
- મેનેજમેન્ટ
- જગતને એક તાંતણે બાંધી રાખવા માટે બનેલું સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવું સંગઠન બેઅસર બની ગયું છે. વિશ્વમાં એક્તાનો અભાવ સ્પષ્ટ વર્તાય છે
જગતની ઘણી કંપનીઓએ વૈશ્વિક બજારો પોતાની પ્રોડક્ટસ માટે ઊભા કર્યા છે પરંતુ જગતના રાષ્ટ્રો હજી એક થઈ શક્યા નથી. જગતનું મેનેજમેન્ટ તદ્દન નીચી કક્ષાનું છે. જગતની કંપનીઓને ઉત્તમ મેનેજમેન્ટ કરતાં આવડી ગયું છે પરંતુ રાજકારણીઓએ જગતને પાયમાલ કરી નાખ્યું છે.
વૈશ્વિક મેનેજમેન્ટમાં રાજકારણીઓ નાપાસ: જગતના કમનસીબે માનવજાતને હજી વિશ્વનું મેનેજમેન્ટ કરતા આવડયું નથી. રાષ્ટ્રો અંદર અંદર લડે છે. અન્ય રાષ્ટ્રોના પ્રદેશો પચાવી પાડે છે, એકબીજા પર જાસૂસી કરે છે અને આતંકવાદને ઉત્તેજન આપે છે. રાષ્ટ્રવાદ જ્યારે આંતરાષ્ટ્રવાદમાં પલટાઈ જાય ત્યારે અમારૂં રાષ્ટ્ર જગતનું શ્રેષ્ઠ રાજ્ય છે અને અમારા રાષ્ટ્રનો ધર્મ (ખ્રીસ્તી, બુદ્ધીસ્ટ, હિન્દુ કે ઈસ્લામી) જગતનો શ્રેષ્ઠ ધર્મ છે. અમારી સમાજ રચના જગતની શ્રેષ્ઠ સમાજ રચના છે તેમ દાવો કરે છે. આવી નાર્શીસીસ્ટક (અત્યંત આત્મપ્રેમ) ભ્રમણાઓ કે આભાસો દ્વારા પોતાના નાગરીકોને ભ્રામિત કરે છે. સફળ કંપનીની મેનેજમેન્ટ, ગ્રાહકો, કર્મચારીઓ, મેનેજરો, શ્રમીકો વચ્ચેની કોન્ફલીકટસ જરાપણ ચલાવી ના લે. જગતના રાષ્ટ્રો પરસ્પર લડ્યા કરે છે. જગતના ઘણા રાષ્ટ્રો માનવ અધિકારોનો છડેચોક ભંગ કરે છે છતાં જે રાષ્ટ્રોમાં લોકશાહી છે તેઓ ભેગા થઈને સામ્યવાદી રશિયા, સામ્યવાદી ચીન અને સામ્યવાદી ઉત્તર કોરિયાના જીવનભરના સત્તાખોર બની ગયેલા (શી જીનપીંગ, પુટીન અને કીમજોગને) એમ ના કહી શકે કે ભલે તમે સામ્યવાદી શાસનમાં માનો છો પરંતુ જીવનભરની સત્તા પર ચઢી બેસવાની તમારી કોઈ હેસિયત નથી.
જગતને એક રાખવા માટે સર્જાયેલું યુએનઓ ફારસરૂપ સંસ્થા બની ગઈ છે. તે જગતના રાષ્ટ્રોને જરાપણ કાબુમાં રાખી શકી નથી, યુએનઓને વિશ્વમાં શાંતિ રાખતા જરાપણ આવડયું નથી તે જગતની ટોકીંગ કરતી બબડાટ કરતી ચર્ચામંડળી બની ગઈ છે. તેના ઠરાવોનો મોટેભાગે અમલ થતો નથી.. સામ્યવાદી દેશો તો યુનોની હાંસી ઉડાવે છે. યુનો વિશ્વનું મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ ગયું છે. યુનો એક ટોકીંગ કલબ બની ગયું છે. તેના ઠરાવોને જગતના રાષ્ટ્રો પાળતા નથી તેમાં અનેક વાંધાવચકા રજૂ કરે છે. આટલા વર્ષો પછી પણ યુનો કાશ્મીરની સમસ્યાને કયા ઉકેલી શક્યું છે ? જગતના જાતે બની બેસેલા ક્રૂર સત્તાધીશો કે પુટીન અને કીમજોગ અને શી જીનપીંગ જેવા જીવનભરની સત્તા ભોગવતા ડીક્ટેટર્સ સામે ક્યા કોઈ પગલાં લઈ શક્યું છે. યુક્રેન પર રશિયાના હૂમલાને કયા ખાળી શક્યું છે? આતંકવાદનો ક્યા નાશ કરી શક્યું છે? જગતના કરડોને હજી સુચારૂ અને સર્વને લાભ થાય તે પ્રકારની મેનેજમેન્ટ કરવાનું આવડયું નથી. દરેક રાષ્ટ્રની તોછડી સોવરેનીટી યુનોની આડે આવે છે.
