Home / GSTV શતરંગ / Jay Vasavada : A film that says 'stop' to the tension that makes you race even on vacation!

શતરંગ / વેકેશનમાં પણ રેસના ઘોડા બનાવી દેતા ટેન્શનને 'સ્ટોપ' કહેતી ફિલ્મ!

શતરંગ / વેકેશનમાં પણ રેસના ઘોડા બનાવી દેતા ટેન્શનને 'સ્ટોપ' કહેતી ફિલ્મ!

- આજની મોજમાં જીવે તે માસૂમ બચપણ, અને આવતીકાલની ચિંતામાં જીવન ગુજારતી થાય એ પુખ્ત વયની વ્યક્તિ!

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેરી : ભગવાન છે ?

ફ્રેન્ક : ખબર નહિ.

મેરી : અરે મારે જાણવું છે...

ફ્રેન્ક : હું જાણતો હોત પાક્કું, તો નક્કી કહેત. પણ હું સાચે જ નથી જાણતો. ખરેખર તો આ બાબતે કોઈ નથી જાણતું !

મેરી : આપણી પાડોશણ રોબર્ટાને ખબર છે.

ફ્રેન્ક : ના, રોબર્ટા પાસે શ્રધ્ધા છે. અને આસ્થા હોવી એ પણ બહુ મોટી બાબત છે. પણ શ્રધ્ધા એટલે તમે જે વિચારો છો, અનુભવો છો, ફીલ કરો છો એ. એનો મતલબ એ નહિ કે તમે સત્ય જાણો છો.

મેરી : તો જિસસનું શું ?

ફ્રેન્ક : પ્રેમ કરવા જેવો મસ્ત માનવી હતો. એ કહે એમ કરવામાં કોઈ વાંધો નથી.

મેરી : પણ એ ભગવાન છે ?

ફ્રેન્ક : હું નથી જાણતો. મારો આ બાબતે એક અભિપ્રાય ચોક્કસ છે. પણ એ મારો અભિપ્રાય છે, મને જડેલું સત્ય છે. હું ખોટો પણ હોઈ શકું. તો મારે શું કામ તારા અભિપ્રાય પર છવાઈ જવું જોઈએ ? તારી પાસે ભેજું છે. એનો ઉપયોગ કર. તારો અભિપ્રાય બનાવ. પણ જે સાચું લાગે એ માનવામાં ગભરાતી કે અચકાતી નહિ !

મેરી : હૂંહ ટીવીમાં કોક માણસ કહેતો હતો કે ભગવાન હોય જ નહિ.

ફ્રેન્ક : ટીવીમાં દેખાતા નાસ્તિકો અને રોબર્ટા જેવા સ્વજનોમાં ફરક એ છે કે રોબર્ટા તને પ્રેમ કરે છે. એ આપણને મદદ કરવાની કોશિશ કરે છે. એક વાત તને કહું, કોઈ પણ રીતે છેલ્લે બધા ભેગા થવાના જ હોઈએ છીએ. આ પૂછવું છે ને તારે ?

મેરી : હા.

ફ્રેન્ક : તો પછી હવે આ બધું પડતું મૂકીને કંઈક બીજી ચિંતા કરવા જેવી બાબત શોધ, બરાબર ?

કેવો સરસ સંવાદ છે ? એટલી જ સુંદર રીતે ભજવાયો છે. અહીં મેરી સાત વર્ષની પણ એકદમ જીજ્ઞાસુ સુપર ઈન્ટેલીજસ્ટ એવી ટેણી છે, ને ફ્રેન્ક એનો લાગણીશીલ, હોંશિયાર અને મક્કમ મનનો સગો મામો છે. મામા-ભાણેજ વચ્ચે આવી વાત એટલે થાય છે કે મેરીને માએ નહિ, મામાએ જ ઉછેરી છે. આખો સંવાદ એક ફિલ્મમાંથી છે. જેનું નામ છે : ગિફ્ટેડ. ૨૦૧૭ની આ નાનકડી ફિલ્મ આમ તો ખોવાઈ ગઈ, પણ છે એવી કે પૂરી થાય તો એમ થાય કે હજુ થોડીક વધુ ચાલી હોત તો મજા આવત ! મેરીનો રોલ ટેલેન્ટેડ મકેના ગ્રેસે (ઘોસ્ટબસ્ટર્સ, યંગ શેલ્ડન) લાજવાબ કર્યો છે, ને કેપ્ટન અમેરિકા ક્રિસ ઇવાન્સ ફ્રેન્કના રોલમાં પરફેક્ટ ફિટ છે.

