
રાજ્યમાં દિવસે ને દિવસ હનીટ્રેપના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં પોલીસ પોતે જ હનીટ્રેપના ગુનામાં સામેળ હોય તો શું થાય! તેવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. 64 વર્ષીય વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1 કરોડ 20 લાખ રકમની માંગણી કરવામાં આવી હતી. જેમાં સંડોવાયેલ 4 આરોપી પૈકી પોલીસ કર્મચારી અને હોમગાર્ડની પણ મિલીભગત સામે આવી છે. જેમાં 2 આરોપીઓ પોલીસ ઝડપી પાડયા છે જ્યારે 2 આરોપીઓ હાલ ફરાર છે.
64 વર્ષીય વૃદ્ધ વેપારીને 27 વર્ષીય યુવતીએ ફસાવ્યો
સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટના એક 64 વર્ષીય વેપારીની જામનગર ની એક 27 વર્ષીય યુવતી સાથે સોશિયલ મીડિયામાં વાતચીત થાય છે. વાતચીતનો દોર આગળ વધે છે અને વાતચીતમાં આખરે યુવતી દ્વારકાધીશના દર્શન કરી સબંધોની શરૂઆત કરવાની વાત કરે છે. જેને લઈને આ વૃદ્ધ જામનગરથી આ યુવતી સાથે દ્વારકા તરફ પ્રયાણ કરે છે અને ઓખા મઢી ટોલનાકા પાસે મળે છે. ટોલનાકા પાસે આ બંને લોકોને પાછળથી એક સ્વીફ્ટ કાર લઈને આવેલ બે પોલીસ કર્મચારીના ડ્રેસમાં આવેલ વ્યક્તિઓ રોકે છે. ચેકિંગ કરવાનું કહી યુવતીના પર્સમાંથી એક સફેદ ડ્રગ્સ મળી આવ્યું હતું જેને પગલે પોલીસ કર્મચારીઓ દેશ વિરોધી કેસમાં ફિટ કરવાની ધમકી આપે છે. આ કેસ બનતો અટકાવવા આ વૃદ્ધના પુત્ર પાસેથી એક કરોડ વીસ લાખની રકમ માંગે છે. આ રકમ પણ આંગડિયા મારફતે મળી જાય છે અને યુવતી પર આખરે વૃદ્ધને શંકા જતા આખરે આ મામલે ફરિયાદ કરવામાં આવે છે.
દ્વારકા પોલીસે તાત્કાલિક અસરથી ટીમો દોડાવી
દ્વારકા પોલીસે આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી પગલા લેતા હનીટ્રેપનો કેસ હોવાનું નોંધે છે. સાથે જ પોલીસે તાત્કાલિક અસરથી આ મામલે ટીમો દોડાવી સમગ્ર મામલે પોલીસની વર્દીમાં આવનારા અને વર્દીને શર્મસાર કરનાર આરોપીઓની ઓળખ કરવા તજવીજ હાથ ધરે છે. તપાસ દરમિયાન જામનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા પોલીસ કર્મીઓ અને મહિલા સહિતના લોકો વિરુદ્ધ ગુન્હો નોંધે છે. સાથે જ ગુનામાં વપરાયેલા કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ આરોપી યુવતી આરજુ સિંઘ તેમજ જિમ ટ્રેનર પર્વત બાસફોર્ટ ઝડપાઈ ગયા છે. તો જામનગર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા સંજય કારંગીયા તથા હોમગાર્ડ સોલંકી ફરાર થઈ ગયા છે. જેમની અટકાયત કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.