જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવાની માંગ કરી રહેલા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભાજપ સાથે કોઈપણ પ્રકારના રાજકીય સમાધાન કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું છે કે તેઓ સરકારમાં ભાજપને જોડવા તૈયાર નથી, ભલે તેના માટે તેમને રાજીનામું આપવું પડે.
...તો મારું રાજીનામું લઈ લેજો : ઓમર અબ્દુલ્લા
ગાંદરબલ જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા અબ્દુલ્લાએ ચેતવણી આપી કે, ‘કેન્દ્ર સરકારે રાજ્યના લોકોના ધૈર્યનો ફાયદો ઉઠાવવો ન જોઈએ. જો તમે લોકો તૈયાર છો, તો મને જણાવી દો, કારણ કે હું આવી કોઈ લેવડદેવડ કરવા તૈયાર નથી. જો ભાજપને સરકારમાં સામેલ કરવી જરૂરી હોય તો, મારું રાજીનામું સ્વીકારી લો.’
ભાજપ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઈન્કાર
અબ્દુલ્લાએ રાજ્યનો દરજ્જો મેળવવા માટે ભાજપ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, ‘શું આપણે ભાજપને સરકારમાં સામેલ કરવી જોઈએ? આ વાતની સંભાવના છે કે ભાજપને સામેલ કરવાથી અમને ભેટ મળી શકતી હતી. તેઓએ રાજ્યનો દરજ્જો વહેલો જ બહાલ કરી દીધો હોત. રાજ્યનો દરજ્જો ફરી મેળવવો એહસાન'ની વાત નથી, પરંતુ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના લોકો અને સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલું વચન છે, જે પૂરો કરવાનો સમય આવી ગયો છે.’
‘કેન્દ્રએ લોકોના સંયમનો ગેરલાભ ઉઠાવવો ન જોઈએ’
અબ્દુલ્લાએ કેન્દ્રને ચેતવણી આપતા કહ્યું કે, ‘પરિસ્થિતિ બગડવામાં વધુ સમય લાગતો નથી. હું નથી ઈચ્છતો કે અહીં ફરી નિર્દોષોનું લોહી વહે. કેન્દ્રશાસિત પ્રદેશના લોકો અત્યાર સુધી રાજ્યનો દરજ્જો પાછો મેળવવાના મામલે ખૂબ જ સંયમિત રહ્યા છે, પરંતુ કેન્દ્રએ આ સંયમનો ગેરલાભ ઉઠાવવો ન જોઈએ. લોકો શાંતિપૂર્ણ રીતે તેમની માંગણીઓ રજૂ કરતા રહેશે.’

