
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ફરી ડંકો વગાડ્યો છે. સુરતના વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવવામાં રાજ્યભરમાં સૌથી અગ્રેસર રહ્યાં છે. સુરતના કુલ 247 વિદ્યાર્થીઓને એ-1ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. જે રાજ્યમાં તમામ જિલ્લાઓમાં સૌથી વધુ એ-1ગ્રેડ છે.
ફરી એ-1 ગ્રેડમાં મહારથ હાંસલ કરી
આશાદીપ વિદ્યાલયના મહેશભાઈએ કહ્યું કે, સુરતમાં વિદ્યાર્થીઓને પ્રથમ દિવસથી જ મહેનત કરાવવામાં આવે છે. જેના કારણે આ પરિણામ વિદ્યાર્થીઓને મેળવવામાં સફળતા મળે છે. કોર્ષની ડિઝાઈનની સાથે સાથે વિદ્યાર્થીઓની ધગશ, મહેનતના કારણે આ પરિણામ મેળવવામાં સફળતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને થઈ છે. ત્યારે તેમના આગળના ભવિષ્ય માટે શુભકામના પાઠવીએ છીએ.
વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા
વર્ષભરની મહેનતનું ઊંચુ પરિણામ પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યાં હતાં. અગાઉથી જ આયોજન મુજબ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. તો ઘણા વિદ્યાર્થીઓને ધાર્યા પરિણામ ન મળતાં આંખોમાં આંસુ પણ જોવા મળ્યાં હતાં. વિદ્યાર્થીઓમાં સારા પરિણામથી ભારે ખુશીની લાગણી જોવા મળી હતી.