
અમેરિકન પ્રમુખ તરીકે સત્તા હાંસલ કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ સહિતના પગલાં લઈને દુનિયાના દેશો સાથે રીતસરનું ટ્રેડ વૉર શરુ કરી દીધું છે. આ વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે, ત્યારે ચીનની જિનપિંગ સરકારે પણ વળતો પ્રહાર કરતાં ડિલિવરી માટે અમેરિકાના બોઇંગ વિમાનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીન સરકારે એરલાઇન્સને આદેશ આપ્યો છે કે, તેઓ અમેરિકા પાસેથી એરક્રાફ્ટના સાધનો અને પાર્ટ્સ ખરીદવાનું પણ બંધ કરી દે. આ પહેલા પણ ચીન અમેરિકાના ટેરિફ સામે કુલ 125% ટેરિફ ઝીંકીને ટ્રમ્પને જડબાતોડ જવાબ આપી ચૂક્યું છે.
ચીન બોઇંગ જેટ વિમાનો ખરીદનાર એવિએશન કંપનીઓને કરશે મદદ
અમેરિકા ચીનથી થતી આયાત પર 125 ટકા ટેરિફ ઝીંકવાની શરુઆત કરી દીધી છે. વળતા જવાબમાં ચીને પણ અમેરિકાથી થતી આયાત પર 125 ટકા ટેરિફ લાદ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ચીને અમેરિકાને વળતો જવાબ આપવ ચારેકોરથી તૈયારીઓ કરી દીધી છે. આ ઉપરાંત ચીન તે એવિએશન કંપનીઓને મદદ કરવાનું વિચારી રહી છે, જે બોઇંગ જેટ વિમાનો ભાડા પર છે અને તે માટે વધુ ભાડુ ચૂકવે છે. જો કે બોઇંગ અને સંબંધિત ચીની એરલાઇન્સ તરફથી આ અંગે કોઈપણ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
ચીન પાસે લગભગ 10 બોઇંગ વિમાનો
એવિએશન ફ્લાઇટ્સ ગ્રૂપના ડેટા મુજબ, ચાઇનીઝ એરલાઇન્સ પાસે લગભગ 10 બોઇંગ 737 મૈક્સ વિમાનો છે. તેમાં ચાઇની સદર્ન એરલાઇન્સ કંપની, એર ચાઇના લિમિટેડ અને જિયામેન એરલાઇન્સ કંપનીના બે-બે વિમાનો સામેલ છે. પ્રોડક્શન ટ્રેકિંગ ફર્મની વેબસાઇટના રિપોર્ટ મુજબ, આ બોઇંગમાંથી કેટલાક સિએટલ શહેરના બોઇંગની ફેક્ટરી પાસે રાખવામાં આવેલા છે, જ્યારે અન્ય પૂર્વ ચીનના ઝોઉશાનમાં ફિનિશિંગ સેન્ટરમાં છે. જે ફ્લાઇટ્સના કાગળો અને ચૂકવણી પહેલાથી જ થઈ ગઈ છે તેમને કેસ-બાય-કેસ આધારે મંજૂરી મળી શકે છે.
ચીન વિશ્વનું બીજું સૌથી મોટું એવિએશન માર્કેટ
વિશ્વમાં સૌથી મોટું એવિએશન માર્કેટ ચીન પાસે છે. આગામી 20 વર્ષમાં બોઇંગ એરક્રાફ્ટની વૈશ્વિક માંગમાં ચીનનો અનુમાનિત હિસ્સો 20% હોવાનો નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો છે. રિપોર્ટ મુજબ જૂનયાઓ એરલાઇન્સ કંપનીએ બોઇંગ 787-9 ડ્રીમલાઇનર વિમાનની ડિલિવરી કરવામાં વિલંબ કર્યો હતો. તેણે ત્રણ સપ્તાહમાં વિમાનની ડિલિવરી કરવાની હતી. બોઇંગે વર્ષ 2018માં સપ્લાય કરેલા કુલ વિમાનોમાંથી 25 ટકા વિમાનો ચીનને આપ્યા હતા, જોકે વર્ષ 2019માં બે વિમાનો ક્રેશ થયા હતા, જેના કારણે ચીને બોઇંગ 737 મેક્સનો ઉપયોગ બંધ કરી દીધો હતો.