
'હેરા ફેરી 3' (Hera Pheri 3) માં પરેશ રાવલના કાસ્ટિંગ અંગે ઘણા દિવસોથી અટકળો અને અહેવાલો ચાલી રહ્યા હતા. પરંતુ, હવે આ પીઢ અભિનેતાએ પુષ્ટિ આપી છે કે તે આ કલ્ટ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં જોવા મળશે. અગાઉ, પરેશ રાવલે પોતે ફિલ્મમાંથી બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. હવે તેણે ફેન્સને સારા સમાચાર આપ્યા છે અને એમ પણ કહ્યું છે કે હવે તેની અને અક્ષય કુમાર વચ્ચે બધું બરાબર છે. અભિનેતાએ કહ્યું કે 'હેરા ફેરી 3' (Hera Pheri 3) પહેલાની જેમ ખૂબ જ મજેદાર બનવા જઈ રહી છે.
'હેરા ફેરી 3' માં પરેશ રાવલે વાપસી કરી
તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન, પરેશ રાવલે 'હેરા ફેરી 3' (Hera Pheri 3) વિશે ચાલી રહેલી ચર્ચાઓ પર ખુલાસો કર્યો અને કહ્યું, "હકીકતમાં કોઈ વિવાદ નથી. જ્યારે કોઈ પ્રોજેક્ટ દર્શકોને આટલો બધો ગમ્યો હોય, ત્યારે તમારે તેને ખૂબ જ કાળજીપૂર્વક કરવો પડે. જનતાએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે અને તેની સાથે ઘણી જવાબદારી પણ આવે છે. તેને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. અમે તેમના માટે સર્વશ્રેષ્ઠ કામ કરવા માટે બંધાયેલા છીએ." તેણે વધુમાં ઉમેર્યું, "મને લાગ્યું કે બધાએ સાથે આવવું જોઈએ અને પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. એ જ એકમાત્ર ચિંતા હતી. પરંતુ, હવે બધું બરાબર છે."
પરેશે અક્ષય કુમાર સાથેના અણબનાવ પર મૌન તોડ્યું
જ્યારે પૂછવામાં આવ્યું કે શું બધા મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, ત્યારે અભિનેતા પરેશ રાવલે ખુશીથી કહ્યું, "હા, અમારે ફક્ત વસ્તુઓને સુધારવી હતી! છેવટે, તેની સાથે સંકળાયેલા બધા - પ્રિયદર્શન, અક્ષય, સુનીલ - અતિ સર્જનાત્મક છે અને લાંબા સમયથી મારા મિત્રો છે." જોકે, મેકર્સે હાલના ઘટનાક્રમ પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડ્યું.
'હેરા ફેરી 3' વિવાદ શું હતો?
મે મહિનામાં, પરેશ રાવલે જાહેરમાં કહ્યું હતું કે તેણે 'હેરા ફેરી 3' (Hera Pheri 3) છોડી દીધી છે. જોકે, તેણે ક્યારેય તેના નિર્ણય પાછળનું કારણ નહતું જાહેર કર્યું. આ સમાચારથી અભિનેતાના ફેન્સ અને ખાસ કરીને જેમણે ફિલ્મમાં બાબુ રાવની ભૂમિકાને પ્રેમ કર્યો હતો તેઓના દિલ તૂટી ગયા હતા અને તેઓએ અભિનેતાને ફ્રેન્ચાઈઝીમાં પાછા ફરવા વિનંતી કરી હતી. 'હેરા ફેરી 3' (Hera Pheri 3) ના સહ-નિર્માતા અક્ષય કુમારે ફિલ્મ અધવચ્ચે છોડી દેવા બદલ પરેશ રાવલ પર 25 કરોડ રૂપિયાના નુકસાનનો કેસ કર્યો હોવાના અહેવાલો પછી વિવાદ વધુ વકર્યો. બાદમાં, એક ફોલો-અપ રિપોર્ટમાં જણાવાયું હતું કે પરેશે ફિલ્મ છોડી દેવા બદલ વળતર તરીકે 15 ટકા વધારાના વ્યાજ સા 11 લાખ રૂપિયાની સાઈનિંગ રકમ પરત કરી હતી.