Microsoftની 50મી વર્ષગાંઠ સમારોહમાં મંચ પર ભારતીય મૂળની અમેરિકન સોફ્ટવેર એન્જિનિયરના સવાલથી હાહાકાર મચ્યો હતો. તેણે વિશ્વની ટોપ ટેક કંપનીના ત્રણ દિગ્ગજો સત્ય નડેલા, સ્ટીવ બોલમર અને બિલ ગેટ્સને ગાઝામાં થયેલા નરસંહારમાં ટેક્નિકલ સહાય આપવાનો મુદ્દો ઉઠાવતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં. તેણે આરોપ મૂક્યો હતો કે, ગાઝાની ધરતી લોહીથી લથબથ થઈ છે. એવામાં આપણે ઉજવણી કેવી રીતે કરી શકીએ. જ્યારે આપણે જ પોતે આ નરસંહાર માટે જવાબદાર છીએ.
માઈક્રોસોફ્ટના હેડક્વાર્ટરમાં ઉત્સાહનો માહોલ ગમગીન બન્યો હતો, જ્યારે સોફ્ટવેર એન્જિનિયર વાનિયા અગ્રવાલે મંચ પર બેઠેલા સીઈઓ સત્ય નડેલા, પૂર્વ સીઈઓ સ્ટીવ બોલમર અને કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પર ગાઝામાં થઈ રહેલા નરસંહાર માટે માઈક્રોસોફ્ટની ટેક્નોલોજીને જવાબદાર ઠેરવતાં આકરો વિરોધ નોંધાવ્યો હતો. વાનિયાએ કહ્યું કે, "શરમ કરો, પેલેસ્ટાઈનમાં 50,000થી વધુ મોત થયા, માઈક્રોસોફ્ટની ટેક્નોલોજીના કારણે, તેમના લોહી પર આ ઉજવણી, ઈઝરાયલ સાથે સંબંધ તોડો." વાનિયાની દલીલ બાદ તેને સમારોહમાંથી બહાર લઈ જવામાં આવી હતી. જોકે, સમારોહમાં હાજર તમામ લોકો આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા હતા.
એન્જિનિયરના વિરોધ વચ્ચે ગેટ્સનું સ્મિત
વાનિયા અગ્રવાલના આ વિરોધ વચ્ચે મંચ પર બેઠેલા બિલ ગેટ્સે સ્મિત સાથે પોતાની વાતચીત ચાલુ રાખી હતી. વાનિયાએ આ વિરોધ નોંધાવ્યા બાદ રાજીનામું આપી દીધું છે. તેણે સ્પષ્ટતા કરી કે, 11 એપ્રિલે તેનો માઈક્રોસોફ્ટમાં અંતિમ દિવસ રહેશે. રાજીનામાની સાથે તેણે કંપનીને ડિજિટલ હથિયારોની નિર્માતા ગણાવી છે. તેણે કહ્યું કેસ કંપનીની ક્લાઉડ સેવાઓ અને એઆઈ ટેક્નોલોજીના કારણે ઈઝરાયલની ઓટોમેટેડ અપાર્થેડ અને જનસંહાર મશીનરી મજબૂત બની છે.
રાજીનામાં પત્રમાં કર્યા આરોપ
વાનિયાએ રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, આપણે કોને સશક્ત બનાવી રહ્યા છીએ. અત્યાચારીઓને... યુદ્ધ અપરાધીઓને? માઈક્રોસોફ્ટ હવે એક એવું પ્લેટફોર્મ બની ચૂક્યું છે. જે દેખરેખ, જાતિભેદ અને નરસંહારને તાકાત આપે છે. આ કંપનીનો હિસ્સો બની આપણે બધા પણ તેમાં ભાગીદાર બન્યા છીએ. ઉલ્લેખનીય છે, વાનિયા પહેલા એક કર્મચારી ઈબ્તિહાલ અબૂસ્સાદે પણ માઇક્રોસોફ્ટના એઆઈ પ્રમુખ મુસ્તફા સુલેમાનને મંચ પર જ 'યુદ્ધના સોદાગર' કહ્યા હતા.