IPL 2025ની 19મી મેચમાં, ગુજરાત ટાઈટન્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. કેપ્ટન શુભમન ગિલની અડધી સદી અને મોહમ્મદ સિરાજની બોલિંગના આધારે ગુજરાતની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવવામાં સફળ રહી. આ સાથે ગુજરાતની ટીમે જીતની હેટ્રિક લગાવી છે. બીજી તરફ, હૈદરાબાદની ટીમને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. આ હૈદરાબાદની ઘરઆંગણે બીજી મોટી હાર છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 152 રન જ બનાવી શક્યું હતું. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ IPLમાં સિરાજનો બેસ્ટ સ્પેલ હતો. SRHના 152 રનના જવાબમાં, ગુજરાતે 17મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. કેપ્ટન ગિલે શાનદાર અડધી સદી ફટકારી અને અણનમ રહ્યો હતો.

