
અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર આવેલા AAIBના પ્રાથમિક રિપોર્ટ બાદ DGCAએ આદેશ જાહેર કર્યો છે. DGCAએ તમામ ભારતીય રજિસ્ટર્ડ ફ્લાઇટ્સના એન્જિન ફ્યૂલ સ્વિચની જરૂરી તપાસના આદેશ આપ્યા છે. તપાસ પુરી કરવાની અંતિમ તારીખ 21 જુલાઇ 2025 છે.
DGCAએ સ્પષ્ટતા કરી છે કે સ્ટેટ ઓફ ડિઝાઇન/મેન્યુફેક્ચર દ્વારા જારી કરાયેલા એરવર્થિનેસ ડાયરેક્ટિવ્સના આધારે આ તપાસ જરૂરી બનાવવામાં આવી છે. આ નિયમ ભારતમાં નોંધાયેલા તમામ વિમાનો, એન્જિનો અને ઘટકો પર લાગુ થશે.
એર લાઇન્સ પણ સતર્ક
એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર થયા પછી અન્ય એરલાઇન્સ પણ સતર્ક થઈ ગઈ છે. એતિહાદ સહિત વિવિધ એરલાઇન્સે તેમના પાઇલટ્સને ફ્યુઅલ સ્વિચ અંગે ખાસ આદેશો આપ્યા છે. એતિહાદે 12 જુલાઈના રોજ એક બુલેટિન બહાર પાડ્યું હતું, જે દિવસે એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ આવ્યો હતો. પાઇલટ્સને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અથવા તેમની આસપાસ કોઈપણ અન્ય સ્વીચ/કંટ્રોલ ચલાવતી વખતે સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના તપાસ રિપોર્ટમાં ફ્યુઅલ સ્વીચમાં ખામીને કારણ તરીકે દર્શાવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ફ્યુઅલ સ્વીચને થોડીક સેકન્ડમાં જ રનથી કટઓફ મોડમાં મૂકી દેવામાં આવ્યો હતો.
પાયલોટ્સને સાવચેત રહેવા જણાવ્યું
એતિહાદ એરલાઇન્સે માત્ર પાઇલટ્સને ફ્યુઅલ સ્વીચ વિશે સાવચેત રહેવા કહ્યું નથી. પરંતુ હવે આ સ્વીચ કેવી રીતે કાર્ય કરે છે તેની પણ તપાસ કરવામાં આવશે. એરલાઇન્સનું કહેવું છે કે આ પગલું સાવચેતી તરીકે લેવામાં આવી રહ્યું છે. એતિહાદ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તેના બોઇંગ 787 કાફલામાં ફ્યુઅલ કંટ્રોલ લોકીંગ સિસ્ટમની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પાઇલટ્સને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ પેડસ્ટલ પર વસ્તુઓ ના રાખે, જેથી ઓચિંતી મુવમેન્ટથી બચી શકાય. ઓનબોર્ડ ક્રૂને કોઈપણ અજીબ ઘટના થાય તો તુરંત રિપોર્ટ આપવા કહ્યું છે.
દક્ષિણ કોરિયામાં પણ તૈયારીઓ
દક્ષિણ કોરિયાના પરિવહન મંત્રાલયે પણ તેની એરલાઇન્સ દ્વારા સંચાલિત બોઇંગ વિમાનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોની તપાસ કરવાની તૈયારી કરી છે. બધી એરલાઇન્સને ફ્યુઅલ કંન્ટ્રોલ સ્વીચ પર ખાસ નજર રાખવાનો આદેશ આપવામાં આવશે. જો કે આ માટે હજુ સુધી કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર રિપોર્ટની અસર
એર ઇન્ડિયા ક્રેશના તપાસ અહેવાલમાં એ વાત સામે આવી છે કે વિમાનના ફ્યુઅલ સ્વીચ અંગે પહેલેથી જ એડવાઈઝરી આવી હતી. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ કહ્યું હતું કે બોઇંગના ફ્યુઅલ સ્વીચમાં કેટલીક સમસ્યા છે. એરલાઇન્સને આ અંગે સાવધાની રાખવા કહેવામાં આવ્યું હતું. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે બોઇંગના 787 વિમાનમાં સમસ્યા હતી.