
- કેમ છે, દોસ્ત
- વૃષ્ટિ મનોમન વિચારી રહી હતી: 'મારી દરેક વાતને સ્વીકારી લેનાર વિધાનની વાણી અને વર્તનમાં આકસ્મિક ફેરફાર કેમ?'
'ના, આ મોટો રૂમ તારો. તારું સખીમંડળ આવે એટલે એમની સાથે તું મોકળાશથી વાતો કરી શકે.' વિધાને કહ્યું.
'વિધાન, પણ તારું મિત્રમંડળ પણ ક્યાં નાનું છે? ઘર પર જેટલો મારો અધિકાર છે એનાથી વધારે તો તારો છે.' વૃષ્ટિએ જવાબ આપ્યો.
'વૃષ્ટિ, આપણે બન્ને બરાબર છીએ. તું મહિલાઓના અધિકાર માટે મંડળ ચલાવે છે, એટલે તારે મહિલાઓના પ્રશ્નો સાંભળવા માટે, વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે એક સારા મોટા રૂમની જરૂર છે જ.'
'વિધાન, હું મહિલાઓના અધિકાર માટે મંડળ ચલાવું છું, એવા બધા અધિકારો તો તેં મને વગર માગ્યે આપ્યા છે. લડતથી નહીં, લાયકાતથી મળે તે અધિકારની ખુશબો કાંઈ ઓર જ હોય છે.'
'અરે વૃષ્ટિ, તું તો ખરેખર લાજવાબ છે. તારા જેવી સરળ, સમજુ અને કર્તવ્યનિષ્ઠ પત્ની તો ભવિષ્યમાં 'મ્યુઝિયમ'ને લાયક ગણાશે. તું મને પૂછ્યા વગર પાણી પણ નથી પીતી. મેં તો કોઈ ગૌરીવ્રત કર્યું નહોતું છતાં લોટરીરૂપે તું મને શ્રેષ્ઠ પત્ની મળી.' બોલતાં બોલતાં વિધાનની આંખ ભીની થઇ ગઈ.
'હવે બહુ વખાણ ન કર. વખાણી ખીચડી દાંતે વળગે. વિધાન, આખરે આપણ સહુ માણસ છીએ. સ્વભાવના દોરે બંધાયેલી કઠપૂતળીઓ સ્વભાવ આપણી પાસે કેવો નાચ કરાવશે, એની કોને ખબર. આજની ક્ષણ, આજનો કલાક અને આજનો દિવસ સારો જાય એ જ આપણે માટે ઇશ્વરનું વરદાન. બંગલો થોડા દિવસમાં તૈયાર થઇ જશે. હવે ફર્નિચર અને લાઇટ એરેન્જમેન્ટ કરવી તે તારું કામ.'
વૃષ્ટિ એ વિધાનને છુટ્ટો દોર આપ્યો. 'વિધાન, ફર્નિચર અને લાઇટ ડ્રોઇંગ રૂમની શોભા વધારી શકે, પણ નવો નિવાસ દિલને ન ઠારે તો એનો અર્થ શો? આજે મોટા બંગલાઓ રૂમમાં વહેંચાઈ ગયા છે. અને સહુ નોખાં નોખાં રહેવાનું પસંદ કરતાં થઇ ગયા છે, ઘર જાણે ગેસ્ટહાઉસ બની ગયું છે. આધુનિક સભ્યતા માણસના સંસ્કાર છીનવી લે તો એને પ્રગતિ કહેવાય કે અધોગતિ?' વૃષ્ટિએ કહ્યું.
'વૃષ્ટિ તારી વાત સાચી છે, પણ આપણા નાના કુટુંબમાં તો એવી સમસ્યા છે જ નહિ. આપણી દીકરી સ્નેહા પરણીને સાસરે ગઇ છે અને દીકરો વિદ્યુત વધુ અભ્યાસ માટે યુએસ ગયો છે. જો એને ત્યાં ગમી જાય અને ઉજ્જવળ કારકિર્દીની તક સાંપડે તો પછી આપણે પણ ત્યાં સેટલ થવાનું વિચારીએ.' વિધાને કહ્યું.
'ના વિધાન, હરગિજ નહીં. આપણાં તન વતનને સમર્પિત રહેવાં જોઇએ. ધન ખાતર રાષ્ટ્રધર્મન ગૌણ ન બનાવાય. હું તો વિદ્યુતના પણ યુએસમાં સ્થાયી વસવાટની તરફેણમાં નથી. યુવાપેઢી ધન અને કારકિર્દીની લાલચમાં દેશને 'અલવિદા' કહે તો, દેશનો ઉધ્ધાર ક્યાંથી થાય? ' વૃષ્ટિએ કહ્યું.
