
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની બે દિવસની મુલાકાતે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન, તેઓ બેંગકોકમાં થાઈલેન્ડના મહિલા વડાપ્રધાન પેટોન્ગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરશે અને શુક્રવારે છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી ગુરુવારે શિનાવાત્રાને મળવાના છે. તે જ દિવસે સાંજે તેઓ દરિયાઈ સહયોગ કરાર માટે BIMSTEC નેતાઓ સાથે ખાસ બેઠક કરશે. PM મોદી શુક્રવારે BIMSTECસમિટમાં નેપાળના PM કેપી શર્મા ઓલી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને પણ મળે તેવી શક્યતા છે.
થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂટાનના નેતાઓ લેશે ભાગ
પીએમ મોદી થાઈલેન્ડના વિશ્વ વિખ્યાત 6 મંદિરોમાંના એક વાટ ફોની મુલાકાત ત્યાંના મહિલા વડાપ્રધાન સાથે લેશે. આ સ્થાન બુદ્ધની વિશાળ પ્રતિમા માટે પ્રખ્યાત છે. BIMSTEC સંમેલનમાં થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂટાનના નેતાઓ ભાગ લેશે.
યુનુસ BIMSTEC કોન્ફરન્સમાં મોદીને મળી શકે છેઃ બાંગ્લાદેશ
બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થવાની પ્રબળ શક્યતા છે. નવી દિલ્હીના ખાસ સૂત્રોએ પણ બંને નેતાઓની મુલાકાતનો ઇનકાર કર્યો નથી.
શ્રીલંકા પ્રવાસ (4-6 એપ્રિલ 2025)
થાઈલેન્ડથી વડાપ્રધાન મોદી 4 એપ્રિલે શ્રીલંકાની સરકારી મુલાકાતે જશે. શ્રીલંકાની આ તેમની ચોથી મુલાકાત હશે. આ દરમિયાન તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સહયોગની પ્રગતિની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી અનુરાધાપુરાની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ ભારતીય નાણાકીય સહાયથી અમલમાં મુકાયેલા વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે.
આ મુલાકાત દરમિયાન ત્રિંકોમાલી જિલ્લાના સામાપુર વિસ્તારમાં પાવર પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ થવાની સંભાવના છે. જે શ્રીલંકાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. આ સિવાય બંને દેશો વચ્ચે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર પર પણ ચર્ચા થશે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિ, 'એક્ટ ઈસ્ટ' નીતિ, 'મહાસાગર' (પ્રદેશોમાં સુરક્ષા અને વિકાસ માટે પારસ્પરિક અને સર્વગ્રાહી વિકાસ) અભિગમ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.