
સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે. આમહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતાં.
પુત્ર બેંક લોનનું કામ કરતો
પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ, આર્થિક સંકડામણના લીધે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિયા (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હીરાની મંદીથી ધંધો ફેરવ્યો હતો-સંબંધી
મૃતકના મામાએ કહ્યું કે, દિવાળી અગાઉથી તેઓ હીરાના વ્યવસાયમાં હતાં. પરંતુ મંદીના કારણે ભાણેજે નોકરી ફેરવી હતી. પરંતુ લોનના હપ્તાનું ટેન્શન હોય શકે છે. આર્થિક સંકડામણ પરિવારમાં હતી. આપઘાત કરી લીધાની જાણ મને થતાં દોડી આવ્યો હતો. સ્મીમેર હોસ્પિટલ લઈ અવાયા હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં છે.હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા. ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા. જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. હાલ જે ફ્લેટમાં રહેતા હતા, તેની લોન ચાલતી હતી. જોકે, છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકળામણ આખું પરિવાર અનુભવી રહ્યું હતું.
સુસાઈડ નોટ મળી
સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં બે લોકોના નામ છે. હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારે પોતાના મકાનનો સોદો કર્યો હતો. 22 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો, જેમાં એક લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ખરીદારોને ખબર પડી કે મકાન પહેલાથી જ લોન પર છે, તેથી તેમણે મકાન લેવાની ના પાડી અને એડવાન્સના એક લાખ રૂપિયા પાછા માગ્યા હતા. કાલે પણ સવારે 9:00 વાગ્યે ફોન આવ્યો હતો. મૃતક હર્ષ લોન એજન્ટ તરીકે નોકરી કરતો હતો, જ્યારે તેના પિતા ભરતભાઈ રિટાયર થયેલા હતા. હાલ સુસાઇડ નોટના આધારે તપાસ ચાલુ છે.
મૃતકોનાં નામ
(1) ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા (પિતા)
(2) વનિતાબેન ભરતભાઈ સસાંગિયા (માતા)
(3) હર્ષ ભરતભાઈ સસાંગિયા (પુત્ર)