવા તૈયાર છું. પણ એક શર્ત - મારું નામ અને ઓળખાણ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાના. આચાર્ય શરદચંદ્રનું કોઈપણ કુટુંબીજન મારી નજરે પડવું ન જોઈએ.' ડૉક્ટર એક અલગારી યુવકની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા.

મંતવ્યની કિડની આચાર્ય શરદચંદ્રની કિડની સાથે મેચ થઈ ગઈ. ડૉક્ટરે આચાર્યને સૂચના આપી કે 'કિડનીદાતા મળી ગયો છે. હિસાબ-કિતાબ તમારા ઓપરેશન પછી કરીશું.'

કિડનીદાતા મળતાં જ શરદચંદ્રના આખા કુટુંબમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. શરદચંદ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નિર્ધારિત દિવસે કિડની પ્રત્યારોપણનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન સફળ રહ્યું. મંતવ્યની શરત મુજબ ડૉક્ટરે સઘળી માહિતી ગુપ્ત રાખી હતી. જરૂરી સારવાર બાદ શરદચંદ્રને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને એમના ગયા બાદ મંતવ્યને પણ ઘેર જવાની રજા આપી હતી.

એ વાતને પંદરેક દિવસ થયા હશે. ડૉક્ટરે બુકે સાથે શુભેચ્છા પાઠવવા આચાર્ય શરદચંદ્રને નિવાસસ્થાને પહોંચ્યા. એટલામાં મંતવ્ય પણ આવી પહોંચ્યો. શરદચંદ્ર એ સોગંદ નાખીને કિડનીદાતાનું નામ આપવા ડૉક્ટરને વિનંતી કરી.

ડૉક્ટરને લાગ્યું કે હવે નામ આપવામાં વાંધો નથી. એમણે કહ્યું,  'કિડનીદાન આપનાર ફરિશ્તો તમારી સામે જ ઊભો છે. તમારો વહાલસોયો  વિદ્યાર્થી 'મંતવ્ય'.'

શરદચંદ્ર ધુ્રસ્કે-ધુ્રસ્કે રડી પડયા. તેઓ ઊભા થઈને મંતવ્યનું માથું ચૂમતાં કહેવા લાગ્યા, 'અરે દીકરા, આ ઘોર કળિયુગમાં કોઈ ચપટી મીઠું ય મફત નથી આપતું. અને તેં ભરજવાનીમાં આ બુઢ્ઢા માટે કિડનીદાન કર્યું... તારો આભાર કયા શબ્દોમાં માનું !'

'મેં કોઈ બુઢ્ઢા માટે કિડનીદાન નથી કર્યું. મારા પિતા માટે કિડની આપી છે. જન્મદાત્રી તરીકે માતાનો ઉપકાર ન ભૂલાય. તેમ મારું ઘડતર કરી મને જીવનનો રાહ ચીંધનાર ગુરુ તરીકે આપનો આભાર પણ ન ભૂલાય. આપ સદ્ગુરુ તરીકે મારા પિતા છો.' કહી મંતવ્યએ શરદચંદ્રનો ચરણસ્પર્શ કર્યો. 'કોણ કહે છે કે માનવતા મરી પરવારી છે? મંતવ્ય જેવા મહાપુરુષોના લીધે તો આ ધરતી અબજો વર્ષોથી ખમી રહી છે. દેશને આવા લાખો મંતવ્યોની જરૂર છે.'

- ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

Related News

Icon