Home / : ACB summons AAP leaders Manish Sisodia and Satyendra Jain

Delhi Ni Vat: આપ નેતા મનિષ સિસોદિયા- સત્યેન્દ્ર જૈનને ACBનું સમન્સ, 6 જૂને હાજર થવા ફરમાન

Delhi Ni Vat: આપ નેતા મનિષ સિસોદિયા- સત્યેન્દ્ર જૈનને ACBનું સમન્સ, 6 જૂને હાજર થવા ફરમાન

- ઈન્દર સાહની

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિલ્હી સરકારની સ્કૂલો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ દિલ્હીના બે ભૂતપૂર્વ મંત્રીઓ અને આપના નેતાઓ મનિષ સિસોદીયા તેમજ સત્યેન્દ્ર જૈનને સમન્સ મોકલ્યા છે. સત્યેન્દ્ર જૈનને ૬થી જૂને એસીબી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે જ્યારે મનિષ સિસોદીયાને ૯મી જુને હાજર થવાનું કહેવાયું છે. આ બંને નેતાઓ લિકર કૌભાંડ કેસના આરોપસર લાંબો જેલવાસ ભોગવી આવ્યા છે. એવો આરોપ છે કે, આપની સરકાર હતી ત્યારે સ્કૂલો બાંધવામાં ૨૦૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો. ૩૦મી એપ્રિલએ આ બંને નેતાઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આપની સરકાર હતી ત્યારે સિસોદીયા પાસે નાણા અને શિક્ષણ વિભાગ હતા, જ્યારે જૈન પાસે આરોગ્ય, ઉદ્યોગ, વિજળી, ગૃહ અને શહેરી વિકાસ જેવા મલાઇદાર ખાતાઓ હતા.

શરદ પવાર અને અજીત પવાર સાથે આવવાની વાતો વચ્ચે અનિલ દેશમુખનું નિવેદન

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને શરદ પવાર ફરીથી એક સાથે જોડાવાની વાતો મહારાષ્ટ્રમાં ચાલી રહી છે. કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું કહેવાય છે. જોકે આ બધી વાતો વચ્ચે એનસીપી (શરદ પવાર)ના સિનિયર નેતા અનિલ દેશમુખનું કહેવું છે કે આ અફવા છે. બંને એનસીપીનું જોડાણ થવાની વાતમાં કોઈ દમ નથી. બંને નેતાઓ ખાંડ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરવા મળતા રહે છે. બંને વચ્ચે કોઈ રાજકીય વાત થતી નથી. બંને વચ્ચે કૌટુંબિક સંબંધ હોવાથી સામાજીક પ્રસંગોએ પણ મળતા રહે છે. ૨૦૨૩ના જુલાઈ મહિનામાં અજીત પવારે બળવો પોકારીને શરદ પવારનો સાથ છોડી દીધો હતો. અજીત પવાર સાથે એનસીપીના ઘણા ધારાસભ્યો પણ અલગ થઈ ગયા હતા.

બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે ચિરાગ પાસવાનને ભાજપનો ટેકો

બિહાર વિધાનસભાની ચૂંટણી થોડા મહિનાઓ છેટી છે ત્યારે બિહારનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. હવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વિધાનસભાની ચૂંટણી લડે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જાયસવાલએ પણ મમરો મૂક્યો છે. જાયસવાલે કહ્યું છે કે કોઈપણ નેતા પોતાના પક્ષના હિત માટે કોઈપણ જગ્યાએથી ચૂંટણી લડી શકે છે. ચિરાગ પાસવાનના પક્ષ એલજેપી સાથે ભાજપનું ગઠબંધન છે. એવું પણ કહેવાય છે કે ચિરાગ પાસવાન સામાન્ય બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે. દિલીપ જાયસવાલને જ્યારે પત્રકારોએ પૂછયું કે શું ચિરાગ પાસવાનને આડકતરી રીતે મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે ત્યારે જાયસવાલે કહ્યું હતું કે, કોઈપણ પક્ષના નેતાને પોતાની રીતે ચૂંટણી લડવાનો હક્ક છે. જાયસવાલના આ નિવેદન પછી એનડીએના બીજા સાથી પક્ષો ચોંકી ગયા છે.

