આજના દિવસે પાંચ વર્ષ પહેલા, સુશાંત સિંહ રાજપૂત પોતાના પરિવાર અને કરોડો ફેન્સને રડતા છોડીને આ દુનિયામાંથી ચાલ્યો ગયો હતો. આજે, અભિનેતાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે, તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, તેણે તેના સ્વર્ગસ્થ અભિનેતા-ભાઈને યાદ કર્યો. શ્વેતાએ જણાવ્યું કે સુશાંત હજુ પણ આપણા હૃદયમાં જીવંત છે અને દરેકને અપીલ કરી કે તેના નામનો ઉપયોગ કરીને ક્યારેય નકારાત્મકતા ન ફેલાવો.
બહેને સુશાંત સિંહની પુણ્યતિથિ પર વીડિયો શેર કર્યો
તેની પોસ્ટના કેપ્શનમાં, શ્વેતાએ વીડિયોમાં કહેવામાં આવેલી વાતો પણ લખી છે. તેણે લખ્યું, "આજે ભાઈની 5મી પુણ્યતિથિ છે, 14 જૂન 2020ના રોજ તેના અવસાન પછી ઘણું બધું બન્યું છે. હવે CBI એ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે અને અમે તેને મેળવવાની પ્રક્રિયામાં છીએ. પરંતુ આજે હું કહેવા માંગુ છું કે ગમે તે થાય, હિંમત ન હારશો અને ભગવાન કે ભલાઈમાં વિશ્વાસ ન ગુમાવશો. હંમેશા યાદ રાખો કે આપણો સુશાંત કઈ વસ્તુઓ માટે ઉભો હતો... શુદ્ધતા, જીવન અને શીખવા માટેનો અદમ્ય ઉત્સાહ, પ્રેમથી ભરેલું હૃદય જે દરેક સાથે સમાન વર્તન કરવામાં અને દાન કરવામાં માનતો હતો. તેનું સ્મિત અને તેની આંખોમાં નિર્દોષતા કોઈપણના હૃદયમાં છલકાતા પ્રેમને જાગૃત કરી શકે છે. તે આપણો સુશાંત હતો. આપણે તેના માટે ઉભું રહેવાનું છે."
'ભાઈ ક્યાંય નથી ગયો'
તેણે આગળ ઉમેર્યું, "ભાઈ ક્યાંય નથી ગયો... તે તમારામાં, મારામાં, આપણા બધામાં છે. જ્યારે પણ આપણે પૂરા હૃદયથી પ્રેમ કરીએ છીએ, જ્યારે પણ આપણી અંદર જીવન પ્રત્યે બાળક જેવી નિર્દોષતા હોય છે, જ્યારે પણ આપણે કંઈક વધુ શીખવા માટે તૈયાર હોઈએ છીએ, ત્યારે આપણે તેને જીવંત કરીએ છીએ. ક્યારેય પણ નકારાત્મક લાગણીઓ ફેલાવવા માટે ભાઈના નામનો ઉપયોગ ન કરો... તેને આ નહીં ગમે."
તેણે આગળ લખ્યું છે, "જુઓ કે તેણે કેટલા હૃદય અને મનને સ્પર્શ્યા અને પ્રભાવિત કર્યા... તેનો વારસો ચાલુ રહેવા દો... એક સળગતી મીણબત્તી બનો જે તેનો વારસો ચાલુ રાખવા માટે અન્ય મીણબત્તીઓ પ્રગટાવે છે. કોઈપણ મહાન વ્યક્તિનો વારસો તેમના ગયા પછી હંમેશા વધે છે... ખબર છે કેમ? કારણ કે તેના વ્યક્તિત્વનું મેગ્નેટીઝમ ભવિષ્યની પેઢીઓના મનમાં બીજ વાવે છે અને તેમને પ્રભાવિત કરે છે."
સુશાંત મુંબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ તેના મુંબઈના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. કેટલાક લોકોએ તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ તેના મૃત્યુ પાચલ કોઈનો હાથ હોઅવનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી તેની બહેન ન્યાય માટે લડી રહી છે. માર્ચ 2024માં, શ્વેતાએ એક વીડિયો સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેના અભિનેતા-ભાઈના મૃત્યુના સંદર્ભમાં CBI તપાસ પર વિચાર કરવા વિનંતી કરવામાં આવી હતી. પોતાના નિવેદનમાં, તેણે દલીલ કરી હતી કે વડાપ્રધાન મોદીની મદદ માત્ર તપાસને ઝડપી નહીં બનાવે, પરંતુ શોકગ્રસ્ત હૃદયને પણ રાહત આપશે.