બાંગ્લાદેશમાં છેલ્લાં એક વર્ષથી જે રાજકીય અસ્થિરતા ઊભી થઈ છે તેનો અંત આવવાના કોઈ અણસાર નથી. એક તરફ શેખ હસિના પોતાની સામે બળવો થયા બાદ દેશ છોડીને ભાગી ગયા અને ત્યારબાદ ખસ્તાહાલ સ્થિતિને કાબુ કરવા માટે મોહમ્મદ યુનુસની આગેવાનીમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા યુનુસ ખૂબ જ સારી રીતે સ્થિતિને સાચવીને દેશને સ્થિર કરી શકશે તેવી ધારણા હતી પણ તેના ઉપર પાણી ફરી વળ્યું. યુનુસ દ્વારા જે પગલાં લેવાયા અને જે નિવેદનો કરાયા તેના કારણે બાંગ્લાદેશમાં જ આંતરિક વિખવાદ ઊભો થઈ ગયો. યુનુસની કામગીરીથી રાજકીય વંટોળ ઊભા થયા જેને શાંત કરવા મુશ્કેલ થઈ ગયા છે.

