મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વસતા સિંધી સમાજનું આજે નવું વર્ષ ચેટીચાંદની ઉજવણી ભવ્ય રીતે આજે કરવામાં આવી રહી છે.ત્યારે મહેસાણામાં આજે ભવ્ય વરઘોડો કાઢીને ઉજવણી કરાઈ હતી. જ્યારે કડી શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સિંધી સમાજને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, સિંધી સમાજ જ્યારે પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સિંધી સમાજ માટે ખાસ વ્યવસ્થા કરી હતી જેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદનો સરદાર નગર વિસ્તાર છે.
કડીમાં આયોજિત સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન.સિંધી સમાજે વર્ષ-1947માં ખૂબ તકલીફો સહન કરી છે, હવે સારું છે. જે લોકોએ આપણા પર અત્યાચાર કર્યો છે, બહેન -દીકરીઓની આબરૂ લૂંટી, દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતરણ કરી ફરજિયાત લગ્ન કર્યા, તે કલંકરૂપ ભૂતકાળ ભૂલીને એમાં તકલીફ પડી હોય એને મદદરૂપ થવાનું છે.'ભૂતકાળ ભૂલી જવાનો, પણ ભૂલવાનો એ રીતે નહીં,પાકિસ્તાનમાં અત્યાચાર થયો, મુસલમાનોએ અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી.' મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે. આપણા અનેક મંદિરો મુસલમાનોએ તોડી કબ્જે લઈ મસ્જિદો બનાવી છે.
ધીમે ધીમે સીએમ યોગી આદિત્યનાથ જે કામ કરે છે, બધું પાછું આવશે.આપણે સહકાર આપવાનો, માત્ર જોઈ નહીં રહેવાનું,જરૂર પડે મદદ કરવાની. ઔરંગઝેબનું પાછું ભૂત ધૂણે છે.મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કાંઈક ઉપાય કરશે.સીએમ દેવેદ્ર ફડણવીસ ઉપાય કરશે.
કડીમાં સિંધીઓ આવ્યા, અમે સિંધીઓ કડીમાં સમાવી લીધા,રગડા પેટીસ, ભાજીપાંઉ અને લસ્સી અમને સિંધી સમાજે ખવડાવી.સિંધી સમાજ નાના મોટા વ્યવસાય કરી ખૂબ મહેનત કરી આગળ આવ્યા છે. સિંધી સમાજ જુદો નથી સિંધી ગુજરાતી આસામ મહારાષ્ટ્ર સૌ સનાતની છે.ગુજરાત કે ભારતમાં સિંધીઓ કદી ભીખ માંગતા મેં નથી જોયા.
આ ઉપરાંત નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, અડવાણીજી પાકિસ્તાનમાંથી સિંધીઓની જેમ ભારતમાં આવેલા, ભારતમાં આવીને રાજકીય સામાજિક સેવાકીય ક્ષેત્રે કામ કર્યું હતું. લાલકૃષ્ણ અડવાણીજી પણ સિંધી સમાજ અને ભારતનું ગૌરવ છે.સોમનાથથી અયોધ્યા રથયાત્રા અડવાણીજીના નેતૃત્વમાં નીકળેલી. તે રથયાત્રાનું તમામ આયોજન નરેન્દ્રભાઈ મોદીએ કરેલું.અડવાણીજી રથ પર નીકળેલા, ફળ સ્વરૂપે અયોધ્યામાં મંદિર બન્યું છે. મુસલમાનોએ રામજી મંદિર તોડી ગુલામીનું પ્રતીક બાબરી મસ્જિદ બનાવેલી. બાબરી મસ્જિદ કાઢીને રામજીનું ભવ્ય મંદિર નરેન્દ્રભાઈ અને વિહિપે બનાવ્યું સૌના સહયોગથી.