ચંદ્રશેખરના નિવેદનને કારણે માયાવતીને આવ્યો ગુસ્સો

બસપાના સુપ્રિમો માયાવતીએ નામ લીધા વગર ચંદ્રશેખરના નિવેદન પર પલટવાર કર્યો છે. માયાવતીએ આકાશ આનંદ વિશે ખુલાસો પણ આપ્યો છે. માયાવતીએ કહ્યું છે કે, કોંગ્રેસ, ભાજપ અને સપા જેવી પાર્ટીઓના ઇશારે બહુજનોની એકતા અને બીએસપીને નબળુ પાડવા માટે વરસાદી દેડકાઓ જેવા, બની બેઠેલા દલીત નેતાઓ સમાજનું ભલુ કરી રહ્યા નથી. આવા નેતાઓથી સાવધાન રહેવા માટે પણ માયાવતીએ ચેતવણી આપી છે. માયાવતીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, દેશ આખામાં બીએસપી એક માત્ર બહુજનનું હિત જુએ છે અને એક માત્ર આંબેડકરવાદી પક્ષ છે. પક્ષના હિતમાં પશ્ચાતાપ કરનારાઓને ફરીથી પ્રવેશ આપવાની પરંપરા છે. આકાશ આનંદને ફરીથી મુખ્ય નેશનલ કો-ઓર્ડીનેટર બનાવવામાં આવ્યા હોવાથી કેટલાકને પેટમાં તેલ રેડાયું છે.

'કેટલીક નૃત્યાંગનાઓ ફડણવીસની આસપાસ ઠુમકા લગાડે છે'

મહારાષ્ટ્ર મહાયુતિ સરકારમાં ભાજપના મંત્રી ગિરિશ મહાજને આપેલા એક નિવેદનને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. ગિરિશ મહાજને કહ્યું હતું કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને જમીનદોસ્ત કરવામાં આવશે. આ સાંભળીને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના બહુ બોલકા સાંસદ સંજય રાઉત ભડકી ગયા છે. એમણે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, 'ભાજપના એક મંત્રી ગિરિશ મહાજનએ આછકલું નિવેદન આપ્યું છે. એમનું કહેવું છે કે તેઓ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને જમીન દોસ્ત કરશે. સત્તાના અહંકારમાં કોઈ વ્યક્તિ અંધ થઈ જાય એનું ઉદાહરણ મહાજન છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વિચારો સાથે આગળ વધનાર એક સંગઠન છે. ચૂંટણી આવે છે અને જાય છે પરંતુ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) હતી અને રહેશે. હમણાની રાજનીતીમાં ગિરિશ મહાજનને નૃત્યાંગના કહી શકાય. મુખ્યમંત્રી ફડણવીસની આગળ પાછળ ઠૂમકા લાગડવા સિવાય એમની કોઈ સિદ્ધી નથી.'

જસ્ટીસ યશવંત વર્મા સામે મહાભિયોગની દરખાસ્ત લવાશે

સંસદના આગામી સત્રમાં અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્મા સામે મહાભિયોગની દરખાસ્ત લાવવા સરકાર તૈયારી કરી રહી છે. થોડા મહિના પહેલા યશવંત વર્માના ઘરે આગ લાગી હતી ત્યારે એમના ઘરેથી કરોડો રૂપિયાની સળગી ગયેલી રોકડ મળી આવી હતી. તપાસ સમિતિએ પણ યશવંત વર્માને જવાબદાર ઠેરવ્યા છે. સરકારનો પ્રયત્ન છે કે તેઓ બીજા રાષ્ટ્રીય પક્ષોને પણ આ બાબતે સાથે રાખે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંસદીય કાર્યમંત્રી કિરણ રીજ્જુ વિવિધ પક્ષોના નેતાઓને મળીને આ બાબતે વાત કરશે. સુપ્રિમ કોર્ટે નિમેલી સમિતિના ત્રણ સભ્યોના રીપોર્ટને આધારે મહાભિયોગની દરખાસ્ત બાબતે તમામ પક્ષોનું સમર્થન લેવામાં આવશે.