જોકે ફિલ્મ પર એના ડાયરેક્ટર માર્ક વેબનો સ્ટેમ્પ છે. જેની સ્નો વ્હાઇટ હમણા એકદમ કંડમ હતી એ જ. એમને મોટા બજેટના મૂવીઝ ફાવતા નથી કદાચ. એમેઝિંગ - સ્પાઇડરમેનના બે ભાગનું અમુક સરસ સિકવન્સ છતાં અકાળે ઉઠમણું થઈ ગયેલું, એ પણ એમની હતી. પણ વન ઓફ ધ બેસ્ટ રોમેન્ટિક ફિલ્મ એવર 'ફાઈવ હન્ડ્રેડ ડેઝ ઓફ સમર' એમની હતી. રિલેશનશિપના, વાતચીતમાં, સિચ્યુએશનમાં કશુંક દિમાગી ખાતર મળે, ઈન્ટેલીજન્સ સ્ટીમ્યુલેશન થાય એવી ફિલ્મો એમને ફાવે છે.

તો આ ફિલ્મ 'ગિફટેડ'ની જરા માંડીને વાત કરવી છે, એટલે સ્પોઈલર એલર્ટ. ના, કોઈ કળાની વાત નથી કરવી. એડાલસન્સના નામે વેંચવામાં આવતી ક્રાઇમ સ્ટોરી પણ નથી આ. ફિલ્મમાં લાંબા લાંબા ઉપદેશો નથી. સંદેશ છે, એ સંબંધો અને ઘટનાઓમાંથી જાતે ગ્રહણ કરીને તારવી લેવાનો છે. પણ એજ્યુકેશન, પેરન્ટિંગ કે સોશ્યલ લાઈફની જરાક પણ દરકાર હોય તો મગજમાં મોરપીંછ ફેરવે એવી કલાસિક ફિલ્મ છે. શીખવા સમજવા જેવી. શેરડીના રસના ચિચોડાવાળા જેમ છેલ્લું છોતરું પણ નિચોવી કાઢે, એમ બાળપણના નિર્દોષ કૂતુહલને ખતમ કરીને વેકેશનને પણ સેલ્ફ ડેવલપમેન્ટ કે ફ્યુચર કરિઅરના નામે ચૂસી લેવા માંગતા લોકોએ ખાસ ટેકસ્ટબૂકની જેમ જોવા જેવી. પોતાના સંતાનોની ટેલન્ટ બાબતે ઉછળી ઉછળીને વાતો કરનારા, સતત એના માટે એને પ્રમોટ કરનારા 'પુશી' પેરન્ટસ માટે પણ પાઠ ભણવા જેવી. શિક્ષણને ટોપર્સની ટેલન્ટ હન્ટ માનતા મિત્રોએ પણ ધડો લેવા જેવી.

તો શું પ્લોટ છે ગિફટેડનો ? એનો સાર લખ્યા વિના આગળની ચર્ચા થઈ શકે એમ નથી. ફિલ્મમાં તો વાર્તા રહસ્યના પડદા એક પછી એક ખુલે એમ ધીરે ધીરે ઉઘડે છે. પણ આપણે સિમ્પલ લિનિયર સ્ટ્રકચર નેરોટીવમાં લખીએ. તો વાત એમ છે કે ફ્રેન્ક ખુદ તેજસ્વી છે, બોસ્ટનમાં રજનીશની જેમ ફિલ્મોસોફીનો અધ્યાપક રહી ચૂક્યો છે. સાયન્સમાં પણ એને જન્મજાત રસ છે. પણ એનો જીવન જીવવાનો અભિગમ આર્ટિસ્ટિક છે. એને લીધે એનો કાયમી સંઘર્ષ એની માતા ઈવલીન સાથે ચાલે છે. જે અમીર છે. સ્વભાવે પેલા મોહબ્બતેના નારાયણ શંકર જેવી અનુશાસનપ્રિય અને કડક છે. એને સતત દુનિયાને ઈમ્પ્રેસ કરવાની, બેસ્ટ હોવાનું બતાડવાની કાયમી ભૂખ છે. દરેક નેતા કે ગુરૂ સાત્વિકતાના નામે એજ્યુકેશનને આગળ કરે છે, પણ 

ઈમેજીનેશનનું શું?

