
તાપીના વ્યારા શહેરમાં મોબાઈલ સ્ક્રીન ગાર્ડના નાણાંની લેતી-દેતીમાં થયેલા ખૂનના પ્રયાસના કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તાપી જિલ્લાના સેશન્સ જજ પી.જી. વ્યાસે બે આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
ભાગી છૂટ્યો હતો
આ કેસની વિગતો મુજબ, 24 નવેમ્બર 2021ના રોજ વ્યારાના સયાજી સર્કલ પાસે ચાની લારી પર ફરિયાદી મહેશ મિશ્રા હાજર હતા. આરોપી અબ્બાસશા ફકીર ગુટકા લેવા આવ્યો હતો. આ દરમિયાન ફરિયાદીના પુત્રે અગાઉ આરોપી પાસેથી મંગાવેલા મોબાઈલ સ્ક્રીન ગાર્ડના 100 રૂપિયા અંગે બોલાચાલી થઈ હતી. આરોપીએ ગુસ્સામાં આવીને ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ફરિયાદીને હાથના બાવડા, ડાબા કાન અને જમણા હાથ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બીજા આરોપી ઈમરાન પઠાણ સાથે એક્ટિવા પર ભાગી છૂટ્યો હતો.
પુરાવા ધ્યાને લીધા
વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાને લીધા હતા. જેમાં ઈજા પામનાર અને સાક્ષીઓના નિવેદન, મેડિકલ પુરાવા અને FSLના રિપોર્ટનો સમાવેશ કરી. કોર્ટે બંને આરોપીઓને IPC કલમ 307, 504, 323 અને 114 હેઠળ દોષિત ઠેરવ્યા છે. સાથે જ દરેક આરોપીને 11 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સરકારી વકીલ રમેશ ચૌહાણે આ કેસમાં સરકાર પક્ષે દલીલો રજૂ કરી હતી.