
- મન અતિગુઢ અને રહસ્યમય છે આપણને પ્રત્યેક ક્ષણે છેતરી શકે છે. અને કહી શકે છે ' બધુ જ ખરાબ છે. લોકો ખરાબ છે. આ દુનિયા શૈતાનનું નિવાસ સ્થાન છે. આમાંથી છુટકારો મેળવવો જોઈએ. મનનો ઉહાપોહ હોવા છતાં વધારે જીવવાની લાલસા ક્યારેય છુટી શકતી નથી
જીવાત્માના પોતાની પરિસીમિતતા પ્રતિપાદનની નીતિને 'મન' એવું નામ આપવામાં આવ્યું છે. તેના પૃથક વૈયકિતતાના દાવાને 'મન' કહે છે. આ છે આપણા સીમિતતાનું અસરકારક દબાણ. પરંતુ આપણે કલ્પના કરીએ છીએ. તેવું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ તેનું છે જ નહીં. (સ્વામી કૃષ્ણનંદજી)
પારાનો દડો જેમ સતત ફરતો રહે તેમ મન પણ શરીરની અંદર ફરતું કોઈ અંગ હશે એવી કલ્પના પણ કરવામાં આવે છે. પણ આવું ખરેખર નથી. તેને કોઈ વસ્તુ કે અંગ તરીકે શોધી શકાય તેમ નથી. શારીરિક અસ્તિત્વની ઉત્કટ સભાનતાને સરળતાથી સમજાવવા માટે 'મન'ની સંજ્ઞાા આપવામાં આવી છે.
અસ્થિરતા મનનો સ્વભાવ છે. એ કદી કોઈ વિશેષ સ્થિતિ ગ્રહણ નહિ કરે. કારણકે અસ્તિત્વના જે શારીરિક દાવની વાત કરી તેજ અનિશ્ચિત અને ઠગારી બાબત છે. તેની (મનની) અદમ્ય ઝંખના વચ્ચે-અને અનંતની ઝખના જીવનના પાયાનો- મુક્તિનો હેતુ પાર પાડવા દેતું નથી.
દરેક બાબતમાં આપણે સમસ્યાઓજ જોઈએ છીએ અને કોઈપણ સમસ્યાનો આખરી ઉકેલ મળતો નથી. રાજાઓ,પ્રધાનો,મત્સદીઓ,અને વિદ્વાનો પણ જીવનની સમસ્યાના ઉકેલ માટે જીવનભર મથ્યા છે. પરંતુ તેઓ જતા રહ્યા છે. અને સમસ્યાઓ પણ ઉકેલી રહી ગઈ છે. જીવન અસાધ્ય સમસ્યાથી રચાયેલું છે. જ્યાં સુધી આપણા અસ્તિત્વનો પાયો જ વિરોધાભાસ છે. ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ઉકેલ શોધી શકે નહીં.
- આનો કોઈ ઉપાય છે?
संतोषमूलं ही सुखम् (मनस्मृति)
વર ઇચ્છે છે રાજા-નરેશ થાવા,રાજા ઇચ્છે અમરલોક જાવા અમરલોકવાળા ઇચ્છે છે ઇન્દ્રિપદની, ઇન્દ્ર ઇચ્છે થાવા આદ્યકવિ. સામાન્ય માણસને ધનાઢય થવું છે. ધનાઢયને રાજા થવું છે. રાજાને વળી દેવતા થવા ઇચ્છે છે. દેવ વળી ઇન્દ્રિપદની ઇચ્છા કરે છે. ઇન્દ્રને બ્રહ્માના અભરખા છે. આમ ત્રણેય ભુવન તૃષ્ણાને વશ છે.
