'પંચાયત' ને ભારતીય સિનેમાની બેસ્ટ વેબ સિરીઝમાંથી એક માનવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સિરીઝની 3 સિઝન રિલીઝ થઈ છે, જેણે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે. દર્શકોને ફુલેરા ગામ, સચિવજી અને પ્રધાનજી જેવા પાત્રો ખૂબ ગમ્યા છે, જેના કારણે 'પંચાયત' ની ત્રણેય સીઝન સફળ રહી છે. હવે મેકર્સ દ્વારા 'પંચાયત' ની આગામી સિઝન 4ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જેની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
'પંચાયત 4' ક્યારે રિલીઝ થશે?
વર્ષ 2020માં શરૂ થયેલી આ લોકપ્રિય સિરીઝના આજે 3 એપ્રિલે તેના પાંચ વર્ષ પૂરા થયા છે. આ ખુશીમાં, મેકર્સ દ્વારા 'પંચાયત 4' ની રિલીઝ ડેટની ખાસ ભેટ આપવામાં આવી છે. 'પંચાયત 4' 2 જુલાઈ, 2025ના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે, જ્યાં ફરી એકવાર તમને ગામની એ જ હૃદયસ્પર્શી વાર્તા અને તમારા મનપસંદ પાત્રોની સફર જોવા મળશે.
'પંચાયત' ની રિલીઝના 5 વર્ષ પૂર્ણ થવાના અવસર પર, પ્રાઈમ વીડિયોના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં અભિનેતા જિતેન્દ્ર કુમાર કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે જોવા મળે છે અને આ દરમિયાન 'પંચાયત 4'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં છે.
ફુલેરા ગામની વાર્તા સિઝન 4માં ઘણા નવા વળાંક લેતી જોવા મળશે. 'પંચાયત 4' ની રિલીઝ ડેટ જાહેર થયા પછી, ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે અને તેઓ તેના માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે.
ફુલેરાની વાર્તા આગળ વધશે
ગયા વર્ષની 'પંચાયત 3' ના અંતે, એવું બતાવવામાં આવ્યું હતું કે ફુલેરા ગામના પ્રધાનના પતિ (રઘુવીર યાદવ) ને ગોળી વાગી જાય છે, જેનો દોષ ધારાસભ્ય (પંકજ ઝા) ના ગુંડાઓ પર જાય છે. જે પછી ધારાસભ્યના લોકો અને સચિવજી (જિતેન્દ્ર કુમાર) ના મિત્રો વચ્ચે ઉગ્ર લડાઈ થાય છે. બાદમાં ધારાસભ્યએ કહ્યું કે તેમણે ગોળી નથી ચલાવી. આવી સ્થિતિમાં, ખરેખર ગોળી કોણે ચલાવી હતી તે 'પંચાયત 4' માં જાણી શકાશે.