ફ્રેન્કની મેધાવી, જિનિયસ કહી શકાય એવી બહેન હતી. ડિયાન. (ડાયન બોલાય પણ આપણે ત્યાં અર્થ ફરી જાય !) મિલેનિયમ મેથ્સ પ્રોબ્લેમમાં જે ગણાય એવો નેવિઅર સાકસ મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એવી ગિફ્ટેડ. ટેલેન્ટેડ તો ઘણા હોય. આ તો ગિફટેડ. કુદરતી બક્ષિસ સાથે જન્મેલી. શ્રીમંત અને મહાત્વાકાંક્ષી માતા કન્ટ્રોલ ફ્રીક હતી, એટલે પતિ સાથે પણ ભળ્યું નહોતું. એ ઈચ્છતી હતી કે ડિયાન સ્પેશ્યલ છે, તો જમાનાથી અલગ રહે. હળેભળે નહિ. કોઈ સાથે અને પોતાની પ્રતિભા પર જ ફોક્સ રાખે.

ડિયાનને એમાં ગૂંગળામણ થતી હતી. ઘર કેદખાનું લાગતું હતું. એને કુદરતી આકર્ષણ એક છોકરા સાથે થયું ને ફરવા ગઈ તો માએ કિડનેપિંગનો કેસ કરાવવાની ધમકી આપી પેલા પ્રેમીને ભગાડી દીધો. ડિયાન મોટી થઈ એમ બળવાખોર થઈ. મા સાથે ઝગડીને મેથેમેટિક્સનું ફિલ્ડ જ છોડી દીધું. આપઘાતના પ્રયાસો કર્યા. માનસિક હાલત સ્થિર ના રહી. લોકો સાથે હળવુંભળવું, વાત કરવી, મજાકમસ્તી, હરવું ફરવું, ખાણીપીણી સિનેમા સ્પોર્ટસ જેવા શોખ એને ફાવ્યા નહિ. ખુદને મિસફિટ અનુભવવાને લીધે હતાશ થઈ ગયેલી એ. નોર્મલ બચપણ એને મળ્યું નહોતું. જીવનની નાની નાની ખુશીઓ માણવી કેમ એની ખબર નહોતી. ડિપ્રેશનમાં કોઈ સાથે સંબંધ બાંધતા પ્રેગનન્ટ થઈ અને પછી પ્રોફેસર ભાઈ જોડે રહેવા આવી. ત્યાં એણે આ મીઠડી ટેણી મેરીને જન્મ આપ્યો, પણ મેરી છ મહિનાની થઈ ત્યારે મેન્ટલ પ્રોબ્લેમ કે પ્રચંડ મેધા જીરવાય નહિ ને સામાન્ય જીવન જીવાય નહિ એમાં એણે આપઘાત કર્યો. પણ મરતા પહેલા ભાઈ પાસેથી પ્રોમિસ લીધું કે ખુદને ન મળ્યું એવું નોર્મલ ચાઈલ્ડફૂડ, સહજ બચપણ એની દીકરીને અપાવે. ગિફટેડ માનીને અલગ ન પાડી દે જગતથી ! ફ્રેન્ક ભાણેજને ઉછેરી બહેનની છેલ્લી ઈચ્છા પૂરી કરવા નોકરી છોડી નાના શહેરમાં કોઈ ઓળખે નહિ ત્યાં રહેવા આવ્યો. બોટ મિકેનિકનું કામ ટાઈમપાસ માટે કરે. સ્નેહાળ પાડોશણ રોબર્ટા મેરીની એકમાત્ર મિત્ર.

