Home / : Delhi talk: Why is it so late to file an FIR against a judge?

દિલ્હીની વાત : જજ સામે FIR કરવામાં આટલું મોડું કેમ? જાણો દેશની રાજકીય હલચલ

દિલ્હીની વાત : જજ સામે FIR કરવામાં આટલું મોડું કેમ? જાણો દેશની રાજકીય હલચલ

જસ્ટીસ યશવંતસિંહાના ઘરેથી બળી ગયેલી નોટોના બંડલો મળી આવ્યા હતા. ત્યાર પછી સુપ્રિમ કોર્ટે નિમેલી ખાસ કમિટીએ પણ એવું કહ્યું છે કે મળી આવેલા બંડલો જસ્ટીસ યશવંત વર્માના હતા. આ બાબતે હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ કહ્યું છે કે, જજના ઘરેથી મળી આવેલા કરોડો રૂપિયા બાબતે હજી સુધી એફઆઇઆર દાખલ શા માટે નથી થતી. ધનખડના કહેવા પ્રમાણે એવું લાગે છે કે, આખો કેસ દબાવી દેવામાં આવ્યો છે. લોકો રાહ જોઈ રહ્યા હતા કે સત્ય બહાર આવે. પરંતુ સત્ય બહાર લાવવા માટે જજ સામે એફઆઇઆર થવી જરૂરી છે. આ પ્રકારના બનાવો ન્યાયતંત્રને બદનામ કરે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમે પણ માણસ છીએ... : જસ્ટીસ અભય ઓકા

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અભય એસ. ઓકાના કહેવા પ્રમાણે કોર્ટમાં ચુકાદો આપતી વખતે જજથી પણ ભૂલ થઈ શકે છે. એમણે કહ્યું છે કે જજ પણ માણસ જ છે અને એમનાથી ભૂલ થવી એ સ્વાભાવીક છે. એમણે કબુલ કર્યું કે તેઓ જ્યારે બોમ્બે હાઇકોર્ટના જજ હતા ત્યારે એમનાથી પણ ભૂલ થઈ હતી. ૨૦૧૬ના વર્ષમાં ઘરેલું હિંસાના એક કિસ્સામાં તેઓ સાચી વાત સમજી શક્યા નહોતા. જસ્ટીસ ઓકાએ કહ્યું હતું કે, જજો માટે હંમેશા શીખવાનું કામ ચાલુ જ હોય છે. સીઆરપીસીની કલમ ૪૮૨ હેઠળ ઘરેલુ હિંસા કાયદાની કલમ ૧૨ (૧) હેઠળ કરવામાં આવેલી અરજી નકારી શકાય છે. કાયદા પ્રમાણે કોઈપણ મહિલા વળતર મેળવવા માટે કે બીજી કોઈ રાહત મેળવવા માટે મેજીસ્ટ્રેટને એપ્રોચ કરી શકે છે. જ્યાં સુધી એ સ્પષ્ટ નહીં થાય કે કાયદાનો દુરઉપયોગ થઈ શકે છે ત્યાં સુધી મહિલાને ન્યાય અપાવવાની કોશિષ કરવી જોઈએ.

