ટી20 ક્રિકેટનું વર્ષ 2024 ખૂબ ખાસ થવા જઈ રહ્યું છે. આ વર્ષે જૂન મહિનામાં ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. 20 ટીમોની વચ્ચે આ ટુર્નામેન્ટ રમાવાની છે. ઘણી ટીમોએ આ માટે પોતાની સ્કવોડનું એલાન પણ કરી દીધું છે. આ વચ્ચે ચાહકો માટે વર્લ્ડ કપ પહેલા એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ટી20 ક્રિકેટના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં એક કોલિન મુનરોએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટનું એલાન કરી દીધું છે. આગામી ટુર્નામેન્ટ માટે ન્યૂઝીલેન્ડની સ્કવોડમાં પસંદગી ન થવા બાદ તેણે આ નિર્ણય કર્યો છે. મુનરોએ વર્ષ 2020 બાદથી ન્યૂઝીલેન્ડ માટે એક પણ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. તેમ છતાં તેણે પોતાને વર્લ્ડ કપ માટે તૈયાર ગણાવ્યો હતો. આ સિવાય બોર્ડ તેના નામ પર વિચાર પણ કરી રહ્યું હતું.