અને કહાનીમાં ટ્વીસ્ટ અહીંથી આવે છે. ફ્રેન્ક મેરી પ્રચંડ પ્રતિભાશાળી હોવા છતાં એને કોઈ ફાઇવ સ્ટાર સ્કૂલને બદલે સાદીસરળ શાળામાં મોકલે છે જીદથી. મેરી ઉંમરના પ્રમાણમાં ખૂબ હોશિયાર છે, એમાં ત્યાં અલગ તરી આવે છે. એમાં તો એની ટીચર એના મામાને પ્રેમ કરવા લાગે છે. એકલી ઘરે રહી ભણેલી મેરીને સ્કૂલમાં શરૂઆતમાં ગોઠતું નથી. પણ મામાનું દબાણ છે કે નહિ, નોર્મલ બનીને જવાનું. ખાલી વિષયો શીખવા બહાર નહિ જવાનું. ફ્રેન્ડશિપ, શેરિંગ, કેરિંગ, એડજસ્ટમેન્ટ બધું કેળવાય એ માટે જવાનું. વાત કરવાની, ખોટું થતું હોય તો સહન કરવાને બદલે અવાજ ઉઠાવવાનો. કુદરતના ખોળે ધીંગામસ્તી કરવાની. રમવાનું, હારજીત પચાવતા ને જીદ છોડતાં શીખવાનું, આપણાથી અલગ વિશ્વ હોય ને વ્યક્તિઓ પણ હોય એ સ્વીકારવાની સમજ મેળવવાની. એવી 'ખાસ સેલિબ્રિટી' બનવાનો અર્થ શું જો તમે નાની નાની ખુશીઓના ખજાનાથી વંચિત રહો ? એવી ટેલન્ટ શું કામની જે તમને મહાન સિદ્ધિ અપાવે, પ્રસિદ્ધિ અપાવે પણ તમારી સાહજીક મોજ છીનવી લે. તમે પ્રેમ કરવાનું ને પ્રેમ પામવાનું જ ચૂકી જાવ, તો જિનિયસ હોવું શ્રાપ બની જાય ? બધા જવાબો વડીલો ના આપે, જાતે વિચાર કરતા શીખવામાં હૂંફ ને સહાય કરે, બસ.

પણ મેરીની દાદીનો દીકરા કરતા તદ્દન સામા છેડાનો અભિગમ છે. એ કહે છે કે એકસ્ટ્રા ઓર્ડિનરી લોકોની કેપેસિટી ઉંચી હોય છે. એ મુજબ એમને ટ્રીટ કરવા જોઈએ. તમને કોઈ ગિફ્ટ મળી હોય તો એનું સન્માન કરો. પ્રતિભાની ઉપેક્ષા કરવાને બદલે જાત નીચોવતી તપસ્યા કરો. પૂરો સમય લગાવી તમારી ટેલન્ટની ધાર કાઢો. બ્રિલિયન્ટ ફ્યુચર મળવાનું હોય યોગ્ય ભણતર ને તાલીમથી, એને બરબાદ ન કરો. ગિફેટેડ ટેલન્ટ વેડફી નાખવી એ પણ એક જાતનો અપરાધ છે. ખુદ સાથેનો અન્યાય છે. એના માટે ભોગ આપવો પડે. ડિસિપ્લીન્ડ લાઈફ જીવવી પડે. નોર્મલ લોકો સાથે કનેક્ટ થવામાં સમય ન બગાડાય. પૂરી તાકાતથી તમારી કારકિર્દી બનાવવા પર લક્ષ્ય અપાય. આ ધરતી આવા જિનિયન્સ લોકોના પ્રતાપે બેહતર થઈ છે. સાધારણ જિંદગી જીવનારાએ કળા કે વિજ્ઞાન કે સર્જનમાં ખાસ મોટી મોથ નથી મારી. માટે દોસ્તો, પ્રકૃતિ, પાર્ટી, રોમાન્સ બધાને લાત મારી કેવળ અભ્યાસનિષ્ઠ બનીને નામ કાઢો. આજકાલ બધે કહે છે એમ બસ ભણવામાં જ ધ્યાન પરોવેલું રાખો. ડાહ્યા બનો, તોફાની નહિ. જવાબો ગોખો. સવાલો ના પૂછો.

ફિલ્મના લેખક ટોન ફલીને મૂળ તો મા અને દીકરાને જ સામસામા ભીડાવી દરેક ઘરમાં જે થાય એવો પેરન્ટિંગ સ્ટાઇલનો કોન્ફિલક્ટ રહ્યો છે. આવા કન્ફ્યુઝ કરી દેવા વૈચારિક સંઘર્ષમાં તો કળા ખીલી ઉઠે છે. જેમ કે ઈન્ટેલીજન્સ ને ઈમોશન્સને એકસાથે સ્પર્શી જાય એવો આ દુર્લભ દાગીનો - ફિલ્મ 'ગિફટેડ'. કોણ સાચું ? કોણ ખોટું ? એવું કષ્ટ ઉત્ક્રાંતિમાં મળેલી મગજની ગડીઓને પડે એ માટે તો આવી ફિલ્મો હોય છે. જે જરાય ભારેખમ થયા વિના ભીંજવી દેતી હોય ! આગળના કથાનક ને મેરીના એક આંખવાળા બિલાડા ફ્રેડ માટે પણ ફિલ્મ જોવી રહી.

