અમદાવાદમાંથી શહેર પોલીસની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક પોલીસ અધિકારી દ્વારા વાહનચાલક સાથે અસભ્ય રીતે વર્તન કરવામાં આવ્યું હતું. જો કે આ મામલે વાહનચાલક દ્વારા સંપૂર્ણ ઘટનાનો વીડિયો બનાવી લેતા તેને GSTVના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા ASI ભરતભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદ પોલીસનું ફરી એક વખત વિવાદાસ્પદ વર્તન સામે આવ્યું હતું જેમાં પોલીસે ફરજ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો સાથે ગંભીર રીતે અસભ્યપૂર્વક વર્તન કર્યું હતું. ફરી એક વખત અમદાવાદ પોલીસનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નરોડા પીસીઆર દારૂકાંડ બાદ હવે વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે.
અમદાવાદ શહેરમાં પીસીઆર ઇન્ચાર્જ અને અન્ય પોલીસ જવાન દ્વારા બે શખ્સો સાથે અગમ્ય કારણોસર બબાલ થઈ હતી. જેમાં બે એએસઆઈ પોલીસે વાહનચાલક સાથે અસભ્ય રીતે વર્તન કર્યું અને ઝપાઝપી કરી યુવકને દબોચવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ રિવોલ્વરથી ગોળી મારી દઈશ તેવી ધમકી આપતો પોલીસ જવાનનો વીડિયો ભોગ બનનાર યુવક દ્વારા ઉતારવામાં આવ્યો હતો. બે ASIની વાહનચાલક સાથે ઝપાઝપી અને ધમકી આપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દારૂકાંડ બાદ વીડિયો વાયરલ થતા આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.