વ્યાસજીએ ભાગવત્માં કહ્યું છે કે ' જે સંતુષ્ટ છે ઇચ્છાઓ રહિત છે ને આત્મરામ છે તેને જે સુખ છે તે સુખ તૃષ્ણા-લોભથી ચારેય દિશાઓમાં ધન મેળવવા દોડી રહેલાને ક્યાંથી મળે? संतुष्टस्थ... यत सुखम्, कुतस्तत् काम लोभेन... (સ્કંધ ૭-૧૫/૧૬) ઉપનિષદ કહે છે त्यागोनेकै अमृतत्वम् आनशु । પૂર્વે ત્યાગ દ્વારા ઘણા મુનિઓ અમૃતત્વને પામી ગયા છે. તૃષ્ણાના ત્યાગને જ વૈરાગ્ય કહ્યો છે. પછી ભલે એ પુરુષ મોટા રાજ મહેલમાં રહેતો હોય,કે લાખોના સમુદાય વચ્ચે જીવન જીવતો હોય પણ અંતરમાં કોઈ જ સ્પૃહા નથી. તૃષ્ણા નથી તો તે પરમ વૈરાગ્યશીલ છે. ગીતામાં કહેલા ગુણાતીત પુરુષને આવો વૈરાગ્ય સહજ વરેલો છે.
દીવાલમાં ખીલી ખોડવા આપણે કૃતનિશ્ચયી હોઈએ અને એક જ જગ્યાએ ખીલી રાખીને સતત ખોડતા જઈએ તો છેવટે તે ભીતમાં ખોડાય છે. પરંતુ જો એક જગ્યાએ ઇંટ,બીજી જગ્યાએ પથ્થર,અને ત્રીજી જગ્યાએ કોઈ અન્ય નડતર આવતા એકધારો પ્રયત્ન ન કરીએ તો ખીલી ખોડવામાં આપણે સફળ થઈ શકશું નહીં. તેવી જ રીતે કાર્યની સિદ્ધિ માટે પણ એકધારો વિવિધ પ્રકારે સતત પ્રયત્ન કરવો પડે છે. આવો 'મન'ના દૃઢસંકલ્પ આપણને કોઈપણ કાર્યની સિધ્ધિમાટે જરૂરી બને છે.
- વ્યવહાર ઉપયોગી દૃષ્ટાંતો: સ્વામી સહજાનંદ નામના એક મહાન સંત થઈ ગયા. મૂળ તે ઉત્તરપ્રદેશના હોવા છતાં ગુજરાતમાં તેના અસંખ્ય અનુયાયીઓ છે. એકવાર તેમણે ગામના લોકોને એક ગાય દોહવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા જોયા. કોઈપણ વ્યક્તિ તેની નજીક જાય એટલે ગાય લાત મારે. સ્વામી સહજાનંદ માત્ર સંત જ ન હતા. પણ ઉચ્ચ કોટીના સાધક પણ હતા. તેમણે ગ્રામવાસીઓને કહ્યું,' હું તમને રસ્તો બતાવું' પછી સ્વામીજીએ એક લાકડી લીધી અને દૂર ઉભા રહીને ગાયના પગને અડાડી. ગાયે લાત મારી. ફરી લાકડી અડાડી ફરી ગાયે લાત મારી. ફરી એ ક્રમ સતત ચાલુ જ રહ્યો. ગાય ક્યાં સુધી લાતો મારી શકે? છેવટે ગાય થાકી ગઇ અને લાત મારવાનું બંધ કર્યું. સ્વામીએ કહ્યું ,' હવે તમે તેને દોહીલો. હવે તે ક્યારેય લાત નહીં મારે.'
'મન' આ મારકણી ગાય જેવું ઉપદ્રવી છે. સ્વામીજીએ જેવો ગાય સાથે વ્યવહાર કર્યો તેવો મન સાથે કરી શકાય. આપણે જે કાંઈ કહીએ તેનો મન વિરોધ કરે ચતુરાઈ વાપરવી પડશે. પીછે હઠ પણ કરવી પડશે. અને સમય પણ આપવો પડશે,કારણકે મનને મન જ મારી શકશે.
