
હેલ્મેટ-લાયસન્સ સહિતની વિવિધ ડ્રાઈવ ભલે યોજવામાં આવે પણ બેફામ ઝડપે હંકારતા વાહનચાલકો પર અંકૂશ મેળવવામાં ટ્રાફિક પોલીસ વિભાગ નિષ્ફળ રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હિટ એન્ડ રનની ઘટનાઓમાં 345 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાંથી હિટ એન્ડ રનની ઘટનાઓ સતત સામે આવી રહી છે.
બાર વર્ષ પહેલા 24 ફેબ્રુઆરી 2013ના રોજ અમદાવાદમાં ચકચારી મચાવનાર વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ ખુબ ચર્ચામાં રહ્યો હતો, ત્યારબાદ થોડા સમય પહેલા જ તથ્યકાંડએ પણ ભારે સનસનાટી મચાવી હતી. એવામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓના આંકડાઓ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં 344 અને અમદાવાદ ગ્રામમાં 395 હિટ એન્ડ રનની ઘટનાઓ બની છે. જ્યારે હિટ એન્ડ રનની ઘટનામાં અમદાવાદ શહેરમાં 117 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 228 લોકોના મૃત્યુ થયા છે. સરકાર આવા રફતારના ઝનૂની લોકો પર ક્યારે લગામ લાવશે તે હવે જોવું રહ્યું.
હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88, ગ્રામ્યમાંથી 243 એમ કુલ 331 ધરપકડ કરાઈ છે. જેમાંથી અમદાવાદ શહેરમાંથી 344, ગ્રામ્યમાંથી 395 સામે પોલીસ કેસ કરાયા છે. બે વર્ષના આ સમયગાળામાં અમદાવાદ શહેરમાંથી 256, ગ્રામ્યમાંથી 152 એમ કુલ 408 વ્યક્તિ હજુ સુધી પોલીસ દ્વારા ઝડપાયા નથી.