
ગુજરાતના દાહોદ જિલ્લામાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને મનરેગા યોજનામાં કૌભાંડ મામલે પોલીસે ધાનપુર અને દેવગઢ બારીયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બે પુત્રોની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે સેશન્સ કોર્ટે મંત્રીના બંને પુત્રોને જામીન આપ્યા છે. પોલીસે જામીન રદ કરવા માટે રીવીઝન અરજી કરી હતી. જોકે, સેશન્સ કોર્ટે આ અરજી ફગાવીને મંત્રીના બંને પુત્રોના જામીન મંજૂર કર્યા હતા. જ્યારે મનરેગા કૌભાંડના પહેલા કેસમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા છે, ત્યારે બંને હજુ બીજા કેસને લઈને જેલમાં બંધ છે.
દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મંત્રી પુત્રોને જામીન મળ્યા બાદ જેલમુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રી પુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કર્યા બાદ બીજા પુત્ર બળવંત ખાબડની ધરપકડ પણ કરાઈ હતી. ગત 29 તારીખે જ કોર્ટે મંત્રીના બંને પુત્રોના જામીન મંજૂર કર્યા હતા. ભાણપુર ગામે 33 લાખનું કૌભાંડ આચર્યાની બળવંત ખાબડની રાજ ટ્રેડર્સ એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે દેવગઢ બારિયા તાલુકાના લવારીયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાં 21 કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.
કૌભાંડીઓએ સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો
મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. બંને મંત્રીપુત્રોએ 29.45 કરોડ રૂપિયાના કામો માત્ર કાગળ પર જ કર્યા હતા. બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રકશન કુ. પીપરો મારફતે કરેલા 9 કરોડ રૂપિયાના કામોમાં 82 લાખ રૂપિયાના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હતા. એન.જે કન્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાએ સરકારને 5.2 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.