પ્રાચીન સંતો,ગુરુઓ,સાધકો અને તપસ્વીઓની પધ્ધતિએ રસપ્રદ છે. તેમણે મનને હંફાવવા ઊંડુ પૃથક્કરણ કરીને અપનાવેલ પદ્ધતિઓ ભલે પૂર્ણ રીતે તર્ક સંગત ન હોય છતાં અસરકારક તો છે જ.
મન અતિગુઢ અને રહસ્યમય છે આપણને પ્રત્યેક ક્ષણે છેતરી શકે છે. અને કહી શકે છે ' બધુ જ ખરાબ છે. લોકો ખરાબ છે. આ દુનિયા શયતાનનું નિવાસ સ્થાન છે. આમાંથી છુટકારો મેળવવો જોઈએ. આ મનનો ઉહાપોહ હોવા છતાં વધારે જીવવાની લાલસા ક્યારેય છુટી શકતી નથી. કોઈપણ વ્યક્તિ પોતાનું આગવું વ્યક્તિત્વ પોતાનું અસ્તિત્વ મિટાવી દેવા તૈયાર નથી.
આમ આપણી આસક્તિ આપણા અસ્તિત્વના એક જ બિંદુ પર કેન્દ્રિત થાય છે. મારું જીવન ટકવું જોઈએ. મારૂં અસ્તિત્વ સદાકાળ ટકી રહેવું જોઈએ. આવી લાલસા જગાડનાર,ને જન્મવનાર આપણું મન જ છે. અતિ દીર્ધ કે લાંબુ આયુષ્ય પણ મૃત્યુ નજીક આવે ત્યારે તે ઓછું જ લાગે છે.
મનની ચંચળતા એવી છે કે કોઈ એક વસ્તુ જીવનભર માટે કોઈને ગમતી નથી. આ ચંચળતા ઓછી કરવા અને તેની ઉપર નિયંત્રણ મેળવવાજ પ્રાચિન ઋષિઓએ ત્યાગ અને ધ્યાનની વાતો સાથે તેનું મહત્ત્વ સમજાવ્યું છે.
મનને સ્થિર કરવાના પ્રયત્નોમાં પ્રારંભમાં વિશ્વ તમારો વિરોધ કરે છે. જોરદાર વિરોધ કરીને તમે સફળ ન થાઓ તેવા પ્રયત્નો પણ કરશે. લોકો નિંદા પણ કરશે. ટીકા પણ કરશે. પરંતુ 'મન'ને સ્થિર કરી સાધના કરવાથી ધ્યેય સિધ્ધ થાય છે. અમૃતની ખોજમાં સમુદ્રમંથન કરવા જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે.
સમુદ્રમંથન વખતે વિષ પછી ,ચૌદરત્નો, અને અંતે અમૃત મળ્યું હતું. વચ્ચે લાલચ આપનારા રત્નો વગેરેથી સંતોષ ન માની ઉદ્યમ કરવાથી અંતે અમૃત પ્રાપ્ત થાય છે.
આપણે પણ કોઈ લાલચમાં ફસાયા વિના સાચા ધ્યેયને પકડી રાખવાથી, ખરી ઉન્નતિ થાય છે.
સ્વામી શિવાનંદજી કહેતા કે 'તમે અશુભ વાસનાઓનો પરિત્યાગ કરો, શુભવાસનાઓ કેળવો અને શુદ્ધ,સર્વવ્યાપી,પરમાત્મા ઉપર નિયમિત ધ્યાન કરો.
તો અખંડ આનંદની અનુભૂતિ થશે જ.
દઢ મનોબળ અને પરમાત્મા નિષ્ઠા એ માનવના શરીરની અને મનની આંતરિક સ્વાસ્થ્યનો મેરૂદંડ છે. આ દરેકમાં મનનું નિયંત્રણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
- ડો.ઉમાકાંત જે.જોષી