
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરીકાળમાં ધારાસભ્યો દ્વારા સરકારના વિવિધ વિભાગના પ્રશ્નો કરવામાં આવે છે, જે બાદ જે તે મંત્રીઓ કે સરકાર વતી તેનો જવાબ આપવામાં આવે છે. આ દરમિયાન જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદમાં આવેલી વિવિધ સરકારી હોસ્પિટલમાં ખાલી મહેકમ અંગે સવાલ કરાયો હતો. જેની પર સરકારે જવાબ આપ્યો હતો કે, અમદાવાદની ખ્યાતનામ સરકારી હોસ્પિટલમાં કુલ 3,697 ખાલી મહેકમ છે.
ઈમરાન ખેડાવાલાના જવાબદમાં સરકારે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ખાલી મહેકમ અંગે જવાબ આપ્યો હતો. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કૅન્સર હોસ્પિટલ અને યુ.એન. મહેતા કાર્ડિયોલૉજી હોસ્પિટલમા મહેકમ ખાલી હોવાનો ખુલાસો થયો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તેની સંપૂર્ણ વિગતો સામે આવી હતી. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમા 495 જગ્યાઓ, અમદાવાદની કિડની હોસ્પિટલમાં 1293 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદની કૅન્સર હોસ્પિટલમાં 270 જગ્યાઓ ખાલી પડી રહી છે. જ્યારે યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં 1639 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું છે.