ઓલપાર્ટી ડેલિગેશન સાથે જોડાઈને થરૂરે ભૂલ કરી : અશોક ગહેલોત

છેલ્લા કેટલાક સમયથી ભાજપ તરફ ઢળી રહેલા શશી થરૂરનો સમાવેશ ઓલપાર્ટી ડેલિગેશનમાં થયો છે. આ ડેલિગેશન પાકિસ્તાનને ઉઘાડુ કરવા વિવિધ દેશોમાં જવાનું છે. આ બાબતે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. એમણે આરોપ મૂક્યો છે કે કેન્દ્ર સરકાર વિરોધ પક્ષોમાં તડ પાડવાની કોશિષ કરી રહી છે. એમણે શશી થરૂરને પણ સલાહ આપી છે. ગહેલોતે કહ્યું છે કે, 'કોંગ્રેસના જે ચાર સાંસદ વિદેશી પ્રવાસે જઈ રહ્યા છે તેઓ યોગ્ય કામ કરશે, પરંતુ આ બાબતે સરકારે વિપક્ષને નબળો પાડવા પક્ષમાં તડ પાડવાની કોશિષ કરી છે એ ખોટું છે. રાહુલ ગાંધી અને મલ્લીકાર્જૂન ખડગેને કેન્દ્રીયમંત્રી ફોન કરીને ફક્ત લીપાપોતી કરી રહ્યા છે. શશી થરૂર સારા માણસ છે અને અનુભવી છે, પરંતુ એમણે ભૂલવું જોઈએ નહીં કે તેઓ કોંગ્રેસની ટીકીટ પર ચૂટાઈને આવ્યા છે.'

બિહાર ચૂંટણી પહેલા આરજેડીમાં મોટી ગરબડ

બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં ગરમી વધી ગઈ છે. ચૂંટણીની તૈયારી આરજેડીએ શરૂ કરી દીધી છે. મળતા સમાચાર પ્રમાણે પક્ષના સંગઠનમાં મોટા પાયે ફેરફાર થઈ રહ્યા છે. પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખોને બદલીને નવી નિમણૂક થવાની શક્યતા છે. ૨૧મી જૂને આરજેડી બિહાર પ્રદેશના નવા પ્રમુખની જાહેરાત કરશે. ત્યાર પછી પાંચમી જુલાઈએ રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત પણ કરવામાં આવશે. પક્ષના પ્રવક્તા શક્તિ યાદવના કહેવા પ્રમાણે હમણાના પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહ નબળા આરોગ્યને કારણે કામગીરી કરી શકતા નથી. હમણા જ દિલ્હીમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને જગદાનંદ સિંહ વચ્ચે અઢી કલાક લાંબી મિટિંગ થઈ હતી.

સૌથી મોટા મુસ્લિમ દેશે ભારતની મદદ કરી

ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન ઇન્ડોનેશિયાએ ભારતને મોટી મદદ કરી છે. ગયા અઠવાડિયે એનઆઇએએ ઇસ્લામિક સ્ટેટના બે આતંકવાદીઓ અબ્દુલ્લા ફયાઝ અને તાલ્હા ખાનને મુંબઈ એરપોર્ટથી પકડયા હતા. બંને આતંકવાદીઓની ધરપકડ કર્યા પછી ખબર પડી હતી કે, તેઓ ભારતમાં મોટા પાયે હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ બંને ઇસ્લામિક સ્ટેટના સ્લીપર સેલ વતી કામ કરતા હતા. એમની ધરપકડ મુંબઈથી એકાએક નથી થઈ, પરંતુ ઇન્ડોનેશિયાએ પત્યાર્પણ કરીને ભારતને સોંપ્યા છે. આ બંને આતંકવાદીઓ ઇસ્લામીક સ્ટેટના સ્લીપર સેલ માટે મહારાષ્ટ્રમાં રહીને કામગીરી કરતા હતા અને પછી ઇન્ડોનેશિયા ભાગી ગયા હતા.

