સુરતના વરાછામાં ફરિયાદી વ્યક્તિને કેટલીક શંકાસ્પદ ટોળકી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને સમજાવવામાં આવ્યું હતું કે તેઓ સસ્તા દરે સોનું અપાવશે. વિશ્વાસમાં લઈને, વરાછા વિસ્તારમાં બોગસ આંગડિયા પેઢી ઉભી કરી, ફરિયાદીને રોકડ 87 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ફરિયાદી પૈસા જમા કરાવીને બહાર નીકળ્યો, ત્યારે પહેલેથી જ તૈયારીમાં બેઠેલી ટોળકીએ આંગડિયા પેઢીમાંથી રૂ. 87 લાખ રૂપિયા ઉચકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધા અને ઝડપભર્યા દોડે ફરાર થઈ ગયા હતાં.
5 લાખ કબ્જે કરાયા
આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે, જેને આધારે પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે.વરાછા પોલીસની ચુસ્ત કામગીરીના કારણે ચાર આરોપીઓને ઝડપ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 5 લાખની રોકડ રકમ કબજે કરી છે. જોકે હજુ પણ મોટો ભાગ રૂપિયાનો બાકી છે અને પોલીસે આરોપીઓની પૂછપરછ કરીને બાકીના પૈસા અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે.
સાવચેતી જરૂરી
આ ઘટના શહેરમાં વધી રહેલા ફ્રોડના કિસ્સાઓ સામે ગંભીર ચિંતાનું કારણ બની છે. વરાછા પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ છે અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચીને પ્રયાસો કરી રહી છે.પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ લાલચભર્યા વ્યવહારોમાં જોડાતાં પહેલાં પૂરતી વિગતો મેળવી અને સાવચેતી પૂર્વક પગલાં લેવા.