'વૃષ્ટિ, આ બંગલામાં આપણે શાંતિથી રહી શકીએ એના માટે તારું આ શહેરમાં હોવું બહુ જરૂરી છે. તારી ટ્રાન્સફરની વાત ચાલતી હતી એનું શું થયું? તું નમ્ર છે એટલે ઉપરી અધિકારીઓ તને ફૂટબોલની જેમ ઉછાળે છે. ભાડાનાં મકાનોમાં રહી રહી હું થાકી ગયો છું. આ વખતે જો તારી બદલી થશે તો હું તારા જ મહિલામંડળની મદદથી આંદોલન કરીશ.' વિધાને પોતાની રણનીતિ જાહેર કરી.
'બદલી એ નોકરીદાતાનો અધિકાર છે. હા, દ્વેષ કે વેરવૃત્તિથી બદલી કરવામાં આવે તો પણ તમે અદાલતનો આશરો લઇ શકો, પણ મનફાવે તેવું કરાવવા માટે આંદોલન કરવું એ મારી દ્રષ્ટિએ સત્યાગ્રહ નહીં પણ સ્વાર્થાગ્રહ છે. મારી ઓફિસની વહીવટી બાબતોમાં તારે કશી દખલ ન કરવી જોઇએ.' વૃષ્ટિએ પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરી દીધો.
પત્નીની વાત સાંભળી વિધાન આજે પહેલી વાર ઉશ્કેરાયો. સદભાગ્યે વૃષ્ટિની ટ્રાન્સફરની વાત પાછી ઠેલાઈ હતી. નવા ઉપરી અધિકારીએ વૃષ્ટિ જેવી ઇમાનદાર, વફાદાર અને કાર્યનિષ્ઠ કર્મચારીને વારંવાર ટ્રાન્સફર દ્વારા પરેશાન નહીં કરવાની ઓફિસના પ્રશાસનને સૂચના આપી દીધી હતી.
અને સાંજે વૃષ્ટિએ આ સમાચાર વિધાનને આપ્યા હતા. વિધાને ખુશી વ્યક્ત કરવાને બદલે કહ્યું હતું : 'દરેક ઉપરી અધિકારીને કહ્યાગરા કર્મચારીઓ ગમે છે. તારો બૉસ ચાલાક હોવો જોઇએ. તારી સજ્જનતાનું શોષણ કરી તારે ખભે બંદૂક મૂકવાનો વિચાર કરી રહ્યો છે. એટલે હું કહું છું કે તું ચેતતી રહેજે નહીં તો તારા અસ્તિત્વની સાર્થકતા ગુમાવી બેસીશ. તારી બદલી થવા દીધી હોત અને તારા મહિલામંડળે આંદોલન કરી તારા ઉપરી અધિકારીને ઝૂકવાની ફરજ પાડી હોત તો મારો પણ વટ પડતને! પણ તને તો લાંબુ વિચારવાની આદત જ નથી.'
વૃષ્ટિ મનોમન વિચારી રહી હતી: 'મારી દરેક વાતને સ્વીકારી લેનાર વિધાનની વાણી અને વર્તનમાં આકસ્મિક ફેરફાર કેમ? શું મહિલા મંડળોની કોઈ આચારસંહિતા નથી હોતી? મહિલાના માત્ર અધિકારોની વાત અને તેમની ફરજને નામે મીડું?'
...અને વૃષ્ટિના પરિવાર પર કુદરતની ખફામરજી ઊતરી. એક કાર અકસ્માતમાં દીકરી સ્નેહાના પતિનું અવસાન થયું. અંધશ્રધ્ધાળુ સાસરિયાંએ સ્નેહાને અપશુકનિયાળ કહી પિયરમાં ધકેલી દીધી. સાસરિયાને સમજાવવા માટે ગયેલા વિધાનનું પણ એમણે અપમાન કરી સ્નેહાને સાસરીપક્ષ તરફથી કોઈ મદદ કે લાભ નહીં મળે એવું 'અલ્ટિમેટમ' પણ આપી દીધું. વૃષ્ટિ સ્નેહાના સાસરિયાની આવી દાદાગીરી સહન કરવા તૈયાર નહોતી. એ મહિલામંડળની મદદ અને કોર્ટકેસ દ્વારા સ્નેહાના સાસરિયાંની સાન ઠેકાણે લાવવા ઇચ્છતી હતી. પણ સ્નેહા પોતાના નિર્ણયમાં સ્પષ્ટ હતી. એણે કહ્યું : 'મમ્મી, તું મને ન્યાય અપાવવા માટે કોર્ટમાં જવાની વાત કરે છે. પણ મમ્મી, મારી સાથે લગ્ન કરીને મારા પતિએ કોઈ અપરાધ કર્યો છે ખરો? હકીકતમાં તો જો મારે પતિ પ્રત્યે પ્રેમ અને વફાદારી વ્યક્ત કરવી હોય તો એ ઘરની પુત્રવધૂ તરીકે વર્તીને નહીં પણ પુત્રી બનીને મારા પતિનાં મમ્મી-પપ્પાની ચિંતા કરવી જોઇએ. એકનો એક દીકરો ગુમાવવાના દુ:ખમાં તેઓ અત્યારે આવું વર્તન કરી રહ્યાં છે... પણ ધીરે ધીરે બધું સારું થઇ જશે. અત્યારે તો મારે નોકરી શોધીને સ્વાવલંબી બનવું જોઇએ. પછી હું મારા સાસરે જઇ મારા સાસુ સસરાની સેવા કરીશ.'
