
ધરોઇ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ 'ધરોઇ એડવેન્ચર ફેસ્ટ'નું 23 મેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા- ATOAI દ્વારા ધરોઇ ખાતે સૌ પ્રથમવાર આયોજિત 'એડવેન્ચર ફેસ્ટ'માં જમીન,પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
'ધરોઇ એડવેન્ચર ફેસ્ટ' નું 23મેએ ઉદ્દઘાટન
'ધરોઇ એડવેન્ચર ફેસ્ટ' વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. તેવી જ રીતે હવાઇ પ્રવૃતિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઇમિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ,માઉન્ટેન બાઇકિંગ, સાઇકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.
મંત્રી મુળુભાઇએ કહ્યું હતું કે, આ ફેસ્ટમાં ધરોઇ આવતા પ્રવાસીઓને એક યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિઆધુનિક AC ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ, ડિલક્સ ટેન્ટ સહિતના કૂલ 21 ટેન્ટ અને અંદાજિત 100થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઇનિંગ હોલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલીક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઇડ રાઇડ, આગ સામે સુરક્ષાના પગલાં વગેરે વિવિધ સુરક્ષા બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
'ધરોઇ-એડવેન્ચર ફેસ્ટ'માં મળશે યાદગાર અનુભવ
'ધરોઇ-એડવેન્ચર ફેસ્ટ'માં કુદરતી વાતાવરણમાં સાહસ,સંસ્કૃતિ અને યાદગાર અનુભવનો અનોખો મેળો છે. વેકેશન દરમિયાન પરિવાર અને મિત્રો સાથે ધરોઇની મુલાકાત લઇને એક રોમાંચક અને યાદગાર અનુભવ માણવા મળશે. ધરોઇ એડવેન્ચર ફેસ્ટમાં બુકિંગ અને વધુ વિગતો www.gujarattourism.com,www.dharoiadventurefest.com અને www.bookmyshow.com વેબસાઇટ પરથી મેળવી શકાશે.
રજવાડી સ્યૂટ,પ્રીમિયમ ટેન્ટ અને ડિલક્સ AC સ્વિસ કોટેજના પેકેજમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન, બપોરે ચા-નાસ્તો અને રાત્રિ ભોજન આપવામાં આવશે.