સમગ્ર જગતનું મિસમેનેજમેન્ટ
જગતના તમામ વાદ એટલે કે સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, નીપોલીબરાલીઝમ, હિન્દુ ધર્મના વિચારોથી લથપથ સર્વોદયવાદ કે ભૂદાન કે સાયન્ટીફીક સોશીયાલીઝમની અહંકારી વિચારસરણી કે કલ્યાણરાજ્યો જગતમાં આવક અને સંપત્તીના દેશોની અંદર મત દેશો વચ્ચેની અસમાનતા દૂર કરી શક્યા નથી. કથિત પ્રોલેટરીમન રીવોલ્યુને શ્રમીકોના પગ પરની બેડીઓ તોડી નથી પણ નાગરીકો પર બેડીઓ નાખી છે. ટૂંકમાં ભવ્ય આદર્શો છતાં દુનિયાનો દરેક વાદ (જગતના ધર્મો સહિત) માનવ જગતમાં આર્થિક સમાનતા (સંપત્તી અને આવકની) લાવવામાં નિષ્ફળ નીવડયો છે. જગતના સંચાલન (મેનેજમેન્ટ)માં આ એક મોટી ત્રૂટી ગણાય.
ફીલોસોફર બટ્રાન્ડ રસેલે વર્ષો પહેલા વનવર્લ્ડ-વન ગર્વનમેન્ટની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તે માટે ઘણા લેખો લખ્યા. ઝુંબેશો ઉઠાવી પણ જગતના રાષ્ટ્રો સ્વહિતમાં એટલા રચ્યા પચ્યા છે કે વનવર્લ્ડ, વન ગર્વન્મેન્ટનો વિચાર હવામાં ઊંડી ગયો છે. જગત અત્યારે 'માય કન્ટ્રી ઈઝ ધ ગ્રેટેસ્ટ કન્ટ્રી ઈન ધ વર્લ્ડ' અને 'માય રીલીજીયન ઈઝ ધ બેસ્ટ રીલીજીયન ઈન ધ વર્લ્ડ'ના આભાસી વિચારમાં ફસાયેલું છે. દુનિયાનો દરેક ધર્મ પણ 'ડીલ્યુઝનલ' માન્યતાઓમાં ફસાઈ ગયો છે. આથી જગતનું મેનેજમેન્ટ કોઈપણ સફળ કંપનીના મેનેજમેન્ટ જેટલું પણ અસરકારક નથી. સામ્યવાદ અને સમાજવાદ નિષ્ફળ જતા અને મૂડીવાદ લોભિયો સાબીત થતા જગતમાં ધાર્મિક પુનરૂત્થાનનું પ્રચંડ મોજું ફરી વળ્યું છે. ભારત તેનું શ્રેષ્ઠ (કે કનીષ્ઠ) ઉદાહરણ છે. દુનિયાનો દરેક ધર્મ આભાસી (ઈલ્યુઝનરી) છે અને ધાર્મિક માન્યતાઓ ભ્રમણાત્મક (ડીલ્યુઝનરી) છે તે વાતની ખાતરી ભારતના ચાર્વાકને, મેક્સિમને રસેલ બટ્રાન્ડ રસેલને, એમએનરોયને, વગેરેને હતી પરંતુ ભારતમાં ચાર્વાકનો અને જગતમાં સમાનતાના આર્દશોનો પરાજય થયો છે.
- ધવલ મહેતા