
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે કહ્યું, 'ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત થયા છે.' તેમણે એક્સ પોસ્ટમાં કહ્યું કે, પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ટૂંક સમયમાં ભાષણ આપશે.
https://twitter.com/MIshaqDar50/status/1921175494633943541
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનમાં યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે. ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે બપોરે 3.35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે.
https://twitter.com/ANI/status/1921180539832156529
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધવિરામની જાહેરાત કરતાં કહ્યું છે, કે 'પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (DGMO)એ ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરવા તૈયાર થયા. બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.'
અગાઉ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, યુએસ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાતચીત પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા છે. સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ બંને દેશોને અભિનંદન.
અમે PM મોદી અને PM શરીફ સાથે વાત કરી: અમેરિકાના વિદેશમંત્રીનો દાવો
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે, કે 'છેલ્લા 48 કલાકમાં મેં અને ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ સંવાદ કરાયો છે. જે બાદ ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધવિરામ માટે રાજી થયા છે.'