
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'સિકંદર' સાથે મોટા પડદા પર પાછો ફરવા જઈ રહ્યો છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન, સલમાને માત્ર ફિલ્મ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો જ શેર નથી કરી, પરંતુ ઘણા વિવાદો અને ફેન્સની અપેક્ષાઓ પર પણ ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સલમાન કોઈ વિવાદ નથી ઈચ્છતો
જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે શું દરેક ફિલ્મ સાથે વિવાદો એક ટ્રેન્ડ બની ગયો છે? ત્યારે તેણે તેનો સીધો અને સ્પષ્ટ જવાબ આપ્યો હતો. સલમાને કહ્યું, "અરે ભાઈ, અમને કોઈ વિવાદ નથી જોઈતો. અમે ઘણા વિવાદોમાંથી પસાર થયા છીએ. અમને કોઈ વિવાદ નથી જોઈતો." તેણે કહ્યું કે વિવાદો દ્વારા કોઈ પણ ફિલ્મ હિટ ન થઈ શકે. સલમાને ઉમેર્યું, "અમે જોયું છે કે ક્યારેક ફિલ્મની રિલીઝમાં પણ વિલંબ થાય છે, જેમ કે શુક્રવારથી મંગળવાર સુધી."
સલમાને સ્પષ્ટ કર્યું કે તે 'સિકંદર' સાથે પણ કોઈ વિવાદ નથી ઈચ્છતો. તેણે કહ્યું, "હજુ પણ સમય છે ભાઈ. ત્રણ-ચાર દિવસ વધુ જવા દો, ફિલ્મ રિલીઝ થવા દો, અમે તે પછી પણ કોઈ વિવાદ નથી ઈચ્છતા." પોતાની ફિલ્મ વિશે વાત કરતા સલમાને વધુમાં કહ્યું કે આ ફિલ્મમાં દર્શકો માટે ટ્રેલર કરતાં ઘણું બધું છે. તેણે કહ્યું, "આ ફક્ત સાડા ત્રણ મિનિટનું ટ્રેલર છે. જ્યારે તમે 2 કલાક 25 મિનિટની ફિલ્મ જોશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ટ્રેલરમાં કંઈ જ નહતું. અમે ટ્રેલરમાં બધું નથી દેખાડી શકતા. ફિલ્મમાં ઘણું બધું છે જે તમને ગમશે. એક્શન ફિલ્મમાં લાગણીઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
સલીમ ખાન ટ્રેલર લોન્ચમાં કેમ ગયા?
ફિલ્મના નિર્માતા અને પિતા સલીમ ખાન વિશે વાત કરતા તેણે કહ્યું કે, ફિલ્મના ટ્રેલર લોન્ચ સમયે તેમનું સાથે હોવું એ ભાવનાત્મક ક્ષણ હતી. સલમાને કહ્યું, "તેમણે જે પ્રેમ અને આદર મેળવ્યો છે તે હજુ પણ અકબંધ છે. જ્યારે હું ટ્રેલર લોન્ચમાં જવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ પણ મારી સાથે આવશે. અમારો આખો પરિવાર પપ્પા તરફ જોઈ રહ્યો હતો અને કહી રહ્યો હતો કે તમને શું થયું છે? જ્યારે તેઓ ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ આઠથી દસ સીડી ચઢીને બેસવા ગયા. તેઓ પ્રેસની પ્રતિક્રિયા જોવા માંગતા હતા."
ફિલ્મની કાસ્ટ
'સિકંદર' નું દિગ્દર્શન એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલા તેઓ 'ગજની' અને 'હોલિડે' જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો સલમાન ખાન અને રશ્મિકા મંદાન્ના સાથે કાજલ અગ્રવાલ, શરમન જોશી અને સત્યરાજ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.