
- વિચાર-વીથિકા
- બહેન પાસે અરૂણગિરિનાથરના ભોગવિલાસની માગણીઓ પૂરી કરવા સહેજ પણ ધન બચ્યું નહીં. તેને આત્મહત્યા કરતો રોકવા બહેને કહ્યું - તારે પૈસા જોઈતા હોય તો હવે એક જ રસ્તો છે. તું મને વેચી દે
અરૂણગિરિનાથર એક તમિલ શૈવ સંત કવિ હતા જે ચૌદમી શતાબ્દીમાં ભારતના તમિલનાડુમાં રહેતા હતા. 'એ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લિટરેચર' માં એક ઇન્ડોલોજિસ્ટ કામિલ ઝવેલેબિલ અરુણગિરિનાથરના સમયને લગભગ ઇ.સ. ૧૩૭૦ અને ૧૪૫૦ની વચ્ચેનો મૂક્યો છે. તેમણે તિરુપ્પુકલ ગ્રંથની રચના કરી હતી. જે તમિલ ભાષામાં છે અને ભગવાન મુરુગનની પ્રશંસા-ગુણગાન રૂપે લખાયેલો છે. 'તિરુપ્પુકલ' શબ્દનો અર્થ થાય છે - પવિત્ર સ્તુતિ અથવા દિવ્ય મહિમા.
અરૂણગિરિનાથરનો જન્મ સેનગુંથા કૈકોલર પરિવારમાં ૧૪ મી શતાબ્દીમાં વિજયનગર સામ્રાજ્યના એક શહેર તિરુવન્નામલાઈ માં થયો હતો. એમના પિતાનું એમના જન્મ પછી તરત મરણ થઈ ગયું હતું અને એમની ધર્મ પરાયણ માતા અને બહેને એમને ધર્મવિષયક જ્ઞાન આપ્યું હતું. એવી દંતકથાઓ છે કે અરૂણગિરિનાથર યુવાવસ્થામાં દેહના સુખો તરફ આકર્ષિત હતા, વિષય વાસનામાં ડૂબેલા રહેતા હતા અને વારંવાર દેવદાસીઓને મળવા જતા હતા. તેમની બહેન જે કમાતી હતી તે બધું તેમના ભાઈને ખુશ કરવા આપી દેતી હતી અને ભાઈ અરૂણગિરિનાથર તેને ભોગ વિલાસમાં ઉડાવી દેતો. તેને યુવાવસ્થામાં કુષ્ઠ રોગ પણ થઈ ગયો હતો.
એક એવો સમય આવ્યો જ્યારે તેમની બહેન પાસે અરૂણગિરિનાથરના ભોગવિલાસની માગણીઓ પૂરી કરવા સહેજ પણ ધન બચ્યું નહીં. અરૂણગિરિનાથરે કહ્યું કે તે આ કારણથી આત્મહત્યા કરી નાંખશે. તેને આત્મહત્યા કરતો રોકવા તેની બહેને કહ્યું - તારે પૈસા જોઈતા હોય તો હવે એક જ રસ્તો છે. તું મને વેચી દે અને પૈસા મેળવી લે. મારી જાત સિવાય હવે મારી પાસે કશું રહ્યું નથી. આ સાંભળી અરૂણગિરિનાથરને અહેસાસ થયો કે તે કેટલો સ્વાર્થી અને પતિત થઈ ગયો છે. તે ત્યાંથી જતો રહ્યો અને પોતાના કુકૃત્યો બદલ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એવું કહેવાય છે કે તેણે એક મંદિરના શિખર પરથી કૂદીને આત્મહત્યા કરવા જતો ત્યારે ભગવાન કાર્તિકેયે તેને રોકી લીધો હતો. એનો કુષ્ઠ રોગ પણ મટાડી દીધો હતો. તેને ધર્મ પરાયણતા, માનવ કલ્યાણ અને સદાચારનો માર્ગ બતાવ્યો હતો અને ભક્તિગીત રચવાનું સામર્થ્ય પ્રદાન કરી તેને દીક્ષા આપી હતી.
દક્ષિણમાં ભગવાન કાર્તિકેયને સુબ્રમણ્ય, સ્કંદ, ષણ્મુખ, મુરુગન નામથી પણ ઓળખવામાં આવે છે. અરૂણગિરિનાથરે આત્મહત્યાના પ્રયાસ વખતે ચમત્કારિક બચાવ થયો ત્યારે તિરુવન્નામલાઈમાં એમનું પ્રથમ ગીત 'મુથઈ થારુ' ગાયું. તેમણે આખા દક્ષિણ ભારતના મંદિરોના દર્શન કર્યા અને ૧૬,૦૦૦ ગીતોની રચના કરી. એમાંથી અત્યારે લગભગ ૧૩૩૪ જેટલા જ ઉપલબ્ધ છે. એમના ગીતો સદ્ગુણ અને ધાર્મિકતાના જીવનનો માર્ગ બતાવે છે. એમના ગીતો સંગીતમય પૂજા માટે ઉપયોગી થયા છે. તેમને સંગીત અને લયનું ઊંડું જ્ઞાન હતું. એમની રચનાઓમાં વિભિન્ન રાગો અને તાલોનો ઉલ્લેખ કર્યો છે. એવું કહેવાય છે કે એમની પ્રસિદ્ધિએ રાજ્યના રાજાના હૃદયમાં ઇર્ષા ઉત્પન્ન કરી. તેણે અરૂણગિરિનાથર પર અંધશ્રદ્ધા ફેલાવાના આરોપો લગાવ્યા. રાજાએ હજારો લોકોની એક સાર્વજનિક સભાનું આયોજન કર્યું અને અરૂણગિરિનાથરને એ બધાની સમક્ષ મુરુગનના અસ્તિત્વને સાબિત કરવાનો આદેશ આપ્યો. જો તે તેમ નહીં કરી શકે તો તેને મૃત્યુ દંડ આપવામાં આવશે અને એવી પણ ઉદ્ઘોષણા કરી. અરૂણગિરિનાથરે જરાય પણ ગભરાયા વિના ભગવાન મુરુગન પર પૂર્ણ શ્રદ્ધા રાખી એમના ગુણગાન કરતાં ભક્તિમય સ્તુતિ ગીતો ગાવાના શરૂ કરી દીધા. થોડો સમય વીત્યો હશે ત્યાં જ એ હજારો લોકોની સામે ચમત્કાર થયો. ભગવાન મુરુગન બાળ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા જેમના તે તમામ લોકોએ દર્શન કર્યા. ભગવાન કાર્તિકેયે સ્વયં પ્રગટ થઈ પોતાનું અસ્તિત્વ પુરવાર કર્યું. એ રીતે ભગવાને અરૂણગિરિનાથરનું જીવન બચાવી લીધું.
એમના થકી અનેક ચમત્કારો થયા. આવા એક ચમત્કારનાં પરિણામ રૂપે તે શુરૂપ બની ગયા હતા. ભગવાન કાર્તિકેયના ભક્તોનો એવો વિશ્વાસ ધરાવે છે કે એ જ શુક રૂપે અત્યારે પણ તે ભગવાન કાર્તિકેયની જમણી તરફ બિરાજમાન થઈ મધુર કીર્તિગાન (તિરુપ્પુકલ) ગાઈ એમની વંદના કરે છે. ભક્તો એવી માન્યતા ધરાવે છે કે જે આ તિરુપ્પુકલ ગીતોનો પાઠ કરે છે તે ભગવાન કાર્તિકેયની કૃપાને પાત્ર બની જાય છે.
- દેવેશ મહેતા