Home / : The unity of the army is created by its uniform, not by religion or caste

Delhi ni Vaat: 'સેનાની એકતા એની વરદીથી બને છે નહીં કે ધર્મ કે જાતિથી', દિલ્હી હાઈકોર્ટ

Delhi ni Vaat: 'સેનાની એકતા એની વરદીથી બને છે નહીં કે ધર્મ કે જાતિથી', દિલ્હી હાઈકોર્ટ

- ઈન્દર સાહની

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 દિલ્હી હાઇકોર્ટે ભારતીય સેનાના એક અધિકારીની હકાલપટ્ટીને યોગ્ય ઠેરવી છે. ધાર્મિક પરેડમાં હિસ્સો લેવાનો ઇન્કાર કરવા માટે ૨૦૧૭ના વર્ષથી આ અધિકારીને સેવામાંથી દુર કરવામાં આવ્યા હતા. ઓફિસર સેમ્યુઅલ કમલેસનએ પરેડમાં હિસ્સો લેવાની ના એટલા માટે પાડી હતી કે એમનો ધર્મ ખ્રિસ્તી છે. આ હુકમ સામે કમલેસને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પેન્શન અને ગ્રેજ્યુએટીની માંગ સાથે નોકરી પર ફરીથી લેવા માટેની અરજ એમણે કરી હતી. જોકે જસ્ટીસ નવિન ચાવલા અને જસ્ટીસ શાલિન્દર કૌરની બેન્ચે સૈન્યના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, સેનાનો હુકમ નહી માનવાના કૃત્યને અશિસ્ત ગણી શકાય. કોર્ટે કહ્યું હતું કે, 'આપણું સૈન્ય તમામ ધર્મો, જાતિઓ અને વિવિધ ક્ષેત્રોના લોકોનું બન્યું છે. સૈન્યનો એક માત્ર ઉદ્દેશ દેશની રક્ષા કરવાનો છે. સેનાની એકતા એની વરદીથી બને છે નહીં કે ધર્મ કે જાતિથી.'

યુપીના મુસ્લિમોને સાંસદ ચંદ્રશેખર આઝાદે કરી મોટી અપીલ

ઉત્તર પ્રદેશના બિજનોરની નગીના બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદએ મુસ્લિમોને સાથે રહેવાની અપીલ કરી છે. ચંદ્રશેખરએ પૂછયું છે કે મુસ્લિમો વારંવાર શા માટે છેતરાઇ રહ્યા છે. આઝાદએ ભાજપ સરકાર સામે ધાર્મિક પ્રચાર વધારવાનો આરોપ મૂક્યો છે. આઝાદએ ૨૦૨૭ની ચૂંટણી માટે પક્ષના સંગઠનને મજબૂત કરવા માટે કહ્યું છે. આઝાદએ ખાસ કરીને મુસલમાનોને સંબોધીને કહ્યું છે કે મુસલમાનો એમના પર ભરોસો રાખે. લખનૌમાં 'અસ્તિત્વ બચાવો - ભાઇચારા બનાવો' સંમેલનમાં લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે વકફ બીલ સુધારાના નામે આજે મુસ્લિમ સમાજનો નંબર આવ્યો છે. હવે પછી જૈન, ખ્રિસ્તી કે બીજા સમાજનો નંબર પણ આવી શકે છે.

પુત્ર તેજપ્રતાપ બાબતે લાલુ પ્રસાદનું દિલ પીગળ્યુ નહીં

એમ લાગે છે કે આરજેડીના સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવ પુત્ર તેજપ્રતાપથી ભારે નારાજ છે. પક્ષ અને કુટુંબમાંથી તેજપ્રતાપની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ નિર્ણયના એક અઠવાડિયા પછી બેક ડેટ સાથે પક્ષ ખારીજ કરવાનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. કેટલાક માનતા હતા કે કદાચ ઘીના ઠામમાં ઘી પડી રહેશે અને લાલુ તેજપ્રતાપને માફ કરી દેશે. જોકે હવે આરજેડીના લેટરહેડ પર તેજપ્રતાપની હકાલપટ્ટી ઓફિશ્યલ કરવામાં આવી છે. કાગળની નીચે આરજેડીના રાષ્ટ્રીય પ્રમુખ સચીવ અબદલ બારી સિદ્દીકીની સહી છે. પિતા બનેલા તેજસ્વી યાદવ કોલકત્તાથી જ્યારે પટણા પહોંચ્યા ત્યારે એમણે મોટા ભાઈ તેજપ્રતાપ યાદવની હકાલપટ્ટીને યોગ્ય ઠેરવી હતી.