જાસુસી માટે પંજાબની વધુ એક યુ-ટયુબરની ધરપકડ

પંજાબ પોલીસે છેલ્લા ૨૪ કલાકમાં વધુ એક પાકિસ્તાની જાસુસની ધરપકડ કરી છે. આરોપી એક યુ-ટયુબર છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, સ્પેશ્યલ ઓપરેશન સેલએ મોહાલીના રૂપનગર ગામથી જસબીર સિંહની ધરપકડ કરી છે. જસબીર સિંહ યુ-ટયુબ પર 'જાન મહલ' નામની એક ચેનલ ચલાવે છે. જસબીરનું કનેકશન પીઆઇઓ શાકીર ઉર્ફ જટ્ટ રંધાવા સાથે નિકળું છે. આરોપી આતંકવાદીઓને સાથ આપનાર જાસુસી નેટવર્ક સાથે જોડાયેલો છે. જાસૂસીના આરોપ હેઠળ ધરપકડ કરાયેલી યુ-ટયુબર જ્યોતિ મલ્હોત્રા સાથે પણ જસબીરનો સંપર્ક છે. પાકિસ્તાન એમ્બેસીના અધિકારી અહેસાન -ઉર - રહીમ ઉર્ફે દાનીસ સાથે પણ જસબીર સંપર્કમાં હતો.

પાકિસ્તાની ડેલિગેશનો પર નકલખોરી કરવાનો સુપ્રિયા સુળેનો કટાક્ષ

ભારતે પહલગામના આતંકી હુમલા પછી સરહદ પાર આતંકવાદમાં ઈસ્લામાબાદની ભૂમિકા ખુલ્લી પાડવા વિશ્વભરમાં પોતાના પ્રતિનિધિમંડળો મોકલ્યા પછી પાકિસ્તાને  અમેરિકામાં પોતાનું મંડળ  મોકલ્યું હતું. આ બાબતે એનસીપી નેતા સુપ્રિયા સુળેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન ભારતની પહેલની નકલ કરી રહ્યું છે તે જ સૂચવે છે કે ભારતને પોતાના મિશનમાં સફળતા મળી છે. સુપ્રિયાએ કહ્યું કે કોઈ તમારી નકલ કરે એનો અર્થ એવો થાય કે તમને સફળતા મળી છે. ભારતે વિશ્વની ૩૩ રાજધાનીઓમાં સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલ્યા છે. સુપ્રિયા સુળે પણ એક મંડળનું નેતૃત્વ કરી રહી છે.

ભગવંત માનનો ભાજપ પર સિંદૂર રાજકરણ કરવાનો આરોપ

ભાજપ પર સિંદૂરના નામે મત માગવાનો આરોપ કરીને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને જણાવ્યું કે લાગે છે કે પાર્ટીએ વન નેશન વન હસબન્ડની યોજના શરૂ કરી છે. માને જણાવ્યું કે ઘેર ઘેર સિંદૂર મોકલવાનું અભિયાન મશ્કરીરૂપ બની ગયું છે જેમાં મહિલાઓ અન્ય પુરુષો પાસેથી સિંદૂર લેવાનો ઈન્કાર કરી રહી છે. દરમ્યાન ભાજપે આવા કોઈ અભિયાનનો ઈન્કાર કર્યો છે. લુધિયાણામાં ૧૯ જૂને વિધાનસભાની પેટાચૂંટણી છે જેમાં ચાર પક્ષો લડી રહ્યા છે. માનના નિવેદનની પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા પ્રિતપાલ સિંહ બાલિયાવાલે જણાવ્યું કે માને તમામ હદો પાર કરી દીધી છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભાજપે આવું કોઈ અભિયાન નથી ચલાવ્યું.