પણ એના દ્રશ્યો જોયા પછી ખસે એમ નથી. સહજ સંવાદો પણ. વિશાળ ઘરમાં રહેતી દાદીને બદલે તાબડતોબ નાનકડા ઘરમાં ઓછાં રમકડાં સાથે રહેતા મામાની આંગળી પકડનાર મેરી એક જ લીટીમાં જાણે સાર આપી દે છે : ''મામા મને ત્યારથી ચાહે છે, જ્યારે હું સ્માર્ટ નહોતી.''

જેબ્બાત. આ તો અર્ક છે. કોઈ સ્પેશ્યલ લાગે પછી તો આખી દુનિયા દીવાની થાય પણ એને એના હોવા માટે જ પ્રેમ કરે, એ ખરા સ્વજન કહેવાય ! જાણીતા થયા બાદ, પ્રગતિ કર્યા બાદ તો નાના નાના સાહજીક સૌજન્યને પણ વટાવી ખાવા માટે દુકાનદારની જેમ દુનિયા નીકળી પડે. ''હવે મોટા માણસ થઈ ગયા એટલે દૂર થઈ ગયા બાકી તો અમારી જોડે...'' આવું પબ્લિક ક્લેઇમ કરનારા જ કારણ આપી દે છે કે શું કામ સાવચેત અંતર કેળવવું જોઈએ સફળતાને જ કેન્દ્રમાં રાખીને જીવનારાઓથી.

પણ એને લીધે હેપિનેસની સામે દરવાજા બંધ ન કરાય. ફિલ્મમાં કાંઈ રાજશ્રીની ફિલ્મો જેવી ડાયાબીટિક રિલેશનશિપ નથી. ઉતારચડાવ છે, જે બાળક ને વાલી વચ્ચે તો આવ્યા જ કરે. ગુસ્સામાં ફ્રેન્ક મેરીને કંઈક કહી દે તે મેરી હર્ટ થઈ જાય, ત્યારે એને મનાવતી વખતે ફ્રેન્ક યાદ દેવડાવે છે અગાઉ એ પણ કેવું બોલી ગયેલી. અને કોઈ બૂકમાં ન મળે એવો જીવનનો મહત્ત્વનો બોધપાઠ ભણાવે છે કે ''સતત શબ્દો પકડીને માઠું લગાડવા નહિ બેસવાનું,

 ભાવ જોવાનો એ તો ખરું પણ સિચ્યુએશન જોવાની. આગળ પાછળનું વર્તન જોવાનું. ક્રોધમાં, વેદનામાં, પરેશાનીમાં, અકળામણ કે મૂંઝવણમાં કે મજાકમાં માણસ વ્યક્ત થાય, ખિજાય કે કડવા વેણ કાઢે તો એ નેચરલ છે. સતત દંભી બનીને જીવો તો ઘરમાં હોટલના વેઇટરની જેમ વાત કરવી પડે. કોઈ મોકળાશ રહે જ નહિ. શબ્દોને નહિ, માણસને પકડતા શીખો તો જીવન જીવવા જેવું લાગશે. કારણ વગરની માથાકૂટ નહિ થાય. સંબંધોમાં ખટાશ આવે તો ટેમ્પરરી રહેશે.

અને એક કેવો સરસ સીન છે ! મેરીનો બાયોલોજીકલ બાપ જેણે કદી પોતાની આ દીકરી કે મૃત ગર્લફ્રેન્ડની ખબર નથી પૂછી એ કોર્ટમાં આવી શુષ્ક જવાબો આપે છે, પણ મેરીનું મોં જોવામાં પણ એને રસ નથી. મેરીને આઘાત લાગે છે, ને કાચી બાળવયે એવી અનુભૂતિ થાય છે કે પોતે આ જગતમાં 'અનવોન્ટેડ' છે. પરાણે આવી ગઈ છે. મામા શબ્દોથી જવાબ આપવાને બદલે એને એક મેટરનિટી હૉસ્પિટલે લઈ જાય છે. આશ્વાસન કે ઉપદેશના બદલે લાઇવ બતાવે છે કે, કોઈ પરિવારમાં નવું બાળક જન્મે ત્યારે બધામાં કેવો ઉત્સાહ, રોમાંચ, આનંદ હોય ! અને એ જોઈ ખુશખુશાલ ટેણીને કહે છે કે તું આવી ત્યારે અમે તને આમ જ હરખથી આવકારેલી !