કનીમોઝીને સ્પેનમાં પૂછાયું, ભારતની રાષ્ટ્ર ભાષા કઈ છે? મળ્યો યોગ્ય જવાબ

આતંકવાદ મામલે પાકિસ્તાનને ઉઘાડું કરવા વિવિધ ડેલિગેશન વિદેશ ગયા છે. એક ડેલિગેશનનું નેતૃત્વ ડીએમકેના સાંસદ કનીમોઝી કરી રહ્યા છે. જ્યારે આ ડેલિગેશન સ્પેનની રાજધાની મેડ્રીડ પહોંચ્યું ત્યારે કનીમોઝીને સવાલ કરવામાં આવ્યો કે ભારતની રાષ્ટ્ર ભાષા કઈ છે. જવાબ આપતાં કનીમોઝીએ કહ્યું હતું કે, ભારતની રાષ્ટ્રભાષા 'વિવિધતામાં એકતા છે.' કનીમોઝીનો જવાબ સાંભળીને ત્યા હાજર રહેલા તમામેએ તાળી પાડી હતી. કનીમોઝીનો આ વિડિયો એવા સમયે વારયરલ થયો છે કે દક્ષિણ ભારતના તમામ રાજ્યો હિન્દીનો વિરોધ કરી રહ્યા છે. કનીમોઝી દક્ષિણ ભારતની મોટી પાર્ટી ડીએમકેના સાંસદ છે. આતંકવાદ સામે લડવા માટે દુનિયાના દરેક દેશને એક થવા માટે પણ કનીમોઝીએ કહ્યું હતું. 

બિહારના દલિત રાજકરણમાં પરિવારોની બોલબાલા

ચૂંટણીઓ અગાઉ બિહાર અનુસૂચિત જાતિ આયોગમાં ટોચના પદે કેન્દ્રીય મંત્રીઓ ચિરાગ પાસવાન અને જિતન રામ માંઝીના સંબંધીઓને નિયુક્ત કરવાના નિતિશ કુમાર સરકારના નિર્ણયથી રાજ્યમાં દલિત નેતાઓની આગેવાની હેઠળના પક્ષોમાં પારિવારીક રાજકરણ ફરતેની ચર્ચાને વેગ મળ્યો છે. ચિરાગ પાસવાનના બનેવી મૃણાલ પાસવાનને આયોગના અધ્યક્ષ બનાવાયા છે તો જિતન રામ માંઝીના જમાઈ દેવેન્દ્ર માંઝીને ઉપાધ્યક્ષ બનાવાયા છે. વિપક્ષ આરજેડીએ આ નિમણૂંકોની ટીકા કરી છે. જિતન રામ માંઝીના પરિવારના હવે સાત સભ્યો રાજકરણમાં છે અને રાજ્યમાં લાલુ પરિવારના વર્ચસ્વ સામે લડી રહ્યા છે. મહાદલિત મુસાહર સમુદાયના માંઝી અનેકવાર ગયામાંથી લોકસભાની ચૂંટણી લડયા છે પણ માત્ર ૨૦૨૪માં વિજયી થયા હતા. હાલ તેઓ મોદી સરકારમાં સૌથી વયસ્ક મંત્રી છે. માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન તેમના પક્ષ હિન્દુસ્તાની અવામ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ છે. તેઓ નિતિશ સરકારમાં મંત્રી છે.

આરએસએસ નેતા ભડકાઉ ભાષણ મુદ્દે ફસાયા

કર્ણાટકમાં સિદ્ધારામૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે આરએસએસ નેતા કલ્લાડકા પ્રભાકર ભટ અને અન્યો સામે ઉશ્કેરણીજનક ભાષણો તેમજ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના આરોપસર કેસ દાખલ કર્યો છે. ભટ અગ્રણી હિન્દુવાદી કાર્યકર છે અને તેઓ કર્ણાટકના દક્ષિણા કન્નડ જિલ્લામાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ સંચાલિત કરી રહ્યા છે. પોલીસે ભટ સામે ૧૨મી મેના રોજ એક રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ ફરિયાદ નોંધી છે. કર્ણાટકના વિપક્ષી નેતા આર.અશોકાએ કેસ પાછા નહિ ખેંચાય તો આંદોલન કરવાની ધમકી આપી છે. તેમના દાવા મુજબ જૂની બાબતો પર હિન્દુ કાર્યકરો સામે ખોટા કેસો દાખલ કરાયા છે. અનેક મુસ્લિમ નેતાઓએ કર્ણાટકમાં નફરતના વાતાવરણ અને બદલારૂપ હત્યાઓની વધતી ઘટનાઓ સામે સિદ્ધારામૈયા સરકારની નિષ્ક્રિયતા બદલ સામૂહિક રાજીનામા આપતા આ કેસો દાખલ કરાયા હોવાનું માનવામાં આવે છે.

Related News

Icon