
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી આવ્યા એ વખતે તમામ ડોક્ટરો અપ-ટુ-ડેટ હાજર થઈ ગયા હતા. જેને લઈને સામાજિક આગેવાને ફરિયાદ કરતા જણાવ્યુ હતુ કે, 'સાહેબ, તમે છો એટલે આ બધા હાજર છે, બાકી ઘણાં બધા કાગળ ઉપર જ ફરજ બજાવે છે.' આથી આરોગ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.
હોસ્પિટલનાં તંત્રનો દેખાડો
મંત્રી ઋષિકેશ પટેલની ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત દરમિયાન ડાયાલિસિસ વોર્ડમાં એસી બંધ હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી બાજુ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સહિત અધિકારીઓની ચેમ્બર ઠંડીગર જોવા મળી હતી. તેથી તે અંગે ખુલાસો માંગતા હોસ્પિટલના સત્તાધીશો સહિતના અધિકારીઓનાં ચહેરા જોવા જેવા બની ગયા હતાં અને ગેંગેફેંફે થઈ ગયા હતા.
વીજતંત્રના અને ઈન્વર્ટરનાં દોષ કાઢતા જોવા મળ્યા
વીજતંત્રના અને ઈન્વર્ટરનાં દોષ કાઢતા જોવા મળ્યા હતા અને યોગ્ય કરશે તેવું જણાવ્યું હતું. આ હોસ્પિટલમાં કમ્પાઉન્ડથી માંડીને દરેક વોર્ડમાં પણ ગંદકી જોવા મળે છે. આરોગ્ય મંત્રી આવવાના હોવાથી છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધના ધોરણે મહા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. છતાં આરોગ્ય મંત્રીને અમુક જગ્યાએ ગંદકી દેખાઈ જતા જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ ઉપરાંત હોસ્પિટલનાં તંત્રએ દેખાડો કરવા માટે નવા બનાવાયેલા પોસ્ટમોર્ટમ રૂમ બહાર ચક્ષુદાન અને દેહદાનની જાગૃતિ માટેનાં બોર્ડ મૂક્યા છે. તેમાં પૂરતી તપાસ કર્યા વગર જે સંસ્થા પાસે સરકાર માન્ય આઈ-ડોનેશનનું કલેક્શન સેન્ટર હાલમાં નથી તેના હોદેદ્દારોના મોબાઈલ નંબર મૂકવામાં આવ્યા છે.