
ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા જામનગરના ચેલા ગામે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. રિપેરિંગની કામગીરી બાદ ટેકનિકલ ખામી દૂર થતાં હેલિકોપ્ટરે ફરી ઉડાન ભરી હતી. જણાવી દઈએ કે, જામનગરના ચેલામાં ટેકનિકલ ખામી સર્જાતા એરફોર્સનું હેલિકોપ્ટર લેન્ડ કરાયું હતું. રંગમતી ડેમ પાસે વાયુ સેનાનું હેલિકોપ્ટર અચાનક જ લેન્ડિંગ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
જામનગરના ચેલામાં ટેકનિકલ ક્ષતિને લઈને એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી ઉતરાણ કરાયેલું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જોકે સદનસીબે કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ નથી. શા કારણે તેનું લેન્ડિંગ કરાયું તેની સતાવાર વિગતો એરફોર્સ જાહેર કરશે.
હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ બાદ એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખામી દૂર કરીને હેલિકોપ્ટરને એરફોર્સ સ્ટેશને પરત મોકલ્યું હતું. જોકે સમગ્ર ઘટનામાં કોઈ અકસ્માત કે જાનહાનિના અહેવાલો મળ્યા નથી. સમગ્ર મામલામાં એરફોર્સની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.