Uttar pradesh Accident : ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક પરિવારના સભ્યો કારમાં સવાર થઇને પરિવારના એક સભ્યના અસ્થિ વિસર્જન માટે હરિયાણાથી હરિદ્વાર જઇ રહ્યા હતા. આ દરમિયાન રોડના કિનારે ઊભેલી ટ્રકના પાછળના ભાગમાં કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના લગભગ છ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.
મૃતકોમાં બે મહિલા સામેલ
ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ મોટાભાગના લોકોને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈને બચાવી ના શકાયા. આ ઘટના મુજફ્ફરનગરના તિતાવી પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. મૃતકોમાં બે મહિલા પણ સામેલ છે.