યુસુફ પઠાણે ડેલિગેશન સાથે જોડાવાનો ઇન્કાર કરતાં વિવાદ

પાકિસ્તાનનો ભાંડો ફોડવા માટે ભારત વિવિધ ડેલિગેશનોને અલગ અલગ દેશોમાં મોકલી રહ્યું છે. આ ડેલિગેશનમાં સરકાર ઉપરાંત વિરોધપક્ષના સાંસદોનો સમાવેશ પણ થયો છે. ડેલિગેશન માટે કેન્દ્ર સરકારે તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની પસંદગી કરી હતી. જોકે યુસુફ પઠાણે ડેલિગેશન સાથે જોડાવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. કારણ કે ટીએમસીએ તેમને સ્પષ્ટ ના પાડી હતી. યુસુફ પઠાણે કરેલા ઇન્કાર માટે સોશ્યલ મીડિયા પર કેટલાકે લખ્યું હતું કે, પઠાણ પાકિસ્તાનનું ખરાબ બોલવા માંગતા નથી એટલે એમણે ડેલિગેશન સાથે જવાની ના પાડી છે. જોકે તૃણમુલ કોંગ્રેસે કેન્દ્ર સરકારને કહ્યું છે કે યુસુફ પઠાણ કે પક્ષના કોઈપણ સાંસદ ડેલિગેશનમાં સામેલ થશે નહીં. ટીએમસીના પ્રવક્તાએ કહ્યું હતું કે વિદેશ નિતિ કેન્દ્ર સરકારની જવાબદારી છે અને એટલે આ બાબતે કેન્દ્ર સરકારે પૂરી જવાબદારી લેવી જોઈએ.

દિલ્હીની તિહાર જેલને શિફ્ટ કરવા માટે જમીન શોધાઈ રહી છે

દિલ્હીની તિહાર જેલમાં આતંકવાદીઓ ઉપરાંત કુખ્યાત ગેંગસ્ટરો અને કેટલાક રાજકારણીઓ પણ કેદ છે. તિહાર જેલ દિલ્હીના રોહીણી અને મંડોલીની ત્રણ જગ્યાએ આવી છે. તિહાર જેલમાં ૧૬ જેલનો સમાવેશ થાય છે. આ જેલ દેશની સૌથી મોટી જેલ છે. હવે સત્તાધિશો આ જેલને દિલ્હીની બહારના વિસ્તારમાં શિફ્ટ કરવા માંગે છે. ડીડીએ (દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરીટી) જેલને શિફ્ટ કરવાની જગ્યા શોધી રહી છે. ઓથોરીટીને ૪૦૦ એકર જમીનની જરૂર છે. હમણા જેલમાં ક્ષમતા કરતા બમણા કેદીઓ હોવાથી એડમિનિસ્ટ્રેશનમાં મુશ્કેલી પડી રહી છે. જેલમાં ૨૦ હજાર જેટલા કેદીઓ છે જેને કારણે કેટલીક વખત સુરક્ષા સંબંધી મુશ્કેલી ઉભી થાય છે.

ડીએમકેએ કનિમોઝી, રાજા સહિત સાત નવા ઝોનલ ઈન-ચાર્જ સામેલ કર્યા

તમિલ નાડુના શાસક પક્ષ દ્રવિડ(ડીએમકે)એ ૧લી જૂને તેની જનરલ કાઉન્સિલ મીટિંગ ખાતે ૨૦૨૬ની આગામી વિધાનસભાની ચૂંટણી માટે યોજના રજૂ કરવા પાર્ટી પ્રમુખ અને મુખ્ય મંત્રી એમ.કે.સ્ટાલિન તૈયારી કરી રહ્યા છે ત્યારે પક્ષએ સાત ઝોનલ ઈ-ચાર્જની નિયુક્તિ કરી છે. વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે ચૂંટણીની તૈયારીમાં ડીએમકે અન્ય પાર્ટીઓ કરતા આગળ છે. તેમણે ચૂંટણી સંબંધિત કાર્ય ડિસેમ્બર ૨૦૨૪થી શરૂ કરી દીધું હતું અને માર્ચ ૨૦૨૫ સુધીમાં રિપોર્ટ પણ તૈયાર છે. કનિમોઝી કરુણાનિધિ અને એ.રાજાને અનુક્રમે ચેન્નઈ તેમજ દક્ષિણ વિભાગ માટે નિયુક્ત કરાયા છે. વરિષ્ઠ મંત્રીઓ કે.એન.નહેરુ અને ઈ.વી.વેલુને મધ્ય તેમજ ઉત્તર વિભાગો માટે ઈન-ચાર્જ તરીકે નિયુક્ત કરાયા હતા. રાજકીય વિશ્લેષકોના મતે ડીએમકે ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણી કરતા આગામી ૨૦૨૬ની ચૂંટણી બાબતે વધુ ગંભીર છે.

Related News

Icon