
ગુજરાતીઓમાં વિદેશ જવા માટે ખુબ જ ક્રેઝ છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતીઓ વિદેશ ભણવા અને કામ કરવા માટે જાય છે. પરંતુ ઘણી વખત વિદેશ જવા ઈચ્છુક યુવક યુવતીઓ સાથે કેટલાક વિઝા એજન્ટો છેતરપિંડી કરતા હોય છે. એવામાં અમદાવાદમાં એક વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે.
અમદાવાદ શહેરમાં સેટેલાઈટ વિસ્તારના વેપારી સાથે નોઈડાની વિઝા કંપનીએ 1.23 કરોડનું ચીટીંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વેપારીએ નોઇડાની વિઝાનું કામ કરતી કંપની સાથે વિઝા બાબતે કરાર કર્યા હતા. જે બાદ વેપારીએ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા માટે નોઇડાની કંપનીને કુલ 20 ફાઇલો મોકલી હતી જેની વિઝા ફી પેટે વેપારીએ કુલ 1.44 કરોડ મોકલ્યા હતા.
બાદમાં નોઇડાની કંપનીના ત્રણ ગઠિયાએ વિઝા ન આપીને ગલ્લા તલ્લા કર્યા હતા. જ્યારે 8 લોકોના ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા વોટ્સએપ કર્યા તે ખોટા હોવાનું સામે આવ્યું હતું. જેથી વેપારીએ રૂપિયા પરત માંગતા 20.45 લાખ આપી બાકીના 1.23 કરોડ ન આપીને ઠગાઇ આચરી હતી. આખરે આ અંગે વેપારીએ ત્રણ લોકો સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.