ભાજપ સાંસદનો ભોપાલના મુસ્લિમ જીમ ટ્રેનરો પર લવ જેહાદનો આરોપ 

મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપના સાંસદ અલોક શર્માએ મુસ્લિમ ટ્રેનરોની નિમણૂંક કરનારી જીમની યાદી બનાવીને પોલીસને સોંપવામાં આવશે એવું કહીને વિવાદ છેડયો છે. હજી થોડા દિવસ અગાઉ જ બજરંગ દળના કાર્યકરોએ ભોપાલના અયોધ્યા નગર વિસ્તારમાં અનેક જીમની મુલાકાત લઈને મુસ્લિમ ટ્રેનરોની શોધ ચલાવી હતી. ત્યાર પછી તેમણે અયોધ્યા નગર પોલીસ સ્ટેશનને એક મેમોરાન્ડમ સોંપીને આરોપ કર્યો હતો કે શહેરના જીમમાં મુસ્લિમ ટ્રેનરો લવ જેહાદમાં સામેલ છે. શર્માએ પણ જણાવ્યું કે ભોપાલમાં અનેક જીમ છે અને મુસ્લિમ ટ્રેનરો હોય તેવા જીમની યાદી બનાવાઈ રહી છે. પોલીસ અને કાયદો પોતાનું કામ કરશે, પણ જ્યાં સુધી મોહન યાદવની સરકાર છે લવ જેહાદ અથવા જમીન જેહાદને સાંખી નહિ લેવામાં આવે. ગયા મહિને શર્માએ લવ જેહાદના આરોપીઓનું વંધ્યીકરણ કરવાની માગણી કરી હતી.

ઓપરેશન સિંદૂર મુદ્દે વિશેષ સત્ર બાબતે ઈન્ડી બ્લોકમાં તડા

ઈન્ડી બ્લોકના ભાવિ અસ્તિત્વ વિશે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે વિપક્ષી ગઠબંધનના ૧૬ સભ્યોએ પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર સંસદનું વિશેષ સત્ર બોલાવવા મંગળવારે બેઠક બોલાવી હતી. જો કે નેતાઓની બેઠકમાં ગઠબંધનમાં તડા સ્પષ્ટપણે નજરે પડતા હતા. દાખલા તરીકે આપે બેઠકથી અંતર બનાવ્યું અને અલગથી કેન્દ્રને પત્ર લખીને વિશેષ સત્રની માગણી કરશે. પત્રમાં સહી કરનારા ડાબેરી પક્ષોને પણ બેઠકમાં આમંત્રણ નહોતુ અપાયું. એનસીપીએ બેઠકમાં ભાગ નહોતો લીધો. શરદ પવારે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ખુલ્લા મંચ પર ઓપરેશન સિંદૂર વિશે કોઈપણ ચર્ચા કરવાની તરફેણમાં નથી. કોંગ્રેસની નેતા સલમાન ખુરશીદના પુસ્તકના વિમોચન પ્રસંગે પી. ચિદંબરમે જણાવ્યું હતું કે ઈન્ડી ગઠબંધન અકબંધ છે કે કેમ તેની મને ખાતરી નથી. સીપીઆઈ જનરલ સચિવ ડી.રાજાએ આવી બેઠક વિશે કોઈ જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે તેમના પક્ષે વિશેષ સત્રની માગણી કરી હતી. અહેવાલો મુજબ ટીએમસીના કહેવા પર ડાબેરી પક્ષોને મંગળવારની બેઠકમાંથી બાકાત રખાયા હતા જેણે પશ્ચિમ બંગાળના શાસક પક્ષ પર પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના રાજકીય હુમલા પછી વિશેષ સત્ર બાબતે પોતાના અભિગમમાં ફેરફાર કર્યો હતો.

Related News

Icon