સ્નેહાની વાત સાંભળી વિધાન એકદમ ખુશ થઇ ગયો હતો : 'શાબાશ બેટા, તારા ઉમદા વિચારોને સલામ. આવો ખ્યાલ તારી મમ્મીને કેમ ન આવ્યો?' વિધાનના આ શબ્દો સાંભળી વૃષ્ટિએ આંચકો અનુભવ્યો.
અને દસ દિવસ પછી દીકરા વિદ્યુતનો યુએસથી ફોન આવ્યો કે તે ભારત આવી રહ્યો છે. વિદ્યુતનું એકાએક ભારત આવવાનું કારણ વિધાન કે વૃષ્ટિને સમજાયું નહીં. અને એક સવારે વિદ્યુત યુએસથી પાછો ફર્યો હતો અને સાથે હતી તેની પત્ની લીસા. વિદ્યુતે લીસાનાં માતા-પિતાને જણાવ્યા વગર લીસા સાથે લગ્ન કરી લીધાં હતાં.
વિધાને તો વિદ્યુત અને લીસાનું સહર્ષ સ્વાગત કર્યું હતું, પણ વૃષ્ટિ ખુશ નહોતી. લીસાએ એનાં મમ્મી પપ્પાને જણાવ્યા વગર વિદ્યુત સાથે લગ્ન તો કરી લીધાં અને મમ્મી-પપ્પાને જણાવ્યા વગર ભારત આવી ગઈ હતી, એ વૃષ્ટિને જરાપણ ગમ્યું નહોતું. એણે વિદ્યુત અને લીસાને ઠંડો આવકાર આપ્યો એ વિધાનની સમજની બહાર હતું. વિધાન મનમાં વિચારતો હતો કે 'મહિલા અધિકારો માટે લડનાર વૃષ્ટિ આજે પોતાની જ પુત્રવધૂને સહયોગ કેમ નથી આપતી?'
વિધાનને હવે પતિને બદલે પિતૃત્વની ભૂમિકા અદા કરવામાં વધુ રસ પડતો હતો. સ્નેહાએ એક રૂમમાં પોતાનો સામાન ગોઠવી દીધો હતો. એને પગલે લીસાએ પણ વૃષ્ટિએ પોતાને માટે અલાયદો રાખેલો ભવ્ય સજાવટવાળા રૂમનો કબજો લઇ લીધો હતો. વિધાન અને વૃષ્ટિને ભાગે બાકીનો એક સામાન્ય રૂમ ખાલી હતો. વૃષ્ટિ આ બધું નાટક ચૂપચાપ જોયા કરતી હતી. પત્ની માટે પ્રાણ પાથરવા તૈયાર રહેનારા વિધાનની જિંદગીમાં હવે સંતાનોનું સ્થાન અગ્રિમ બની ગયું હતું.
અન્ય મહિલાઓના પ્રશ્નોનું સમાધાન કરતી વૃષ્ટિ આજે પોતાના જ પરિવારના પ્રશ્નોમાં અટવાઈ ગઈ હતી. એ શાંતિ ઝંખતી હતી એટલે એણે નોકરીમાંથી રજા લઇ ધાર્મિક સ્થળના પ્રવાસે જવાનું નક્કી કર્યું અને ઘરમાં કોઇને ય કશું જણાવ્યા સિવાય માત્ર એક ચિઠ્ઠી મૂકીને હરિદ્વાર જવા બુકિંગ કરાવી લીધું અને બેગ તૈયાર કરી. દહેરાદૂન જતી ફ્લાઇટમાં વિદાય થઇ.
વિધાનને આઘાત લાગ્યો, પોતાના સિવાય એક ક્ષણ પણ એકલા નહીં રહેનાર વૃષ્ટિને એવું તે શું માઠું લાગ્યું કે અબોલાનો રાહ અપનાવી?
...અને વૃષ્ટિ એરપોર્ટ પર ઉતરી ત્યારે એના સ્વાગત માટે વિધાન હાજર હતો.
'વિધાન તું, અહીં દેહરાદૂનના એરપોર્ટ પર?'
'હા, જ્યાં તું ત્યાં હું. મારે મારું વચન પાળવું જોઇએ,' કહી વિધાન વૃષ્ટિને ભેટી પડયો હતો.
- ડૉ.ચન્દ્રકાન્ત મહેતા