
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બોડેલી અને પાવીજેતપુર તાલુકામાં કેળાનું વાવેતર થાય છે. આ વર્ષે કેળાના ભાવ 380 રૂપિયા પહોંચી જતા ખેડૂતોને ગત વર્ષ કરતા આ વર્ષે સારો ભાવ મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કેળા રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં જાય છે. જયારે ગત વર્ષ કરતા આ વર્ષે કેળાની લૂમનું વજન ઓછું ઉતરે છે.છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ખેડૂતોની માંગ છોટાઉદેપુર જિલ્લામાં એકપણ કોલ્ડ સ્ટોરેજ નથી.
કેળાંની લૂમનું વજન ઓછું
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બોડેલી અને પાવીજેતપુર તાલુકામાં ખેડૂતો પહેલા કપાસ અને ટામેટાની ખેતી કરતા હતા. પરંતુ આ બંન્ને પાકોમાં કમોસમી વરસાદ અને હવામાનના કારણે કપાસ અને ટામેટાના પાકોમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને નુકશાન જતું હતું. તેને લઈને ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી કેળાની ખેતી તરફ વળ્યાં છે. જેમાં આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં કેળાના ભાવ 20 કિલોના 380 રૂપિયા સુધી મળતા હાલ ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો મોટાપાયે કેળાનું કટીંગ કરી રહ્યા છે. આ વર્ષે વજન કેળાની લૂમનું ઓછું આવે છે. ગત વર્ષે કેળાની લૂમ નું વજન વધારે આવતું હતું.
ભાવમાં વધારો
ગત વર્ષ કરતા આ વર્ષે 20 કિલોએ કેળાના ભાવમાં 180 રૂપિયા વધારે મળી રહ્યા છે. જેનાથી ખેડૂતો ને ફાયદો થયો છે. છોટાઉદેપુર જિલ્લાના કેળા રાજસ્થાન દિલ્હી અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જાય છે. જયારે ખેડૂતો ભાવ સારા હોવાથી ઝડપથી કેળા વેચાઈ જાય તેની તકેદારી રાખી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં ખેડૂતો કોલ્ડ સ્ટોરેજની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ નથી જેના કારણે ખેતીના માલનું ઉત્પાદન થાય ત્યારે કેળા શાકભાજી અને અન્ય ફ્રૂટના ભાવ ઘટે ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકાય. સરકારે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી અને નસવાડી તાલુકામાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા જોઈએ. જેનાથી ખેડૂતો એ પકવેલા શાકભાજી અને કેળા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકાય જેનાથી ઓછા ભાવે વેચવા માટે મજબૂર ન બનવું પડે તેવી ખેડૂતોએ માંગ કરી છે.