બસ, આ જ તે શિક્ષણ છે. શબ્દો તો એના સાધન છે. અનુભવ એનો અસલી પાયો છે. કોઈનામાં કશીક વિશેષ શક્તિઓ હોય તો એને નિખારવી જ જોઈએ. એની લિમિટ વિસ્તરે એમ મહેનત થવી જ જોઈએ પણ સાહજીક જીવનના ભોગે નહિ. ધીંગામસ્તી કે પ્રકૃતિની ગોદ ભૂલાઈ જાય એ રીતે નહિ. એ બીજાઓથી કપાઈ જાય કે એમને નકામા નબળા સમજવાનું અભિમાન કરવા લાગે એટલી હદે નહિ એ પ્રેમતત્ત્વને કોઈ નાખે, નિર્દોષ જીજ્ઞાસાનું બાળમરણ કરે એવી રીતે નહિ. અભ્યાસમાં અવ્વલ આવવાના નામે બોરિંગ બની જશો તો જિંદગીમાં ફેઇલ થઈ ઠેબા ખાવા પડશે.

આકાશના તારાઓને ઓળખવાનું વિજ્ઞાન આવશ્યક છે, તો એ તારા કોઈના ખોળે કે કોઈના ખભે માથું ઢાળીને જોવાનું વ્હાલ પણ અનિવાર્ય છે. કોશેટો જરૂરી છે, પણ કાયમ માટે નહિ, પતંગિયું બનીને રંગબેરંગી ફૂલોનો રસ ચૂસવા માટે. બધાને પોતાના બાળકને સ્પેશ્યલ બનાવવું છે, એનું પ્રેસ્ટિજ પ્રેશર છે, પણ એ નોર્મલ બને એની પ્રસન્નતા નથી. સામાન્યમાંથી ભલે અસામાન્ય થાય, પણ સાહજીકતા છૂટી જશે તો એમાં ય એક ગિફ્ટ છે !

બાળક નાનું હોય ને એનો ગ્રોથ શરૂ થાય એ પછી એ પહેલી અગત્યની બાબત કઈ શીખે છે ? બેલેન્સ. સંતુલન. જીવનમાં પણ એ જાળવી રાખવાનું છે. ભણતર જરૂરી છે, એમાં ય ખાસ ગિફ્ટ મળી હોય કોઈ વિદ્યાની એને ન્યાય ન આપીએ, તો સર્જનહાર સાથેનો અન્યાય છે. પણ એનું વળગણ થઈ જાય તો પછી એક કાલ્પનિક બૉક્સમાં પૂરાઈ જશો. ટોપર બનશો પણ સડક વચ્ચે ઉભીને શેરડીનો રસ પીવાની કે ઘોળીને કેરીઓ પીવાની લિજ્જત ક્યાંક જતી રહેશે. તમે જિનિયસ છો એનો અર્થ એવો નહિ કે તમારે માણસ તરીકે મટી જવાનું છે !

મેધા, પ્રજ્ઞા, બુદ્ધિ, પ્રતિભા એક ગિફ્ટ છે. પણ એને સતત બહાર લટકાડીને દેખાડાના ખાડે પડવાની જરૂર નથી. બીજાઓને રાજી કરવા કે નામ દામ કમાવવા જ હોંશિયાર નથી થવાનું. આપણી અંદર પણ જીવવાનો એક રાજીપો મૂરઝાયા વિના ખીલેલો રહે, તો બધા સન્માન કે ડિગ્રીનો મતલબ છે ! બાળકો તમે શું ભણાવ્યું એ ભૂલી જશે, પણ તમે કેવી રીતે વ્યવહાર કર્યો છે, એ નહિ ભૂલે ! લર્ન ટુ ગેટ લૂઝ. જિંદગીનું રંગબેરંગી ચિત્ર મોટા એવોર્ડસ્થી નહિ, નાની નાની પળોથી બને છે !

ફાસ્ટ ફોરવર્ડ

પ્રવાસ એકલા કરજે, પણ એને સાથ ન લે... જે પહેલા જાણવા ચાહે, બધું સફર બાબત (મરીઝ)

- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

Related News

Icon